રાજકોટ
News of Monday, 17th January 2022

૧૨ જણાને ક્રિષ્ના-જેનિશે કહેલું કે રનીંગ-લેખિત પરિક્ષા વગર સીધો ગાંધીનગરથી પીએસઆઇ-કોન્સ્ટેબલનો જોઇનીંગ લેટર મળી જશે!

જુનાગઢની પ્રજાપતિ યુવતિએ કેન્યા નાઇરોબી યુવાન સાથે લવમેરેજ કર્યા, છુટાછેડા પછી ૨૦૧૯માં રાજકોટ આવીઃ જામનગરના જેનિશ સાથે ઓનલાઇન પરિચય થયો...બંનેએ ફરી કેન્યા જવા પૈસા એકઠા કરવા ઠગાઇનું કારસ્તાન આચર્યુઃ ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં ગાંધીગ્રામ પોલીસની ૪ ટીમો કામે લાગી અને સફળતા મળી : ભોગ બનેલા ૧૨ પૈકીના ભગવતીપરાના આશિષ ભગત (ભરવાડ)એ શનિવારે ઓનલાઇન જાહેર થયેલા પીએસઆઇની શારીરિક કસોટીના પરિણામમાં પોતાનું નામ ન જોતાં પૈસા પાછા મેળવવા પ્રયાસો આદર્યાઃ તેની જાણ ડીસીપી ઝોન-૨ને થઇ અને સમગ્ર કોૈભાંડ ખુલ્લુ પડ્યું: ક્રિષ્ના અને જેનીશ ફૂલેકુ ફેરવી નાઇરોબી ભાગે એ પહેલા પકડાયા : ક્રિષ્ના બેંક ઓફ બરોડા પાસે પહેલી વાર આશિષ સહિતને મળી ત્યારે જેનિશ સાથે પોતાની સગાઇ થયાનું કહેલું : મુન્ના અને નેહલ ચુડાસમાએ બબ્બે લાખ ચુકવ્યા હતાં: તેને બેંકમાં નોકરી અપાવી દેશે તેવી લાલચ અપાઇ હતી : પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હીરાભાઇ રબારી અને ગાંધીગ્રામ પોલીસની ટીમને સફળતા : ૧.૧૦ લાખ પહેલા ચુકવવાના, પાસ થાય પછી બીજી રકમ મળી કુલ ૫ લાખ ચુકવવાના આશિષ સાથે વાત થઇ હતી : આશિષ બેંક ઓફ બરોડામાં અગાઉ નોકરી કરતો ત્યારે ગનમેન હારૂન મારફત ક્રિષ્નાનો સંપર્ક થયેલોઃ ક્રિષ્નાએ પોતે પરિક્ષા વગર પીએસઆઇ-કોન્સ્ટેબલમાં પાસ કરાવી દેશે કહી નાના મવા રોડની હોટેલમાં આશિષ સહિતને બોલાવી પૈસા વસુલ્યા'તા : ડીસીપી ઝોન-૨ની બાતમી આધારે જબરા કોૈભાંડનો પર્દાફાશ કર્યો ગાંધીગ્રામ પોલીસે

