રાજકોટ
News of Tuesday, 16th November 2021

રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ફી વધારાના મુદ્દે પિયુષ સખીયાની રજૂઆત

રાજકોટ તા. ૧૬ : ક્રિમિનલ બાર એસોસીએશનની રજૂઆતને સમર્થન આપી જનરલ બોર્ડ બોલાવવા બાર એસો.ના કારોબારી સભ્ય પિયુષ સખીયાએ રાજકોટ બાર એસોસિએશનમાં રજૂઆત કરેલ છે.

કારોબારી સભ્ય પિયુષ સખિયા દ્વારા રાજકોટ બાર એસોસીએશન રજૂઆત કરવામાં આવેલ છે કે, ક્રિમિનલ બાર એસોસીએશન દ્વારા તાજેતરમાં રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં હોદ્દેદારો માટે ઉમેદવારી ફી જે હાલમાં છે તેમાં વધારો કરવા માટે અરજી આપવામાં આવેલ છે તેવી જાણ થયેલ છે. આ અરજીને હું કારોબારી સભ્ય દરજ્જે સંપૂર્ણ સમર્થન આપું છું અને આગામી વર્ષ ૨૦૨૦-૨૦૨૧થી ચૂંટણીમાં વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારી ફી નો દર રાજકોટ બાર એસોસિએશનના તમામ સભ્યો સાથે મળી નક્કી કરી શકે છે. જેથી ઘણાં વર્ષોથી નજીવી ફી છે તેમાં ફી વધારાને કારણે રકમની બચત થશે તેમાંથી દર વર્ષે જે ચૂંટણી ખર્ચનું ભારણ બાર એસોસિએશન પર આવે છે તે ઓછું થશે અને જે બચત થશે તેમાંથી વકીલો કે જેઓ પોતાનો કિંમતી સમય કાઢી તમામ કામકાજો પડતા મુકી દર વર્ષે નિઃસ્વાર્થ ભાવે એવી આશા સાથે મતદાન કરવા આવે છે કે તેમની સુખ સુવિધાઓમાં સુધારો થાય અને તેમની સમસ્યાઓ જેવી કે નેગોસીએબલ કોર્ટમાં પાણી તેમજ લોબીમાં પંખાની સુવિધાઓ નથી તે પુરી પાડી શકે અથવા લાઇબ્રેરી માટે નવા પુસ્તકો વસાવી શકી કે ઇન્ટરનેટ સુવિધા પુરી પાડી જજમેન્ટ માટે નવા સોફટવેર ઇન્સ્ટોલ કરી શકી અથવા વકીલો માટે કોઇ પણ એક ગેઇટ પર સિકયુરીટી ગાર્ડ બેસાડી શકે અને ત્યાંથી ફકત વકીલોને જ એન્ટ્રી મળે તેવી વ્યવસ્થા કરી શકી. આમ તમામ બાર એસોસીએશનની દર વર્ષે કોઇપણ એક નાની - મોટી સમસ્યા નિવારી શકાય. આ બાબતે ચર્ચા વિચારણા કરી તાત્કાલિક જનરલ બોર્ડ બોલાવવા વિનંતી છે.

(2:37 pm IST)