રાજકોટ
News of Monday, 17th January 2022

અલગ અલગ પ્રતિભાના સ્‍વામી એટલે સૌરાષ્‍ટ્રના ગોંડલના પ્રખ્‍યાત ધારાશાસ્ત્રી

શિવલાલ ભંડેરીએ અત્‍યાર સુધીમાં ૧૮૦૦૦ દર્દીઓને જ્‍વારા પાઉડર ફ્રી આપ્‍યું

આ ઘઉંના જવેરાનો લેબટેસ્‍ટ ૧૯૮૯માં કરાવેલો અને તેને જાણવા મળ્‍યું કે ઘઉંના જવેરામાંથી ૯૨ મિનરલ્‍સ અને વિટામિન એ,બી,સી,ડી,ઈ,કે તથા બી૧ થી બી ૧૭ સુધીના તમામ વિટામિન મળે છે : જે કોઈ કેન્‍સર કે થેલેસેમિયાના દર્દીને આ જ્‍વારા પાઉડર ફ્રીમાં મેળવવું હોય તો તે એડવોકેટ શિવલાલ ભંડેરીને (ગોંડલ) મો. ૯૮૨૫૨૧૯૫૦૦ પર સંપર્ક કરી શકે છે : ભંડેરી ફાર્મમાં ૧૩ પ્રકારની જામફળી, ૩૨ પ્રકારના આંબા, ૯ પ્રકારના રાવણા જાંબુ, રાણ, ચીકુ, આમળા, હરફા રેવળી, અંજીર, સફેદ અને લાલ જાંબુ, ફણસ, સંતરા, મોસંબી, સફરજન, ૭ થી ૮ પ્રકારની લીંબોળી, પપનસ, રામફળ, સીતાફળ અન્‍ય અલગ અલગ પાકોનું વાવેતર તેઓ કરે છે

સામાન્‍ય રીતે આપણે જોતા હોય કે કોઈ પણ વ્‍યક્‍તિ પોતાના ક્ષેત્રમાં તજજ્ઞ હોય ત્‍યારે બીજા ક્ષેત્રમાં રસ ઓછો દાખવતો હોય છે અથવા તો તે વ્‍યક્‍તિ સમય ઓછો આપી શકતો હોય છે. એવા બહુ જૂજ લોકો હોય છે જે અલગ અલગ ક્ષેત્રમાં ઘણું ઊંડું જ્ઞાન ધરાવતા હોય છે. આજે એક એવા વ્‍યક્‍તિ વિશે વાત કરવી છે જે વ્‍યક્‍તિ વ્‍યવસાયે વકીલ છે પરંતુ તેઓએ કૃષિ, ચિત્રકળા, સમાજસેવા, લોકસેવા, લેખન તથા અન્‍ય ઘણા બધા ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે. આજે વાત કરવી છે ગોંડલના ધારાશાષાી શિવલાલ ભંડેરીની.
શિવલાલ ભંડેરીનો જન્‍મ ૬ એપ્રિલ ૧૯૫૯માં ગોંડલ ખાતે થયો હતો. તેઓ ૩ મહિનાના હતા ત્‍યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું. જેના પરિણામે તેમના માતૃશ્રીએ મહેનત કરી અને તેમને ભણાવ્‍યા અને મોટા કર્યા. શિવલાલ ભંડેરીએ ૧૦ વર્ષની ઉંમરમાં જ કમાવાનું શરૂ કરી દીધું હતું ત્‍યારે તેઓ ફક્‍ત ચોથા ધોરણમાં અભ્‍યાસ કરતા હતા. કમાવાનું મૂળ કારણ એક જ હતું કે માતાને અર્થોપાજનમાં મદદરૂપ થવું. ત્‍યારબાદ શિવલાલ ભંડેરી ૧૬ વર્ષના થયા ત્‍યારથી તેમણે તેમની માતા પાસે બહાર કામ માટે જવાનું બંધ કરાવી દીધું હતું એટલે કે ઘરનો સંપૂર્ણ ભાર પોતે ૧૬ વર્ષની ઉંમરે તેઓએ ઉઠાવી લીધો હતો. તેઓએ તેમના સંઘર્ષના વર્ષો દરમ્‍યાન ચાના કપ ધોવા, શાકભાજી