ગૂડવર્ક ટીમ ગાંધીગ્રામઃ પીએસઆઇ અને કોન્સ્ટેબલની પરિક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી ઠગાઇ કરનારી જુનાગઢની ક્રિષ્ના શામજીભાઇ ભરડવા અને તેના પ્રેમી જામનગરના જેનિશ ધીરૂભા પરસાણાને પોલીસ કમિશનર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતાં. અહિ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ઉપસ્થિતિમાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાએ વિગતો જણાવી હતી. સાથે પીઆઇ કે. એ. વાળા તથા તેમની ટીમના એએસઆઇ હીરાભાઇ રબારી, ખોડુભા જાડેજા સહિતના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતાં. બંને આરોપી સાથે પીઆઇ કે. એ. વાળા, મહિલા પોલીસ કર્મચારીઓ અને ડી. સ્ટાફ ટીમ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૭:  રાજકોટમાં પીએસઆઇ અને કોન્સ્ટેબલની પરિક્ષા આપવા ઇચ્છુક ઉમેદવારોને પોલીસ ભરતીની શારીરિક-રનીંગ કે લેખિત પરિક્ષા આપ્યા વગર સીધા નોકરીના કોલ લેટર આપી દઇ પાસ કરાવી દેવાની લાલચ આપી ૧૨ પરિક્ષાર્થીઓ સાથે રૂ. ૧૫ લાખની ઠગાઇ કરવાના કોૈભાંડનો ગાંધીગ્રામ પોલીસે પર્દાફાશ કરી મુળ જુનાગઢની પ્રજાપતિ યુવતિ ક્રિષ્ના શામજીભાઇ ભરડવા અને જામનગરના તેના મિત્ર જેનીશ ધીરૂભાઇ પરસાણાને દબોચી લીધા છે. ભેજાબાજ ક્રિષ્નાએ જે પરિક્ષાર્થીઓ પાસેથી પૈસા લીધા બાદ તેઓને સ્પષ્ટ કહ્યું હતું કે તમે જો શારીરિક-રનીંગની પરિક્ષા આપવા જશો તો તમારા ફિંગર ફોટા આવી જશે, એ કારણે તમે ફેઇલ થઇ જશો. આ કારણે કોઇ પરિક્ષા આપવા પણ ગયું નહોતું. શનિવારે શારીરિક કસોટીનું ઓનલાઇન રિઝલ્ટ સામે આવતાં  પાસ થવા પૈસા આપનારાના નામ ન જોતાં છેતરાયાની ખબર પડતાં ડીસીપી મનોહરસિંહ જાડેજાને માહિતી મળતાં ગાંધીગ્રામ પોલીસની ચાર ટીમો કામે લગાડતાં કોૈભાંડ સામે આવ્યું હતુ. એક એક ઉમેદવારના પાંચ લાખ નક્કી કરાયા હતાં. જોઇનીંગ લેટર મળે પછી બીજી રકમ આપવાની હતી.
આ કોૈભાંડમાં ગાંધીગ્રામ પોલીસે છેતરાયેલા પૈકીના ભગવતીપરા નંદનવન સોસાયટી-૫માં રહતાં અને અગાઉ ૮૦ ફુટ રોડ પર બેંક ઓફ બરોડામાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં તેમજ ૨૦૨૦થી સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહેલા આશિષ સિયારામભાઇ ભગત (ભરવાડ) (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી મુળ જુનાગઢની પ્રજાપતિ ક્રિષ્ના શામજીભાઇ ભરડવા (ઉ.વ.૩૫) તથા તેના મુળ જામનગરના હાલ રાજકોટ અયોધ્યા ચોક પાસે મામા સાથે રહેતાં ક્રિષ્નાના મિત્ર જેનીશ  ધીરૂભાઇ પરસાણા (ઉ.૨૦) સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇની પરિક્ષામાં રનીંગ-શારીરિક તેમજ લેખિત પરિક્ષા આપ્યા વગર પાસ કરાવી દેવાની અને નોકરીનો કોલલેટર અપાવી દેવાની લાલચ આપી ફરિયાદી આશિષ સહિત ૧૨ જણા પાસેથી ૧૫ લાખની રોકડ મેળવી લઇ નોકરી નહિ અપાવી ઠગાઇ-છેતરપીંડી કર્યાનો ગુનો નોંધ્યો છે.
