રાજકોટ
News of Wednesday, 16th September 2020

રાજકોટમાં કોરોનાં મૃત્યુ દર વધવામાં તંત્રની ઘોર બેદરકારીઃ ગાયત્રીબા

રેસીડન્ટ ડોકટરોને એમ.ડી.માં ખપાવવાનું કારસ્તાનઃ નાજુક સ્થિતિવાળા દર્દીને જરૂરી સારવાર મળતી નથીઃ માત્ર વી.આઇ.પી. દર્દીને જ એટેન્ડન્ટ અપાય છેઃ કોવિડ પેશન્ટની મદદ માટેનો કન્ટ્રોલ રૂમ શોભાનો ગાંઠિયોઃ દર્દીઓને જરૂરી ચીજ વસ્તુઓ પણ નથી અપાતીઃ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખનો આક્રોશ

રાજકોટ તા. ૧૬: શહેરમાં કોરોનાં સંક્રમણ બેફામ બન્યું છે ત્યારે સિવીલ કોવિડ હોસ્પીટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે અને કોરોનાનાં કારણે દરરોજ ૩૦ થી વધુ લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે તેની પાછળ સરકારનાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી હોવા આક્ષેપ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ કર્યો છે.

આ અંગે ગાયત્રીબાએ ભાજપ સરકાર સામે આક્રોશ વ્યકત કરતાં નિવેદનમાં જણાવ્યું છે કે, રાજયનાં આરોગ્ય સચિવ જેન્તી રવીએ ૧ર દિવસ રાજકોટમાં કોવિડ મહામારી રોકવા ધામાં નાખ્યાં છે અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૯૦ એમ.ડી. ડોકટરો કાર્યરત છે એવું જાહેર કર્યું છે (સરકારને) એ રાજકોટમાં ફરજ બજાવતાં ૯૦ ડોકટરોનાં નામ જાહેર કરે.

આખું રાજકોટ રેસિડેન્સ ડોકટરોનાં હવાલે છે ત્યારે સરકાર આ રેસિડેન્સ ડોકટરોને એમ.ડી.માં ખપાવતી હોય તેવું સ્પષ્ટ છે.

સમગ્ર દેશમાં લગભગ મૃત્યુ દર ૧.૮૦ છે જે ઘટતો જાય છે એવું લાગે છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને રાજકોટ કોવિડનો મૃત્યું આંક લગભગ ૩.૪પ% (પોણા ચાર%) જેવો છે. ત્યારે સરકાર શા માટે આ મૃત્યુનાં કારણો અને સાચો મૃત્યુ આંક જાહેર કરતી નથી.

રાજકોટમાં જે મૃત્યુદર વધી રહ્યો છે એનાં કારણોમાં આ સરકારનાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી છે.

રાજકોટ શહેરની વસ્તીની સરખામણીમાં શહેરમાં કેસો અને રોજનાં મૃત્યુનું પ્રમાણ અત્યંત ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાજકોટમાં હજુ બે માસ પહેલા રોજનાં જેટલાં કેસો નોંધાતા હતાં તેટલો હાલનો મૃત્યુ દર નોંધાય છે ત્યારે આ મૃત્યુદરને જો સરકારે રોકવો હોય તો તેનાં માટે નક્કર પગલાંઓ લેવાજ પડશે.

ગાયત્રીબાએ વધુમાં જણાવ્યું છે કે, સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમાં પેશન્ટની નર્સીંગ સ્ટાફ દ્વારા પૂરતી કેર લેવામાં આવતી નથી તે પણ મૃત્યુનું એક કારણ છે. ડોકટરનાં રાઉન્ડ બાદ તાત્કાલિક સારવાર માટેનાં પેશન્ટ માટે જે લેખિત સૂચનાઓ અને ટ્રિટમેન્ટ માટે આપવામાં આવતી સૂચનાઓનું સ્ટાફ દ્વારા ચૂસ્ત પણે પાલન કરવામાં આવતું નથી જે મોટી બેદરકારી છે.

એટલું જ નહીં રાત્રે (રાત્રીનાં સમયે) આખું કોવિડ સેન્ટર માત્ર રેસિડેન્સ ડોકટરોનાં હવાલે કરી દેવામાં આવે છે. તેમાં પણ (આંખનાં-ઓર્થો.નાં ઇ.એન.ટી.નાં વગેરે ડોકટરો હોય છે.

આ ડોકટરોના કોવિડનાં પેશન્ટની સારવારની કોઇ ખબર કે જાણકારી હોતી નથી. જ ેથી કોરોનાં દર્દીનું રાત્રે મૃત્યુ થાય તો સવાર સુધી જાહેર થતું નથી.

વી.આઇ.પી. પેશન્ટનેજ માત્ર એટેન્ડન્ટ સુવિધા આપવામાં આવે છે. બીજા સામાન્ય પેશન્ટને એટેન્ડન આપવામાં આવતાં નથી. જો ખાટલા દીઠ એટેન્ડન બેસાડવામાં આવે અથવા દર્દીનાં સગા સંબંધીને પી.પી. કિટ પહેરાવી બેસાડવામાં આવે તો દર્દીને દવા-જમવા સહિતની કેર તેમજ સારવાર દરમ્યાનની બધીજ જાણકારી મળી રહે અને મૃત્યુ દર પણ ઘટવા પામશે.

કોવિડ પેશન્ટની મદદ માટે ખોલવામાં આવેલ કંન્ટ્રોલ રૂમ માત્ર તૂત છે જે કંન્ટ્રોલ રૂમ માંથી માત્ર ઓકિસજન પેશન્ટ કે વેન્ટીલેટર પેશન્ટની જ માહિતી મળે છે દર્દીની સારવારની સંપૂર્ણ માહિતી તેનાં સગા સંબંધીને મળવી જોઇએ તે મળતી નથી જે જાણવાનો તેનો સંપૂર્ણ હકક અને અધિકાર છે.

સરકારશ્રી તરફથી કોરોનાનાં ઇન્ડોર પેશન્ટ માટે કરોડો રૂપિયાનાં ખર્ચે મોકલવામાં આવેલ પી.પી. કિટ સહિતની અન્ય વસ્તુઓ કે જેમાં ટૂથ બર્સ, કોલગેટ, સાબુ જેવી વસ્તુઓ હોય છે તે સિવિલનાં જવાબદાર અધિકારી મેર્ટન ઝાંખડીયાની ફરજ બેદરકારીનાં કારણે મળતી નથી અને બારોબાર ચોરાઇ જાય છે.

આમ ઉપરોકત તમામ બાબતોમાં સરકારી તંત્રની ઘોર બેદરકારી છતી થઇ રહી હોવાનાં આક્ષેપો ગાયત્રીબા વાઘેલાએ નિવેદનનાં અંતે કર્યા છે.

(2:44 pm IST)