વહેંચવું, અગરબત્તી બનાવવી, સાબુ બનાવવો, નામા લખવાં, ફોટોગ્રાફી કરવી, રીક્ષા ચલાવવી, વિધાર્થીઓને ટ્‍યુશન કરાવવા જેવા અનેક નાના-મોટા કામો કર્યા છે. તેઓ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની ટ્રેનિંગ પણ વિધાર્થીઓને આપતાં. તેઓની નીચે ભણી અને ઘણા વ્‍યક્‍તિઓ અત્‍યારે કલાસ ૧ અને ક્‍લાસ ૨ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ૧૯૭૪ થી લઈને ૧૯૯૪ સુધી તેઓએ આ ટ્‍યુશન આપવાનું કાર્ય કર્યું હતું. જે સમયે ગોંડલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો એ સમયે તેઓ જવાહર નવોદય વિદ્યાલય અને સૈનિક સ્‍કૂલ બાલાચડીના વિદ્યાર્થીઓને ભણાવતા અને તેઓને પોતાના ઘરે હોસ્‍ટેલ જેવી રહેવાની સુવિધા પણ આપતાં હતા. વિદ્યાર્થીઓને રહેવા જમવાની તમામ વ્‍યવસ્‍થા તેમના ધર્મપત્‍ની સંભાળતા. શિવલાલ ભંડેરીને સોળ વર્ષની ઉંમરે યજ્ઞોપવિત આપવામાં આવ્‍યા હતા ત્‍યારે એમને એક સંકલ્‍પ લેવડાવવામાં આવ્‍યો હતો કે ‘જયારે નીંદર આવે ત્‍યારે સુઈ જવુ અને જાગો ત્‍યારે મન અને શરીર પાસે કામ કરાવ્‍યા કરવું' આ સંકલ્‍પને તેઓ હાલ ૬૩ વર્ષની ઉંમરે પણ પાળે છે. તેઓએ એલએલબી સુધીનું શિક્ષણ ગોંડલમાં લીધું હતું એ સમયે તેઓ સુધરાઈની લાઈટના અંજવાળે ભણતા હતા કેમ કે ૧૯૮૫ સુધી તેમના ઘરમાં ઇલેક્‍ટ્રિસીટી ન હતી. ત્‍યારબાદ એલએલએમ અને એમકોમ તેઓએ રાજકોટમાં કર્યું હતું. ૧૯૮૬થી તેઓએ ગોંડલમાં ધારાશાષાી તરીકેની પ્રેક્‍ટિસ શરૂ કરી હતી. ૧૪ ફેબ્રુઆરી ૧૯૮૮એ તેમના લગ્ન અંબાબેન સાથે થયા. લગ્ન સમયે અંબાબેન ફક્‍ત ધોરણ ૧૦ સુધી જ ભણેલા હતા. શિવલાલ ભંડેરીના આગ્રહને માન આપી અને તેઓએ પણ ક્રમશ બારમું, કોલેજ અને એલએલબી કર્યું અને તેઓ પણ વકીલ થયા.  શિવલાલ ભંડેરીના કુટુંબમાં તેઓ, તેમના પત્‍ની, પુત્ર અને પુત્રવધુ આ ચારેય વ્‍યક્‍તિ વકીલ છે. વ્‍યવસાય સદર્ભે વાત કરીયે તો તેઓએ એમાં પણ સિદ્ધાંતો સાથે જ કાર્ય કર્યું છે. તેઓ અત્‍યાર સુધીમાં છૂટાછેડા, રેપ, દારૂ, જુગાર, નૈતિક અધઃપતનના કેસો નથી લડ્‍યા. કોર્ટ દ્વારા ચલાવવામાં આવતા મીડિયેશન સેન્‍ટરમાં તેઓએ અનેક યુગલોને છૂટાછેડાના નિર્ણય પરથી પાછા વાળીને સાચી દિશા બતાવી છે. તેઓને ચિત્રકામ કરવું અને કૃષિમાં અલગ અલગ પ્રયોગો કરવાનો વિશેષ શોખ છે જેના વિશે આગળ વિસ્‍તૃતે ચર્ચા કરીશું.