આશિષે પોલીસને જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને કાલાવાડ રોડ ઉપર આવેલ આત્મીય કોલેજમા મે બી.એસ.સી. આઈ.ટી સુધી અભ્યાસ કર્યો છે. હું ૮૦ ફુટ રોડ પર બેંક ઓફ બરોડામાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. ૨૦૨૦ થી સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરું છુ. મારા પીતાજી બી.એસ.એન.એલ.માં ફોન મીકેનીક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ વાંકાનેર ખાતેથી ૨૦૧૯મા સ્વૈચ્છીક નિવૃત થયા છે. મારી સાથે મારો ભાઇ પણ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરે છે.
આજથી આશરે સાતેક મહિના પહેલા પોલીસ ખાતામાં ભરતી બહાર પડતા મે પોલીસ કોન્સ્ટેબલ તથા પીઅસઆઇની ભરતી માટે ઓનલાઇન અરજી કરેલ હતી. અને મારૂ રનીગ માટે નુ ગ્રાઉન્ડ સુરેન્દ્રનગર ખાતે તા. ૮/૧૨/૨૧નું હતુ. મારા ઘણા મીત્રોએ પણ આ પરીક્ષા માટેની અરજી કરેલ હતી. હુ આ પરીક્ષાની રનીંગની તૈયારી માટે રેસકોર્ષ ખાતે લવ ગાર્ડનમાં જતો હતો. ત્યાં રનીંગની તૈયારી માટે ઘણા મીત્રો આવતા હતાં. જેમાં રવી ગઢીયા, જયદિપ ગઢીયા, મયુર ખુંગલા, ચીરાગ ગમારા, માધવીબેન ખુંગલા, બંસીબેન બકુતરા, અરવિંદ બકુતરા તથા અમીત ખોલીયા પણ મારી સાથે રનીંગની તૈયારી કરતા હતા.
૨૦૨૦માં હંુ બેન્ક ઓફ બરોડામાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો ત્યારે મારી સાથે ગન મેન તરીકે નોકરી કરતા હારૂન ગામેતીએ મને પોલીસ ખાતાની ભરતી બહાર પડેલ ત્યારે મને જણાવેલ કે, આપણી બેન્કમાં કસ્ટમર તરીકે આવતા કિષ્નાબેન ભરડવાએ મને જણાવેલ કે, તાજેતરમાં પોલીસ ખાતામાં ભરતી બહાર પડેલ છે. મારે પોલીસ ખાતામાં સારી ઓળખાણ છે. જેથી કોઇ છોકરાઓ પોલીસની તૈયારી કરતા હોય તેને કાઇ જરૂરત હોય તો કહેજો તેમ કહી પોતાના તેના મોબાઇલ આપ્યા છે. આ નંબર હારૂને મને આપ્યા હતાં. ત્યારબાદ તા. ૦૮/૧૧/૨૦૨૧ના રોજ મને હારૂનનો ફોન આવેલ કે કિષ્નાબેન ભરડવા બેન્કે આવ્યા છે. તમારે પોલીસની ભરતી બાબતે કાઇ વાત કરવી હોય તો આવી જાવ. આથી મેં મારા મીત્રો રવી, મયુર, માધવીબેન, ચીરાગ તથા અમીતને વાત કરતા અમો છ જણા ૮૦ ફુટ રોડ પર આવેલ બેન્ક ઓફ બરોડાએ જતા ત્યા આ હારૂનભાઇ સાથે એક બેન હતાં તે  કિષ્ના ભરડવા હોવાનુ હારૂનભાઇએ જણાવેલ હતુ. એ પછી હારૂનભાઇ જતાં રહ્યા હતાં. અમે બેંક બહાર ક્રિષ્નાબેન સાથે વાત કરી હતી.
ત્યારે ક્રિષ્નાએ કહેલું કે મારી સાથે જેનીશ પરસાણા છે. તેની મારી સાથે સગાઇ થઇ છે. તમે પોલીસમાં ભરતી થવા ફોર્મ ભર્યા છે, મારે પોલીસમાં મોટી ઓળખાણ છે. તમારે કોન્ટેબલમં ભરતી થવું હોય તો રૂ. ૨ લાખ થશે. તમારે રનીંગ કે લેખિત પરિક્ષામાં જવાનું થશે નહિ, તમને સીધો જ જોઇનીંગ લેટર આવી જશે. આ વાત કરતાં અમે તેને કહેલું કે અમે નાના માણસો છીએ, આવડી મોટી રકમ આમારી પસે ન હોય, થોડુ વાજબી કરી આપો. આ કહેતાં ક્રિષ્નાએ રૂ. ૧,૧૦,૦૦૦ આપજો તેમ કહી તમામ ડોકયુમેન્ટ  સાથે નામના મવા સર્કલ ઉમિયા ચોક ગેલેલીયો હોટેલ રૂમ નં. ૩૦૨માં આવી જવા વાત કરી હતી.
