રાજકોટ
News of Thursday, 16th June 2022

બી.કોમ ભણેલો ભરત કેદારનાથ સોસાયટીમાં ડુપ્‍લીકેટ ડોક્‍ટર બની દવાખાનુ ચલાવતો'તો

સ્‍વ.શ્રી વલ્લભજી એન્‍ડ સ્‍વ. ધીરૂજી ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત...નામથી ક્‍લિનીક ખોલ્‍યું હતું :ભક્‍તિનગર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ એચ. એન. રાયજાદાની ટીમે દબોચ્‍યોઃ હેડકોન્‍સ. દેવશીભાઇ ખાંભલા અને કોન્‍સ. વાલજીભાઇ જાડાની બાતમી : દસ વર્ષ કમ્‍પાઉન્‍ડર તરીકે નોકરી કરી હતીઃ એ પછી કેટલાક વર્ષોથી પોતે ડોક્‍ટર બની બેઠો હતો!

રાજકોટ તા. ૧૬: શહેર પોલીસે વધુ એક નકલી ડોક્‍ટરને પકડી લીધો છે. કોઠારીયા રોડ પર કેદારનાથ સોસાયટીમાં સ્‍વ. શ્રી વલ્લભજી એન્‍ડ સ્‍વ. શ્રી ધીરૂજી ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિતના નામથી દવાખાનુ ચલાવતાં ભરત ધીરૂભાઇ વાઘેલા (ઉ.વ.૫૩-રહે. મેહુલનગર, ૪ કોઠારીયા રોડ)ને ભક્‍તિનગર પોલીસે પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.

કેદારનાથ સોસાયટીમાં દવાખાનુ ધરાવતા ભરત વાઘેલા પાસે કોઇપણ જાતની મેડિકલ ડિગ્રી નહિ હોવાનું અને તેમ છતાં તે દવાખાનુ ચલાવી દર્દીઓને એલોપેથી દવા આપી, ઇન્‍જેક્‍શન આપી આરોગ્‍ય સાથે ચેડા કરતો હોવાની બાતમી હેડકોન્‍સ. દેવશીભાઇ ખાંભલા અને કોન્‍સ. વાલજીભાઇ જાડાને મળતાં દરોડો પાડી તપાસ કરવામાં આવતાં ડોક્‍ટર બનીને દવાખાનામાં બેઠેલા ભરત વાઘેલાએ પહેલા તો પોતે સાચો ડોક્‍ટર છે તેવી વાતો કરી હતી. પરંતુ પોલીસે ડિગ્રી માંગતા ગલ્લા તલ્લા કર્યા બાદ કોઇપણ જાતની ડિગ્રી નહિ હોવાનું અને બી.કોમ સુધી જ ભણ્‍યો હોવાનું કહેતાં તેની સામે મેડિકલ પ્રેકટીશનર એક્‍ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી વી. એમ. રબારીની સુચના મુજબ પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એચ. એન. રાયજાદા, દેવશીભાઇ ખાંભલા, પુષ્‍પરાજસિંહ ગોહિલ, મનિષભાઇ ચાવડા, વાલજીભાઇ જાડા તથા સર્વેલન્‍સ ટીમે આ કામગીરી કરી હતી.

પોલીસે દવાખાનામાંથી હોસ્‍પિટલને લગતા સાધનો, દવાઓ, ઇન્‍જેક્‍શન સહિતનો રૂા. ૨૨૬૭૦નો મુદ્દામાલ અને રૂા. ૨૦૦ રોકડા કબ્‍જે કરી વિશેષ પુછતાછ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ભરત વાઘેલાએ રટણ કર્યુ હતું કે પોતે અગાઉ કોઠારીયા રોડ પર ડો. નરસીભાઇ પટેલના દવાખાનામાં કમ્‍પાઉન્‍ડર હતો. દસેક વર્ષ ત્‍યાં નોકરી કરી હતી. એ પછી નોકરી છોડી દીધી હતી અને કમ્‍પાઉન્‍ડર તરીકેનો અનુભવ હોઇ પોતે જ પોતાનું દવાખાનુ ખોલી ડોક્‍ટર બનીને બેસી ગયો હતો. તેની વિશેષ પુછતાછ યથાવત રખાઇ છે.

(3:40 pm IST)