રાજકોટ
News of Tuesday, 16th November 2021

મધ્યપ્રદેશમાં ડો. હરિસિંહ ગૌર યુનિવર્સિટીમાં કામધેનુ પીઠની સ્થાપના

ભારતીય ગાયોની ક્ષમતા અપાર છે બસ તેને સમજવાની અને સમજાવવાની જરૂર : પુરૂષોતમ રૂપાલા : કામધેનુ પીઠ ગૌજ્ઞાનનું ઉત્કૃષ્ટ મોડેલ પુરવાર થશે : ડો. કથીરીયા : આ પીઠના માધ્યમથી ગૌ સંવર્ધન અને શિક્ષણનો વ્યાપ વધશે : સ્વામી અખિલેશ્વરાનંદગીરી

રાજકોટ તા. ૧૬ : ડો. હરિસિંહ ગૌર યુનિવર્સિટી સાગર મધ્યપ્રદેશ ખાતે ગૌ સેવાના એક આયામ 'કામધેનુ પીઠ (કામધેનું ચેર)' ની સ્થાપના કરવામાં આવી હતી.

આ તકે સંબોધન કરતા કેન્દ્રીય કેબીનેટ મંત્રી, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય, ભારત સરકાર પુરૂષોતમ રૂપાલાએ જણાવ્યુ હતુ કે ભારતીય ગાયોની ક્ષમતા અપાર છે. તેને સમજવાની અને સમજાવવાની જરૂર છે. દુધ ઉત્પાદન, ખાતર ઉત્પાદન અને વિવિધ ઔષધિય ઉપયોગો સહીત અનેક બાબતોમાં ગાયનું મહત્વ આપણે બાળપણની જાણીએ છીએ. પરંતુ કમનશીબે દેશી ગાયનું મહત્વ આપણે ભુલી ગયા છીએ. એ ન ભુલવુ જોઇએ કે ભારતીય પરંપરામાં સમૃધ્ધિની ગણતરી ગાય પરથી કરવામાં આવતી.

અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાએ જણાવેલ કે ગાય આધારિત અર્થવ્યવસ્થા સમૃધ્ધ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો છે. આ કામધેનુ પીઠ ગૌજ્ઞાન-વિજ્ઞાનની ગતિવિધિના સમન્યનું ઉત્કૃષ્ટ મોડેલ પુરવાર થશે.પર્યાવરણને પુરુ સર્વજીવ હિતાવહની દિશામાં આગળ વધવાનું આ પગલુ છે.

ગોપાલન અને પશુસંવર્ધન બોર્ડના અધ્યક્ષ મહામંડલેશ્વર સ્વામી અખિલેશ્વરાનંદ ગીરીએ જણાવેલ કે મધ્યપ્રદેશ ગૌ સંવર્ધન આયોગના સહયોગથી ડો. હરિસિંહ ગૌર યુનિવર્સિટીમાં વિશ્વની સૌથી મોટી ગૌશાળાની સ્થાપના થઇ છે. કામધેનું પીઠ ખરા અર્થમાં શુભ પગલુ છે. જેના માધ્યમથી અહીં ગાય સંવર્ધન અને શિક્ષણનો વ્યાપ વધશે.

આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશ વિધાનસભાના સભ્ય શૈલેન્દ્ર જૈન, મધ્યપ્રદેશ લોકસભાના સાંસદ રાજબહાદુરસિંહજી, ડો. હરિસિંહ ગૌર યુનિવર્સિટીના કુલાધિપતિ પ્રો. બલવંતભાઇ જાનીની પ્રેરક ઉપસ્સ્થિત રહી હતી.

કાર્યક્રમના નોડલ ઓફીસર પ્રો. અર્ચના પાંડેઅ કામધેનુ પીઠના ઉદેશ્યો અને ભાવિ યોજનાઓથી સૌને વાકેફ કરેલ.

આ પ્રસંગે ભાત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય અને યુનિવર્સિટી વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર પણ કરાયા હતા. યુનિ.ના કુલપતિ ડો. નીલીમાં ગુપ્તાએ ચેરની સ્થાપનાના વિચારથી માંડીને શરૂઆત કરવા સુધીના વિવિધ પાસાઓની માહીતી આપી હતી.  ડો. રાકેશ સોનના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ દ્વારા આ તકે બારડી નૃત્ય રજુ કરાયુ હતુ.

કાર્યક્રમનું સંચાલન ડો. આશુતોષે કરેલ. અંતમાં આભારવિધિ રજીસ્ટ્રાર સંતોષ સોહગૌરાએ કરી હતી.

(4:01 pm IST)