આ વાત કર્યા પછી અમે છુટા પડ્યા હતાં. તા. ૮/૧૧/૨૧ના રોજ બપોરે બે વગ્યે ક્રિષ્ના ભરડવાની ઓફિસે અમે ગયા હતાં. જ્યાં જેનીશ પરસાણા પણ હતો. તેને વ્યકિત દિઠ રૂ. ૧,૧૦,૦૦૦ અમે અપ્યા હતાં. તેમજ અમારા ડોકયુમેન્ટની પીડીએફ તેમના મોબાઇલ ફોનમાં આપી હતી. અમારા સાત ફોટો પણ આપ્યા હતાં. આ બંનેએ અમને કહેલુ કે તમરે રનીંગ ટેસ્ટ કે લેખિત ટેસ્ટ માટે જવાનું નથી. તમોને જણાવીએ ત્યારે સીધા ગાંધીનગર ખાતે જોઇનીંગ લેટર લેવા જ જવાનું રહેશે. આ  પછી પણ અમે રનીંગની તૈયારી ચાલુ રખી હતી. મેં ત્યારબાદ બીજા મિત્રો જયદિપ ગઢીય, બંસીબેન બકુતરા, અરવિંદ બકુતરા, મુન્નાભાઇ અને મીલનભાઇ પોરબંદરવાળા અને નેહલ ચુડસામાને પણ વાત કરી હતી. આથી આ લોકો પણ પોલીસ ભરતી માટે રૂ. ૧,૧૦,૦૦૦ આપવા તૈયાર થયા હતાં.
ત્યારપછી આ બધા જયદિપને સાથે લઇ ક્રિષ્ના અને જેનીશ એરપોર્ટ રોડ પર આવેલી નીલ દા ધાબાવાળી હોટેલમાં તા. ૧૧/૧૧/૨૧ના રોજ સવારે ૧૧ થી ૨ વચ્ચે મળ્યા હતાં અને તમામ સાથે ક્રિષ્ના અને જેનીશે મિટીંગ રાખી હતી. ક્રિષ્ના અને જેનીશે તમામના ડોકયુમેન્ટની પીડીએફ ફાઇલ તથા ફોટા લઇ મુન્નાભાઇ પાસેથી ૨ લાખ, નેહલ ચુડાસમા પાસેથી ૨ લાખ લઇ આ બંનેને બેંકમં નોકરી અપાવવાની વાત કરી હતી. તેમજ બંસી બકુતરા, અરવિંદ બકુતરા પાસેથી ૧.૧૦ લાખ, મિલન પોરબંદર વાળા પાસેથી ૨ લાખ લીધા હતાં. આ લોકોને પણ ક્રિષ્ના અને જેનિશે કોઇપણ પ્રકારની રનીગ કે લેખિત પરિક્ષા આપવાની નથી. સીધા જ ગાંધીનગરથી જોઇનીંગ લેટર અપાવી દેવાશે તેવી લાલચ આપી હતી. આશિષને નોકરીનો કોલ લેટર મળી જાય પછી બીજા ચારેક લાખ આપવાના હતાં. કુલ પાંચ લાખની રકમ તેને આપવાની હતી. તેવું નક્કી થયું હતું.
આશિષે પોલીસને આગળ જણાવ્યું હતું કે આવો વિશ્વાસ પૈસા લઇને ક્રિષ્ના અને જેનીશે આપ્યો હોઇ જેથી મેં અને બીજા લોકોએ અમારી રનીંગની પરિક્ષા પણ આપી નહોતી. શનિવારે પીએસઆઇનું પરિણામ ઓનલાઇન જાહેર થતાં તેમાં પાસ થયેલા ઉમેદવારમાં મારું કે પૈસા આપનારા કોઇનું નામ ન હોઇ છેતરપીંડી થયાની ખબર પડતાં હું ગાંધીગ્રામ પોલીસ પાસે પહોંચ્યો હતો. ક્રિષ્ના અને જેનીશે અમારા દસ જણા પાસેથી ૧.૧૦ લાખ અને બે જણા પાસેથી બબ્બે લાખ લઇ પોલીસની રનીંગ કે લેખિત કોઇપણ પરિક્ષા આપ્યા વગર સીધા જોઇનીગ લેટર અપાવી દેવાની લાલચ આપી અમારા બાર જણા સાથે કુલ ૧૫ લાખ રૂપિયાની ઠગાઇ કરી હોવાનું જણાતાં પોલીસને જાણ કરવા તૈયારી કરી હતી. ત્યાં પોલીસે મને મળી ફરિયાદ નોંધાવવા સમજાવતાં મેં આ અંગે કાર્યવાહી કરી હતી.
આ કોૈભાંડમાં ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરી તથા એસીપી પી. કે. દિયોરાના માર્ગદર્શનમાં પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હીરાભાઇ રબારી, ખોડુભા જાડેજા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, ભરતભાઇ ચોૈહાણ, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, દિનેશભાઇ વહાણીયા અને ક્રિષ્નાબા ચોૈહાણ તથા ભુમિકાબા ચોૈહાણે આ કાર્યવાહી કરી હતી. આગળની તપાસ પણ આ ટીમ કરે છે.
ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પાંચ ટીમોને કામે લગાડી સમગ્ર કોૈભાંડ ખુલ્લુ પાડ્યું હતું. જેના કારણે ક્રિષ્ના અને તેનો પ્રેમી જેનીશ ભાગી જાય એ પહેલા પકડી લેવામાં સફળતા મળી હતી.

