રાજકોટ
News of Monday, 17th January 2022

કોર્ટોમાં ફીઝીકલ કાર્યવાહી ચાલુ કરવા આજે બાર કાઉન્સીલ દ્વારા ચીફ જસ્ટીશને રજૂઆત

આજે બપોરે થનાર રજૂઆત સફળ નહિ થાય તો કાલથી વકીલો દ્વારા પ્રતિક ધરણા સહિતનાં કાર્યક્રમો યોજાશેઃ વકીલોની પ્રવેશબંધી-ઓનલાઇન કાર્યવાહીના મુદ્ે વકીલોમાં ઉઠતો વિરોધનો સૂર

રાજકોટ તા. ૧૭ :.. કોરોના - ઓમિક્રોનના વધતા કેસોના પગલે ગુજરાતની કોર્ટોમાં ફીઝીકલ સુનાવણી બંધ થતાં અને ફકત ઓનલાઇન કાર્યવાહી જ થતી હોય તેમજ વકીલોને પણ કોર્ટોમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવતી હોય આ મુદ્ે વકીલોમાં ઠેર-ઠેર વિરોધનો સૂર ઉભો થઇ રહ્યો છે.

આજે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સહિતના હોદેદારો દ્વારા બપોરના ૩ વાગે ચીફ જસ્ટીશને આ મુદ્ે રજૂઆત કરવામાં આવી રહી છે. જો આ રજૂઆતમાં કોઇ યોગ્ય ઉકેલ નહિ આવે તો વકીલો દ્વારા પ્રતિક ધરણાં સહિતના કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

છેલ્લા બે વર્ષેથી કોરોના મહામારીના પગલે અદાલતોમાં મોટાભાગે નહિવત કાર્યવાહી જ થઇ હોય અને અદાલતો લાંબા સમય સુધી બંધ રહેલ હોય વકીલોની આજીવીકાનો પ્રશ્ન પણ જટિલ બન્યો છે. ત્યારે ફરી વખત કોર્ટોમાં ફીઝીકલ કાર્યવાહી બંધ થતાં વકીલોનો વ્યવસાય બંધ થતાં આજીવીકાનો પ્રશ્ન ઉભો થયો છે.

વકીલોમાં એવો ગણગણાટ થઇ રહ્યો છે. અન્ય કચેરીઓ ચાલુ છે. એસ. ટી., રેલ્વે, એરપોર્ટ સહિત તમામ સ્થળે આવન-જીવન ચાલુ છે. ત્યારે માત્ર કોર્ટો ને જ કેમ બંધ કરવામાં આવે છે ? આ મુદ્ે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પ્રતિનિધીઓ દ્વારા આજે બપોરના ૩ વાગ્યે ચીફ જસ્ટીશને રજૂઆત થઇ રહી છે.

આ રજૂઆતમાં કોઇ યોગ્ય ઉકેલ નહિ આવે તો જુદા જુદા બાર એસો. અને સંગઠનો દ્વારા પ્રતિક ધરણાઓ યોજવા સહિતના કાર્યક્રમો શરૂ કરવા જણાવાયું છે.

છેલ્લા બે વર્ષથી કોર્ટોની કામગીરીને ખૂબ જ અસર પહોંચી હોય કોર્ટોમાં કેસોનો ભરાવો થઇ રહ્યો છે. ત્યારે પ્રજાહિતમાં તાત્કાલીક કોર્ટોમાં ફીઝીકલ કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવું સૌ કોઇ ઇચ્છી રહ્યા છે.

દરમ્યાન બાર કાઉન્સીલના ચેરમેન કિશોરભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું. આજે બપોરના ૩ વાગે ચીફ જસ્ટીશ સાથે મીટીંગ થઇ રહી છે. તેમાં શું નિર્ણય આવે છે. તેના ઉપર આગળના કાર્યક્રમો નકકી થશે.

ખાસ કરીને જૂનીયર વકીલો દ્વારા કોર્ટોમાં ઝડપી ફીઝીકલ કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી માંગણી થઇ રહી છે. છેલ્લા ઘણાં સમયથી કોર્ટો બંધ હોવાના કારણે આજીવીકાનો મોટો પ્રશ્ન સર્જાયો છે.

(11:40 am IST)