એ. પી. પાર્કમાં બાલ્કનીના ઝૂલામાંથી પડી જતાં ૮૦ વર્ષના પાંચીબેનનું મોત
દૂધસાગર રોડ હૈદરી ચોકમાં દાદરેથી પડી જતાં મહમદખાનનું મોત
રાજકોટ તા. ૧૬: દોઢસો ફુટ રીંગ રોડ પર બિગ બાઝાર પાછળ એ. પી. પાર્કમાં રહેતાં પાંચીબેન વશરામભાઇ વસોયા (ઉ.વ.૮૦) ઘરના પહેલા માળે બાલ્કનીમાં આવેલા ઝૂલામાં બેઠા હોઇ પડી જતાં માથામાં ઇજા થતાં મોત નિપજ્યું હતું.
પાંચીબેન ગઇકાલે સાંજે બાલ્કનીના ઝૂલામાં બેઠા હતાં ત્યારે અકસ્માતે પડી જતાં ગિરીરાજ હોસ્પિટલમાં અને ત્યાંથી મધુરમ્ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ મારફત જાણ થતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. પી. વી. જીલરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં દૂધ સાગર રોડ પર હૈદરી ચોક પાસે રહેતાં મહમદખાન જમાલખાન મકસી (ઉ.વ.૬૨) સવારે ઘરે દાદરા ઉતરતી વખતે પડી જતાં મુંઢ ઇજા થતાં બેભાન થઇ ગયા હતાં. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.