રાજકોટ
News of Friday, 16th July 2021

માર્કેટયાર્ડની ચૂંટણી ૫ ઓકટોબરે : ભાજપના બે જુથો સામસામે

૨૩ સપ્ટેમ્બરે ફોર્મ ભરવાની મુદ્દત : કુલ ૧૬ બેઠકો : જયેશ રાદડિયાની ભૂમિકા નિર્ણાયક

રાજકોટ તા. ૧૬ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (બેડી માર્કેટયાર્ડ)ના બોર્ડ ઓફ ડીરેકટર્સની ચૂંટણીનો કાર્યક્રમ રાજ્યના ખેત બજાર નિયામક યુ.એમ.વાસણવાળાએ જાહેર કર્યો છે. તે મુજબ તા. ૨૩ સપ્ટેમ્બરે સવારે ૧૦ થી ૪ સુધી ઉમેદવારી પત્રો રજુ કરવાની મુદ્દત છે. બીજા દિવસે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. તા. ૨૭મીએ ઉમેદવારી પાછી ખેચવાની મુદ્દત છે. મતદાન તા. ૫ ઓકટોબરે સવારે ૯ થી ૫ અને મત ગણતરી બીજા દિવસે સવારે ૯ વાગ્યાથી થશે. હાલના અમુક મોટા માથાઓ ચુંટણી લડી શકશે નહિ.

બેડી માર્કેટયાર્ડમાં ખેતીવાડી વિભાગની ૧૦, વેપારી વિભાગની ૪ અને સહકરી ખરીદ વેચાણ મંડળીઓના વિભાગની ૨ સહિત કુલ ૧૬ બેઠકો માટે ચૂંટણી જાહેર થયેલ છે. દરેક ઉમેદવારે ફોર્મ સાથે રૂ. ૧૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે. યાર્ડના વર્તમાન ચેરમેન ડી.કે.સખિયાની નેતૃત્વ હેઠળની ચૂંટાયેલી પાંખની મુદ્દત ૭ જુલાઇએ પૂરી થઇ ગઇ છે. હાલ તેમની મુદ્દત લંબાવવામાં આવી છે.

બેડી માર્કેટયાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસ કયાંય ચિત્રમાં નથી. જિલ્લા ભાજપના જ બે જુથો સામસામે આવે તેવા અત્યારના એંધાણ છે. રા.લો. સંઘની ચૂંટણી વખતની ઝલક ફરી જોવા મળે તેવી સંભાવના છે. એક તરફ ધારાસભ્યનું જુથ અને બીજી તરફ પૂર્વ જિલ્લા ભાજપનું જુથ રહે તેવા પ્રાથમિક એંધાણ છે. પાર્ટી લાઇનમાં ચૂંટણી લડાવવાની હાઇકમાન્ડની દિશા છે. જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાની ભૂમિકા નિર્ણાયક રહેશે.

(3:07 pm IST)