રાજકોટ
News of Tuesday, 16th August 2022

સર્વ સમાવેશી વિકાસ સાધીને ગુજરાત દેશનું રોલ મોડલ : જીતુભાઇ

હર ઘર તિરંગા અભિયાનને કરોડો ભારતીયોએ સફળ બનાવ્યું: તરઘડી ખાતે જીલ્લા કક્ષાનો ૭૬માં સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણીઃ પ્રભારીમંત્રીના હસ્તે ધ્વજવંદન : સૌના સાથ-વિકાસ-સહકાર-પ્રયાસ સાથે ભારત વિશ્વગુરૃ બની રહેશે : વિકાસ કામો માટે મંત્રીશ્રી દ્વારા કલેકટરને ૨૫ લાખનો ચેક અર્પણ

રાજકોટ તા. ૧૬ :  આઝાદીના ૭૬માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામે જવાહર નવોદય વિદ્યાલય ખાતે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના 'સ્વતંત્રતા પર્વ'ની ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીશ્રી વાઘાણી દ્વારા ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરીને પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે નાગરિકો પાસે જઈને સ્વતંત્રતા પર્વનું અભિવાદન ઝીલ્યું હતું.

સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવતાં મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, નામી-અનામી લોકોના બલિદાનના કારણે આપણને આ મહામૂલી આઝાદી મળી છે. વીર સપૂતોના બલિદાનમાંથી પ્રેરણા લઈને નવભારતના સંકલ્પને સાકાર કરવાનું આપણું કર્તવ્ય બને છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ફરી એકવાર સમગ્ર દેશમાં દેશભકિતનો જુવાળ જોવા મળ્યો છે. 'હર ઘર તિરંગા' અભિયાને નાગરિકોના હદયમાં છુપાયેલી દેશદાઝની ભાવનાને ઢંઢોળીને બહાર લાવી છે. કરોડો લોકોએ આ અભિયાનમાં જોડાઈને તેને સાચા અર્થમાં સાર્થક કર્યું છે.

રાજય સરકારે પ્રજા પર શાસન કરીને નહિ પરંતુ પ્રજાની સેવક બનીને ગુજરાતના ખૂણે ખૂણે સર્વાગી વિકાસ પહોંચાડયો છે. સર્વસમાવેશી વિકાસ સાધીને ગુજરાત દેશનું રોલમોડલ બન્યું છે. ખેતી અને ખેડૂતો સમૃદ્ઘ બન્યા છે. સેવાયજ્ઞને આત્મસાત કરીને ગામડાઓની કાયાપલટ કરી છે. આજે ગામડાઓમાં હર ઘર નલ અને જલ પહોંચ્યું છે. રાજય સરકાર પારદર્શીતાને અભિન્ન અંગ બનાવીને વિકાસની રાજનીતિ કરી રહી છે. આજે કમિશનનું દુષણ દૂર થયું છે અને સબસીડીના નાણા લોકોના ખાતામાં જમા થઈ રહ્યા છે. 

રાષ્ટ્રીય શિક્ષણનીતિની પ્રશંસા હાઇકોર્ટ દ્વારા કરવામાં આવી છે. આજનો યુવા આવતીકાલનું ભારત છે, જેના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર કટિબદ્ઘતા સાથે કામ કરી રહી છે તેમ મંત્રીશ્રી વાઘાણીએ ઉમેર્યું હતું.

સૌના સાથ, સૌના સહકાર અને સૌના પ્રયાસ સાથે સૌના વિકાસની યાત્રાને આગળ ધપાવીને ભારતને વિશ્વગુરુ બનાવીએ. આ અડીખમ સરકાર છેવાડાના માનવીના કલ્યાણ માટે તેના પડખે રહીને હંમેશા અગ્રેસર રહેશે. આજે આઝાદીના અમૃતકાળની ઉજવણી કરીને વીર સપૂતોને સાચા અર્થમાં શ્રદ્ઘાંજલિ આપી છે તેમ કહીને શિક્ષણ મંત્રીશ્રીએ દરેક નાગરિકને વિકાસની બુલંદીઓમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

વધુમાં મંત્રી વાઘાણીના હસ્તે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શ્રી ધીરજલાલ લક્ષ્મીશંકર રાવલનાં ધર્મપત્ની શ્રીમતિ જશુમતીબેન રાવલનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, રાજકોટ જિલ્લાના અવિરત વિકાસ કામો માટે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુને રૃપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ વહીવટી તંત્ર દ્વારા વિશિષ્ટ કામગીરી કરનારા ૩૫ નાગરિકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે મંત્રીશ્રી જીતુભાઈના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ તકે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પોષણ અભિયાનજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સખી મંડળની બહેનો દ્વારા આજીવિકા મિશન, આરોગ્ય વિભાગ દ્વારા પી.એમ.જે.વાય, લીડ બેંક દ્વારા ૨૪ કલાક ખ્વ્પ્ - મોબાઈલ ખ્વ્પ્ સુવિધા, શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા પ્રધાનમંત્રી માનધન પેન્શન યોજના અને ઈ-શ્રમ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષાને અનુલક્ષીને ટેબલોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ન્યૂ એરા અંગ્રેજી માધ્યમ સ્કૂલ, સેન્ટ ગાર્ગી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ક્રિસ્ટલ સ્કૂલ, ઉકરડા પ્રાથમિક શાળા અને કોસ્મિક વિદ્યા સંકુલ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે જવાહર નવોદય વિદ્યાલયના આશરે ૨૩૬ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ૨૦૦ ફૂટ લાંબા અને ૬ ફૂટ પહોળા રાષ્ટ્રધ્વજ સાથે કૂચ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે સાંસ્કૃતિક કૃતિમાં પ્રથમ ક્રમે કોસ્મિક સંકુલ, બીજા ક્રમે જવાહર નવોદય વિદ્યાલય, ત્રીજા ક્રમે ક્રિસ્ટલ સ્કૂલ તેમજ ટેબલો નિદર્શનમાં પ્રથમ ક્રમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બીજા ક્રમે આઈ.સી.ડી.એસ અને ત્રીજો ક્રમ મેળવનાર આરોગ્ય વિભાગને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તેમજ પરેડ કમાન્ડરશ્રી પી. એચ. જાડેજાની આગેવાની હેઠળ કુલ ૬ પ્લાટુને ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે પી. આઈ. શ્રી બી. ટી. અકબરીના નેતૃત્વના પુરુષ પોલીસ પ્લાટુન નં.૧, બીજા ક્રમે પી. એસ. આઈ. શ્રી એન. આર. કદાવલા નેતૃત્વના મહિલા પોલીસ પ્લાટુન નં.૪ અને ત્રીજા ક્રમે પી. એસ. આઈ. શ્રી એચ. આર. જાડેજાના નેતૃત્વના પુરુષ પોલીસ પ્લાટુન નં.૩ને સન્માનિત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર, જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, રેન્જ આઈ.જી. સંદીપ સિંઘ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, પ્રાંત અધિકારીશ્રીઓ, ભાજપ અગ્રણીશ્રીઓ, સ્વતંત્ર સેનાનીના પરિવારજનો, શિક્ષકો, પ્રબુદ્ઘ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનીષભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

(3:15 pm IST)