રાજકોટ
News of Wednesday, 16th September 2020

શહેરમાં ટ્રાફિક નિયમન માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરતાં પોલીસ કમિશનર

રાજકોટ તા. ૧૬ : શહેરમાં અવર-જવર કરતા ભારે વાહનોના કારણે વધતા જતા ટ્રાફિકની સમસ્યાને નિવારવા રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ દ્વારા  જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે, જે મુજબ આ જાહેરનામાના અમલ અન્વયે રાજકોટ શહેર મહાનગરપાલિકા નીચે મુજબના વિસ્તારમાં ટ્રક, ટેઈલર, ટેન્કર, ટ્રોલી સાથે ટ્રેકટર માટે સવારના કલાક ૬ થી રાત્રિના કલાક ૯ સુધી પ્રવેશબંધી ચાલુ રહેશે.

રેસકોર્ષ રીંગ રોડ ઉપર બહુમાળી ભવન ચોકથી હેડ કવાર્ટર સર્કલ, ન્યુ એન.સી.સી. ચોકથી કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન સુધીના માર્ગ ઉપર ઉપરોકત વાહનો ટ્રક, ટેઈલર, ટેન્કર, ટ્રોલી સાથે ટ્રેકટર અને ત્રણ ટન થી વધુ કેપેસિટીના નાના માલવાહક વાહનો માટે સવારના કલાક ૫ થી રાત્રિના ૧૨ વાગ્યા સુધી પ્રવેશબંધી ચાલુ રહેશે.

નાના માલવાહક વાહનો માટે શહેરના અન્ય વિસ્તારમાં પ્રવેશબંધી સવારના ૯ થી બપોરે ૧ સુધી તથા સાંજે ૫ થી રાત્રિના ૯ વાગ્યા સુધી રહેશે. અન્ય સમયે અવર-જવર કરી શકશે. ત્રણ ટન થી ઓછી કેપેસિટીના નાના માલવાહક વાહનો માટે કોઈપણ સમયે પ્રતિબંધ રહેશે નહીં.

આ જાહેરનામામાંથી નીચે મુજબના વાહનોને શરતી મુકિત મળશે જેમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલ.પી.જી., સી.એન.જી. અને પાણીનાં ટેન્કરો માટે બપોરના ૧૧.૩૦ થી ૩.૩૦ વાગ્યા સુધી પ્રવેશબંધીમાંથી મુકિત રહેશે. દૂધની હેરાફેરી કરતા ભારે વાહનો ઉપર ૨૪ કલાક કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

ઢેબર રોડ, સાઉથ અટીકા ઇન્ડસ્ટ્રિઝ એરિયા અટીકા ફાટક સુધી સવારના ૬ થી સવારના ૯ અને બપોરના ૧ થી બપોરના ૪ સુધી પ્રતિબંધમાંથી મુકિત ચાલુ રાખવામાં આવે છે.

મવડી રેલવે ફાટકથી આનંદ બંગલા ચોક થઈ વિનોદ બેકરીવાળા ચોક સુધી તથા ઉત્તર તરફના ભાગે ઇન્ડસ્ટ્રીયલ એરીયા મણીનગર ઉમાકાંત પંડિત ઔદ્યોગિક વસાહત શેરી નં-૬ સુધીના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સવારના ૯ થી બપોરના ૧ તથા સાંજના ૪ થી રાતના ૯ કલાક સુધી પ્રવેશબંધી રહેશે. અન્ય સમયે ભારે વાહનો માટે પ્રવેશબંધીમાંથી મૂકતી ચાલુ રાખવામાં આવે છે.

ગોંડલ રોડ બાયપાસ સર્કલ થી ગોંડલ રોડ, જુના જકાતનાકા સુધીમાં ગેરેજ વિસ્તાર હોવાના કારણે ૨૪ કલાક માટે પ્રવેશબંધીમાંથી મુકિત ચાલુ રાખવામાં આવે છે.

ગોંડલ રોડ જકાતનાકાથી પી.ડી.એમ.કોલેજ મવડી ફાટક મક્કમ ચોક, લેલેન્ડ ટી- પોઇન્ટથી ભકિતનગર રેલ્વે સ્ટેશન સર્કલ સુધી ભારે વાહનો માટે સવારનાં ૯ થી બપોરના ૧ સુધી તથા સાંજે ૪ થી રાત્રે ૯ સુધી પ્રવેશબંધી રહેશે. અન્ય સમયે પ્રવેશબંધીમાંથી મુકિત ચાલુ રાખવામાં આવે છે.માધાપર ચાર રસ્તા જામનગર રોડ થી ૧૫૦ ફૂટ રિંગ રોડ તથા ગોંડલ રોડ બાયપાસ સર્કલ સુધીનો રસ્તો ૨૪ કલાક માટે ખુલ્લો રહેશે પરંતુ તે રોડ ઉપરથી કોઈ પણ વાહન શહેરી વિસ્તારમાં પ્રવેશી શકશે નહીં.

બાયપાસ રોડથી કે.એસ ડીઝલ ચોકડીથી ચંપક વોરા બ્રિજ થી સોરઠીયાવાડી સર્કલ સુધીનો ૮૦ ફૂટના રોડ ૨૪ કલાક માટે પ્રવેશબંધી માંથી મુકિત ચાલુ રહેશે. માધાપર ચાર રસ્તા જામનગર રોડથી જુના જકાતનાકા થઈ આઇ.ઓ.સી.ડેપો. અને રેલ્વે યાર્ડ સુધી માલની અવર-જવર કરવા માટે અસલ બીલ/રેલવે રિસિપ્ટ/ ગેઇટ પાસ બતાવી ટ્રક/ટેન્કર અવર-જવર કરી શકશે અને આ મુકિત ચાલુ રાખવામાં આવે છે.

આ શરતી મુકિત જરૂર જણાય તો વગર નોટિસે પાછી ખેંચવામાં આવશે. આ જાહેરનામામાં દર્શાવેલ પ્રતિબંધિત સમય દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓની હેરાફેરી કરતા વાહનો માટે અત્રેથી ભારે વાહન મુકિત પરવાનગી અવશ્ય લેવાની રહેશે. આ જાહેરનામું ફરજ પરનાં પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી તથા કોર્પોરેશનની માલિકીના ભારે વાહનો ઉપર આકસ્મિક સંજોગોમાં લાગુ પડશે નહિ.

(3:33 pm IST)