રાજકોટ
News of Tuesday, 16th November 2021

દેવ દિવાળીએ આગના છ બનાવ : બંગડી બજારમાં દુકાનમાં આગ લાગતા ૨૦ હજારનું નુકસાન

દોઢ સો ફૂટ રોડ પર લેઉવા પટેલ છાત્રાલયમાં ફટાકડાથી ઝાડ સળગ્યુ : વંડામાં આગની ચાર ઘટના

રાજકોટ તા. ૧૬ : દેવદિવાળી દરમિયાન શહેરીજનોએ ફટાકડા ફોડવાનો આનંદ માણ્યો હતો. સાથોસાથ આગની ઘટનાઓ પણ બની હતી. રાત્રે અલગ-અલગ વિસ્તારમાં ફટાકડા પડવાના કારણે આગના છ બનાવ બનવા પામ્યા હતા. જેમાં લાખાજીરાજ રોડ બંગડી બજારમાં એક દુકાન, દોઢ સો ફૂટ રોડ પર લેઉવા પટેલ છાત્રાલયમાં ઝાડમાં અને ચાર અલગ અલગ વંડામાં આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ લાખાજીરાજ રોડ પર બંગડી બજારમાં સાવલ ચેમ્બરમાં પહેલા માળે આવેલી દુકાનમાં આગ લાગતા કોઇ રાહદારીએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. બનાવની જાણ થતાં દુકાન માલીક મનીષભાઇ સંઘાણીયા દોડી આવ્યા હતા. આગમાં દુકાન બહાર પડેલા દરવાજા પાસે પડેલા કચરામાં તેમજ દુકાનમાં અંદર લાગી હતી. જેમાં પૂજામાં વપરાતા ભગવાનના વસ્ત્રો, સિંહાસન અને લાકડાના ઘોડીયા બળી ગયા હતા. અંદાજે ૨૦ હજારનું નુકસાન થયું હોવાનું દુકાન માલીકે જણાવ્યું હતું.

જ્યારે બીજા બનાવમાં સરદારનગર મેઇન રોડ પર દોઢસો ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે આવેલ લેઉવા પટેલ છાત્રાલયના બિલ્ડીંગમાં બાંધકામનું કામ ચાલતુ હોય, ખુલ્લા પ્લોટમાં લાકડાના ટેકા રાખ્યા હતા. રાત્રે ફટાકડો પડવાના લીધે આ ટેકા સળગ્યા બાદ લીંમડાનું ઝાડ પણ સળગી ઉઠયું હતું. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ સ્ટાફે તાકીદે સ્થળ પર પહોંચી આગ બુઝાવી નાખી હતી.

જ્યારે અન્ય બનાવમાં એસ.ટી. બસ સ્ટેશન પાછળ જયશ્રી ગેસ્ટ હાઉસની સામે પડેલા કચરામાં તથા ગાંધીગ્રામ ગૌતમનગર ૫૦ ફુટ રોડ પર નવજીવન સ્કુલ પાસે વંડામાં અને શીતલ પાર્ક મેઇન રોડ પર આવેલા એક વંડામાં પડેલા કચરાના ઢગલામાં તથા બસ સ્ટેશન પાછળ લાબેલા ગાંઠીયાવાળી શેરીમાં પડેલા કચરાના ઢગલામાં આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી નાખી હતી.

(2:40 pm IST)