રાજકોટ
News of Tuesday, 16th November 2021

રાજકોટમાં સફેદ વાઘનું બ્રિડીંગ સેન્ટર : 'ઝુ' માટે નવી બેટરી કાર

મ.ન.પા. દ્વારા પ્રદ્યુમન પાર્કમાં બનાવાશે સફેદ વાઘ માટે ખાસ બ્રિડીંગ સેન્ટર : રાજકોટે અત્યાર સુધીમાં અમદાવાદ, પંજાબના છતબીર, પૂના, ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક, સુરત વગેરે શહેરોનાં 'ઝુ'માં સફેદ વાઘ આપ્યા છે : હાલમાં ૧ નર અને ત્રણ માદા સફેદ વાઘ પ્રદ્યુમન પાર્કમાં છે : 'ઝુ'માં ૧૦ બેટરી કાર કાર્યરત તેમાં બેનો વધારો થશે

રાજકોટ તા. ૧૫ : મ.ન.પા. દ્વારા રાજકોટમાં સફેદ વાઘનું બ્રીડીંગ સેન્ટર બનાવવા નિર્ણય લેવાયો છે જે અનુસંધાને આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવનાર છે.

આ અંગે ન્ડીંગ કમિટિના એજન્ડામાં સામેલ દરખાસ્તમાં જણાવાયા મુજબ પ્રદ્યુમન પાર્ક ઝુમાં સફેદ વાઘ માટે અનુ કૂળ વાતાવરણ હોઇ અત્યાર સુધીમાં ૯ જેટલા વાઘની ઉત્પતી આ ઝુમાં થઇ છે અને આ સફેદ વાઘ અન્ય શહેરોના 'ઝુ'માં મોકલાયા છે. આથી હવે પ્રદ્યુમન પાર્કમાં સફેદ વાઘ માટે ખાસ બ્રિડીંગ સેન્ટર બનાવવા નિર્ણય લેવાયો છે.

બ્રિડીંગ સેન્ટરનું કુલ ૧૨૮.૯૦ ચો.મી. બાંધકામ કરવાનું થાય છે અને તેના માટે ૧૩ લાખ ૯ હજારનું એસ્ટીમેન્ટ મંજુર થયું છે. આ માટે ઇ-ટેન્ડરથી ભાવો મંગાવાયેલ હોઇ જેમાં શિવ સાંઇ કન્સ્ટ્રકશને એન્ટીમેન્ટના ૫.૯૪ ટકા ઓછા ભાવે એટલે કે ૧૨,૩૧,૭૧૬માં કામ કરવા તૈયારી બતાવતા તેને કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત છે.

અત્રે નોંધનીય છે કે પ્રદ્યુમન પાર્ક ઝુમાં નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી તા. ૬-૫-૨૦૧૫ના રોજ સફેદ વાઘ બાળ ૧ માદાનો જન્મ થયેલ. જ્યારે નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા. ૧૬-૫-૨૦૧૫ના રોજ સફેદ વાઘ બાળ ૪ માદાનો જન્મ થયેલ અને નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા. ૨-૪-૨૦૧૯ના રોજ સફેદ વાઘ બાળ ૦૪ (નર - ૦૨ - ૦૨)નો જન્મ થયેલ હતો.

રાજકોટ ઝૂમાં સફેદ વાઘનું આગમન

વન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા મૈત્રી બાગ ઝૂ, ભીલાઇ (છત્તીસગઢ)ને સિંહની એક જોડી (સિંહ નીલ તથા સિંહણ - સૌમ્યા) વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન આપવામાં આવેલ છે. જેના બદલામાં મૈત્રી બાગ ઝૂ, ભીલાઇ દ્વારા રાજકોટ ઝૂને સફેદ વાઘ નર દિવાકર, સફેદ વાઘણ યશોધરા તથા સફેદ વાઘણ ગાયત્રી આપવામાં આવેલ.

હાલ ઝૂ માં જુદી જુદી ૫૭ પ્રજાતિઓના કુલ ૪૫૪ વન્યપ્રાણી - પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. તાજેતરમાં સુરત ઝૂ ખાતેથી મેળવવામાં આવેલ જળબિલાડીનો કવોરાઇન્ટાઇન સમય પૂર્ણ થતા મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવે છે જેને જોઇને મુલાકાતીઓ ખૂબ જ પ્રભાવિત થાય છે. હાલમાં પ્રયુમન પાર્કમાં ૧ સફેદ વાઘ નર અને ત્રણ માદા છે.

આ ઉપરાંત રાજકોટ મ.ન.પા. દ્વારા આજી ડેમ ખાતે સિંહનું બ્રિડીંગ સેન્ટર પણ કાર્યરત છે. આમ, હવે રાજકોટમાં સિંહ બાદ વાઘનું પણ બ્રિડીંગ સેન્ટર બની રહ્યું છે.

નવી બેટરી કાર

આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટિમાં પ્રદ્યુમન પાર્ક ઝુ માટે ૨ નવી બેટરી કાર ખરીદવા દરખાસ્ત છે. હાલમાં ઝુ ૬ સીટની ૩, ૧૨ સીટની ૫, ૧૪ સીટની ૨ એમ કુલ ૧૬ બેટરી કાર છે. જેમાંથી ૬ સીટની-૧ અને ૧૧ સીટ-૧ એમ બે બેટરી કાર બંધ છે. એટલે ૧૪ કાર ચાલુ છે. જેમાં બે નવી બેટરી કારનો ઉમેરો થશે.(૨૧.૪૨)

રાજકોટ ઝૂ દ્વારા અન્ય ઝૂ ને આપેલ સફેદ વાઘની વિગત

 

 

કાંકરીયા ઝૂ, અમદાવાદ

૨૦૧૭-૧૮

માદા-૦૧

છતબીર ઝૂ, પંજાબ

૨૦૧૯-૨૦

માદા-૦૧

રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પૂના

૨૦૨૦-૨૧

માદા-૦૧

ઇન્દ્રોડા નેચર પાર્ક, ગાંધીનગર

૨૦૨૦-૦૧

નર-૦૧, માદા-૦૧

ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ગૂલોજીકલ

૨૦૨૧-૨૨

નર-૧, માદા-૧

ગાર્ડન, સુરત

 

 

(3:21 pm IST)