રાજકોટ પોલીસે ઉઘાડા પાડેલા કોૈભાંડની ગૃહમંત્રી અને ભરતી બોર્ડના વડાએ નોંધ લઇ અભિનંદન પાઠવ્યા
ક્રિષ્ના-જેનિશ દ્વારા બીજા કોઇ છેતરાયા હોય તો પોલીસનો સંપર્ક કરવો

. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇની શારીરિક કે લેખિત પરિક્ષા આપ્યા વગર પાસ કરાવી દેવાની લાલચ આપી કોૈભાંડ આચરનારી જુનાગઢની યુવતિ ક્રિષ્ના અને જામનગરના યુવાન જેનિશને રાજકોટ પોલીસે પકડી લેતાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભરતી વિભાગના વડા હસમુખ પટેલે ટ્વિટ કરી રાજકોટ પોલીસની કામગીરીને વખાણી હતી અને ગુજરાતમાં આવું પહેલુ કોૈભાંડ પકડાયું હોઇ તે માટે ખાસ અભિનંદન આપ્યા હતાં. તેમજ હાલ જે બાર નામો સામે આવ્યા છે એ સિવાયના કોઇપણ છેતરાયા હોય તો તુરત પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.

જુનાગઢની ક્રિષ્નાએ નાઇરોબીના વણિક યુવાન સાથે લવમેરેજ કર્યા'તાઃ છુટાછેડા બાદ ૨૦૧૯માં ભારત પરત આવી'તી
. મુળ જુનાગઢની પ્રજાપતિ ક્રિષ્ના શામજીભાઇ કાનજીભાઇ ભરડવાએ કેન્યા નાઇરોબીના વણિક યુવાન સમીપ શાહ સાથે ૨૦૦૮માં લવમેરેજ કર્યા હતાં.  પણ ૨૦૦૯માં જ તેના છુટાછેડા થઇ ગયા બાદ બાદ તે ૨૦૧૯માં ભારત પરત આવી હતી. એ પછી તે રાજકોટ નાના મવા રોડ પર હોટેલમાં રહેતી હતી. છેલ્લા એકાદ મહિનાથી તેનો સંપર્ક ઇન્સ્ટગ્રામ મારફત જામનગરના જેનિશ ધીરૂભાઇ પરસાણા સાથે થયો હતો અને બંને પ્રેમમાં પડ્યા હતાં. પરત વિદેશ જવા નાણાની જરૂર હોઇ કોૈભાંડ આચર્યુ હતું. આ કોૈભાંડમાં બીજુ કોઇ સામેલ છે કે કેમ? રાજકોટ સિવાય બીજે કયાં આવી ઠગાઇ કરી? એ સહિતના મુદ્દે વિશેષ તપાસ થશે.

પોલીસ ભરતી પારદર્શક રીતે થાય છે, લોભ લાલચમાં આવવું નહિ
. પોલીસ ભરતીની પ્રક્રિયા બિલુકલ પારર્દશક રીતે યોજાય છે. મહેનત કરનારા સાચા ઉમેદવારોની પસંદગી થાય તે માટે કોઇપણ ઉમેદવારોને કોઇના દ્વારા પણ લોભ લાલચ અપાય તો તેની વાતોમાં ન આવવા ગૃહમંત્રી હર્ષ સંઘવી, પોલીસ વડા આશિષ ભાટીયા અને ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પરિક્ષાની તૈયારી કરતાં યુવક-યુવતિઓને અનુરોધ કર્યો છે.

