માંડા ડુંગર પાસે આરતી સોસાયટીમાં હમીરભાઇ પરાલીયા પર હુમલોઃ ૯ હજારની રોકડ લૂંટી લીધી
છબો, સુનીયો સહિતના શખ્સોએ બાઇકના આગલા વ્હીલમાં પાઇપ ફટકાર્યા પછી વાંસામાં બે ઘા કર્યા પછી પર્સ લૂંટી ગયાનો આક્ષેપ
રાજકોટ તા. ૧૬: આજીડેમથી આગળ માંડા ડુંગર પાસે પીઠડઆઇ સોસાયટીમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હમીરભાઇ ઘોહાભાઇ પરાલીયા (કોળી) (ઉ.વ.૪૫) રાત્રીના સાડા બારેક વાગ્યે કામેથી ઘર તરફ જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં આરતી સોસાયટી પાસે પાંચ જેટલા શખ્સોએ પાઇપથી હુમલો કરતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે આજીડેમ પોલીસને જાણ કરી હતી. હમીરભાઇએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે પોતે રાતે ડ્રાઇવીંગ કામ પુરૂ કરી બાઇક પર ઘરે જતા હતાં ત્યારે રસ્તામાં આરતી સોસાયટી પાસે છબો, સુનિયો અને ત્રણ અજાણ્યાએ બાઇકના આગલા વ્હીલમાં પાઇપ ફટકારી બાઇક ઉભુ રખાવ્યું હતું અને બાદમાં પોતાની પાસે જે હોય તે આપી દેવા કહેતાં ન આપતાં પોતાને વાંસામાં પાઇપના બે ઘા ફટકારી ખિસ્સામાંથી પર્સ કાઢી બધા ભાગી ગયા હતાં.
પર્સમાં નવ હજાર રોકડા, આધાર કાર્ડની કોપી, ડ્રાઇવીંગ લાયસન્સની કોપી સહિતના કાગળો હતાં. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.