રાજકોટ
News of Saturday, 16th January 2021

વોર્ડનં.૨માં અશાંતધારાનો અમલ એ ભાજપની રાજરમત

ભાજપના ગઢ ગણાતા આ વોર્ડમાં ભાજપને આ વખતે હારનો ભયઃ વિપુલ તેરૈયા : અત્યાર સુધી આ વોર્ડ ભાજપને કયારેક અશાંત દેખાયો જ નથીઃ રાજભા ઝાલા

રાજકોટઃ તા.૧૬, જે વિસ્તારોમાં વારંવાર તોફાનો થતા હોય, કોમી તંગદીલીનું વાતાવરણ રહેતુ હોય ત્યાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ઉભુ ન થાય એ માટે વર્ર્ષો પહેલા અશાંતધારો ઘડવામાં આવ્યો હતો પણ કાયદાની આવી જોગવાઇઓનો પોતાના સ્વાર્થ માટે સદાય ગેરલાભ લેતા રહેવો એ જ ભાજપની લોકવિરોધી નિતી રહી છે. જેનુ તાજુ ઉદાહરણ એટલે રાજકોટના વોર્ડનં.૨માં અશાંતધારો કરવાની ભાજપ ગંદી રાજરમત રમી રહી હોવાનું 'આપ' ના શહેર પ્રમુખ રાજભા ઝાલાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

વોર્ડનંં.૨ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજભાએ વધુમાં યાદીમાં જણાવ્યુ છે કેે માત્ર એટલુ જ કહ્યું કે શાંત વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા પાછળ ભાજપનો રાજકીય હેતુ જ છે. અશાંતધારાનો વિરોધ નથી પણ ચૂંટણીના સમયે માત્ર અને માત્ર બહુમતી વોટ અંકે કરવા અને એ રીતે પણ શકય હોય તો મારી સામે લડત આપવી એ જ ફુટનીતી સિવાય આમાં બીજુ કંઇ નથી. બાકી આ વિસ્તાર અત્યાર સુધી ભાજપને કયારેય અશાંત દેખાયો જ નથી.

વોર્ડનં.૨ના ઉમેદવાર અને 'આપ' ના શહેર મહામંત્રી વિપુલ તેરૈયાએ જણાવ્યુ  છે કે રાજભા સામે ભાજપ પાસે જીતી શકે એવો કોઇ ઉમેદવાર જ નથી એટલે  યેન કેન પ્રકારેણ જીતવુ એ જ એક માત્ર લક્ષ્ય રાખી લોકોના હિત કરતાં પોતાના સ્વાર્થને વધારે મહત્વ આપવાના એક માત્ર આશય સાથે ભાજપ અશાંતધારાનું હથિયાર લઇને મેદાનમાં ઉતરે છે. ખરેખર ચુંટણી જીતવા લોકોનું સમર્થન જોઇએ અને એ માટે લોકોના હિત માટેના મુદાઓ જ જોઇએ પણ ભાજપ પાસે એનો તો સદંતર અભાવ જ છે. ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં ભાજપ હાર ભાળી ગયું છે.

 પ્રજાને મૂર્ખ માનતા ભાજપના આવા બાલીશ પ્રયત્નોને પ્રજા સારી રીતે ઓળખે જ છે અને એનુ પરીણામ  લોકો પોતાનો વોટ આમ આદમી પાર્ટીને જ આપીને ભાજપને અરીસો બતાવી દેશે તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(4:07 pm IST)