યુનિવર્સિટીના પેપર લીક કોૈભાંડમાં ગણતરીની કલાકોમાં ડીસીપી જાડેજા અને  યુનિવર્સિટી પોલીસે સફળતા મેળવ્યા બાદ બીજી મહત્વની સફળતા
રાજકોટઃ તાજેતરમાં સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી બીકોમ સેમેસ્ટર-૩ની પરિક્ષાના ફોડવામાં આવેલા પેપર કોૈભાંડનો ગણતરીની કલાકોમાં તાગ મેળવી બાબરાની કોલેજના પ્રિન્સીપાલ સહિતનાની ધરપકડ કરી મહત્વની કામગીરી કરનાર ડીસીપી મનોહરસિંહ જાડેજાને સંબોધી સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. નિતીન પેથાણીએ એપ્રિશિએશન લેટર મોકલ્યો છે.  આ વચ્ચે આજે પીએસઆઇ અને કોન્સ્ટેબલની પરિક્ષામાં સીધી જ અપોઇન્ટમેન્ટની છેતરામણી લાલચ આપી કરવામાં આવેલી લાખોની ઠગાઇનો પણ ડીસીપી જાડેજા અને ગાંધીગ્રામ પોલીસની ટીમે પર્દાફાશ કર્યો છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભરતી બોર્ડના મેમ્બર (આઇપીએસ) હસમુખ પટેલે આ કામગીરીને ટ્વિટ કરી બીરદાવી છે.

ભરતી કોૈભાંડમાં દિલ્હી (ગાઝીયાબાદ)ના ત્રણ અક્ષરના નામધારી શખ્સની સંડોવણી?!
. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇની ભરતીના કોૈભાંડમાં ગાંધીગ્રામ પોલીસે ક્રિષ્ના ભરડવાની કરેલી પુછતાછ દરમિયાન ક્રિષ્ના અને જેનિશ સિવાય વધુ એક શખ્સની સંડોવણી બહાર આવી રહી છે. પોલીસે આ બારામાં ગુપ્ત રાહે તપાસ હાથ ધરી છે. ત્રણ અક્ષરનું નામ ધરાવતાં દિલ્હી-ગાઝીયાબાદમાં રહેતાં નોકરીયાત શખ્સને રાજકોટથી આંગડિયુ શા માટે કરવામાં આવ્યું? તે મુદ્દાને કેન્દ્રમાં રાખી તપાસ હાથ ધરવામાં આવી છે. ક્રિષ્નાએ જો અહિથી નાણા ટ્રાન્સફર કર્યા છે તો આ કોૈભાંડના નાણા છે કે અન્ય કોઇ ચીટીંગના? તે બાબતે ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે.

ક્રિષ્નાએ પ્રેમી જેનીશને વર્ના કર લઇ દીધી'તી
 . પીએસઆઇ-એલઆરડીમાં ડાયરેકટ ભરતી કરાવી આપવાની લાલચ આપી લાખોની ઠગાઇ કરનાર ક્રિષ્નાએ તેના પ્રેમી જેનીશને સાડા નવ લાખમાં વર્ના કાર પણ લઇ આપી હતી. આ કાર પણ પોલીસે કબ્જે કરી છે.

૪૮ કલાક રાત-દિવસ જોયા વગર કામ કરનાર ટીમ ગાંધીગ્રામને રોકડ ઇનામ
. ડીસીપી ઝોન-૨મનોહરસિંહ જાડેજાની રાહબરી અને એસીપી પી. કે. દિયોરાના માર્ગદર્શનમાં ૪૮ કલક સુધી રાત દિવસ જોયા વગર કામ કરનાર ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હીરાભાઇ રબારી, કોન્સ. વનરાજભાઇ, ભરતભાઇ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ, દિનેશભાઇ, ક્રિષ્નાબા તથા ભુમિકાબાની ટીમને બીરદાવી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ૧૫ હજારના રોકડ પુરષ્કારની જાહેરાત કરી હતી.

ક્રિષ્નાને શોધવા હોટેલના સીસીટીવી કેમેરા ચકાસાયાઃ અહિ ખોટી ઓળખ આપી હતી
. છોટુનગર ઝૂપડપટ્ટીની સામે આવેલી હોટેલમાં મિટીંગ કરવા માટે ક્રિષ્ના રોકાઇ હતી. ત્યારે ત્યાં પોતાની ખોટી ઓળખ આપી હતી. પોલીસને પ્રારંભે માત્ર ક્રિષ્નાના મોબાઇલ નંબર મળ્યા હતાં. સીસીટીવી ફૂટેજમાં એક કાર દેખાઇ હતી. એ કાર કોની? તેવું પુછાતાં હોટેલ સ્ટાફે 'મેડમ'ની કાર છે એવું જણાવતાં કાર અને ફૂટેજને આધારે તપાસ આગળ વધારાઇ હતી અને ક્રિષ્ના તથા તેના સાથીદાર જેનિશને પકડી લેવામાં સફળતા મળી હતી.

ક્રિષ્નાએ પૈસા આપનારાઓને કહેલું-કે રનીંગની પરિક્ષા આપવા જશો તો નાપાસ થશો
ચારેક ઉમેદવાર તો ૧૮ મિનીટમાં પાંચ કિ.મી. દોડ પુરી કરી લે છે...ડાયરેકટ ભરતીની લાલચમા તે પણ દોડવા નહોતા ગયા
. ભેજાબાજ ક્રિષ્ના ભરડવાએ પરિક્ષામાં પાસ થવા પૈસા ચુકવનારાઓને કહેલું કે તમારે પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ભુલે ચુકે પણ હાજર રહેવું નહિ. જો ત્યાં ગયા તો ફોટો ફિંગર આવી જશે અને તમને નાપાસ કરી દેવામાં આવશે. આ  વાતમાં પૈસા ચુકવનારા ભણેલા ગણેલા એવા બારેય આવી ગયા હતાં અને દોડની પરિક્ષા આપવા ગયા નહોતાં. આમાંથી ચારેક ઉમેદવાર તો એવા હતાં જે ૨૫ મિનીટમાં પ કિ.મી. દોડ પુરી કરવાની હોઇ એ દોડ ૧૮ થી ૨૦ મિનીટમાં પુરી કરી શકે છે. તે પણ ડાયરેકટ ભરતી થઇ જવાની લાલચમાં દોડમાં ગયા નહોતાં.

જેનિશ વિડીયો શુટીંગનું કામ કરે છે
. ક્રિષ્ના સાથે સોશિયલ મિડીયાથી કોન્ટેકટ થયા બાદ તેનો ફ્રેન્ડ બનેલો જેનીશ વિડીયો શુટીંગનું કામ કરે છે. ક્રિષ્નાએ તેને કોૈભાંડમાં સામેલ કરી મોટી રકમની અને વિદેશ લઇ જવાની લાલચ આપી હોઇ તે તેની સાથે જોડાયાનું ખુલ્યું છે.

ક્રિષ્નાએ શાહ અટકનો ઉપયોગ કરી બણગા ફુંકયા'તા કે મારી છેક ગૃહમંત્રી સુધી ઓળખાણ છેઃ પોલીસમાં ખુબ મોટા છેડા છે
. આશિષ ભગત થકી જે લોકો પીએસઆઇ કોન્સ્ટેબલની પરિક્ષાની તૈયારી કરતાં હતાં તેમાં ત્રણ યુવતિ પણ સામેલ છે. આ બધાની મુલાકાત આશિષે ક્રિષ્ના અને જેનિશ સાથે કરાવી હતી. ત્યારે ક્રિષ્નાએ પોતાની ઓળખ રાજ્યના ગૃહમંત્રી સુધી હોવાની અને પોતે તેની ભત્રીજી હોવાના બણગા ફુંકયા હતાં.  ક્રિષ્નાના લગ્ન નાઇરોબીના સમીપ શાહ સાથ થયા હોઇ તેથી શાહ અટકનો ઉપયોગ કર્યો હતો અને પોતે ગૃહમંત્રીની ભત્રીજી હોવાના બણગા ફુંકયા હતાં. તેમજ પોલીસમાં ડાયરેકટ ઉંચા લેવલ સુધી છેડા હોવાના બણગા પણ ફુંકયા હતાં. આ કારણે પરિક્ષાની તૈયારી કરી રહેલા લાલચમાં આવી ગયા હતાં.

 

(3:34 pm IST)