 ઘઉંએ ધાન્‍યરાજ છે. પૃથ્‍વી પર કોઈ પણ મનુષ્‍ય એવો નહીં હોય કે જેમણે ઘઉં અથવા તો તેમાંથી બનેલી વસ્‍તુ ખાધી ન હોય. ઘઉંની કુલ ૧૦૮૯ જાત છે જે તમામ જાતોનો સંગ્રહ કલકત્તામાં કરાયેલો છે. ઘઉંના પાન એટલે કે જવેરા. જવેરામાં એટલા બધા તત્‍વો છે કે ઋષિઓએ ઘઉંના જવેરાને પૃથ્‍વી પરની સંજીવની કીધી છે. આપણી ભારતીય સંસ્‍કૃતિ પ્રમાણે જવેરા મોળાકત અને નવરાત્રી જેવા તહેવારોમાં ઉગાડવામાં આવે છે. શિવલાલ ભંડેરીએ આ ઘઉંના જવેરાનો લેબટેસ્‍ટ ૧૯૮૯માં કરાવેલો. એ સમયે તેમને ઘઉંના જવેરામાંથી ૯૨ મિનરલ્‍સ અને વિટામિન એ,બી,સી,ડી,ઈ,કે તથા બી૧ થી બી ૧૭ સુધીના તમામ વિટામિન મળ્‍યા. બી ૧૨ અને બી ૧૭ એ માનવ શરીર માટે અતિ મહત્‍વના છે. બી ૧૨ વિટામીન મોટાભાગે નોનવેજ ખોરાકમાંથી મળે છે. જે સમયે કુદરતી ખેતી જ સૃષ્ટિ પર હતી ત્‍યારે તમામ ખેતપેદાશમાંથી બી૧૨ અને બી૧૭ મળી રહેતું. જમીનમાં ઘણાબધા નાના-મોટા જીવજંતુઓ હોય છે જેની વય મર્યાદા ૨૪ કલાકથી માંડીને ૧ મહિના સુધીની હોય છે જે કુદરતી રીતે છોડના મૂળ પાસે તેનો દેહાંત થાય તેથી મૂળ એમાંથી જે રસકસ ઉપાડે એટલે બી ૧૨ વિટામિન આપોઆપ જ છોડવામાં આવી જતું હતું પરંતુ જયારથી હરિતક્રાંતિ આવી ત્‍યારથી રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને હાઇબ્રીડ બિયારણના આવવાથી આ જીવાણુઓ સંપૂર્ણપણે નાશ પામ્‍યા છે. એટલે જ તો પહેલાના ખોરાકમાં અને અત્‍યારના ખોરાકમાં ઘણો બધો તફાવત છે. આજથી ચાલીસ-પચાસ વર્ષ પહેલા જે સુગંધ અને જે સ્‍વાદ ધાન્‍યો, ફળ ફૂલ અને કઠોળમાં હતા તે હવે રહ્યા નથી. શિવલાલ ભંડેરીએ ૧૯૮૧માં એક આર્ટીકલ લખેલો જે આર્ટીકલનો સાર એ હતો કે તમામ પ્રકારના રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને હાઈબ્રિડ બિયારણો સમગ્ર સૃષ્ટિ માટે ધીમું ઝેર છે. આ બધા રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ વધવાને કારણે ઘરે ઘરે દર્દીઓનું પ્રમાણ વધ્‍યું છે. રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને હાઇબ્રિડ બિયારણ આ બધું એવુ ઝેર છે કે જે ક્‍યારેય નાશ પામતું નથી. આ ઝેર ખોરાક, શાકભાજી અને ફળ રૂપે આપણા શરીરમાં જાય છે અને પરિણામ સ્‍વરૂપે આપણા શરીરમાં રહેલા કામના બેક્‍ટેરિયાનો નાશ કરે છે. શરીરમાં જયારે ટોક્‍સાઇડ વધે ત્‍યારે એને એન્‍ટિઓક્‍સિડન્‍ટ એજન્‍ટ દ્રવ્‍યો આપી અને તેને રીમુવ કરવું પડે તો જવેરા એ તમામ પ્રકારના ટોકસાઇડને એટલે તમામ પ્રકારના ઝેરી દ્રવ્‍યોને દૂર કરવાનું કામ કરે છે. શિવલાલ ભંડેરી પહેલા જવેરાનો રસ કાઢી અને લોકોને ફ્રી ઓફ કોસ્‍ટ આપતાં હતા પરંતુ રસ કાઢવામાં તકલીફ એ પડે કે તેને તાજો બનાવી અને ગાળીને  પીવો પડે રસને ગાળવાથી તેમાં રહેલા ડાયેટરી ફાયબર નામના તત્‍વનો નાશ થાય છે. આવી સમસ્‍યાને લીધે તેઓએ આ જવેરાનું ચૂર્ણ બનાવવાનું નક્કી કર્યું. ૧૯૮૯માં તેઓએ આ ચૂર્ણને લેબોરેટરીમાં ટેસ્‍ટ કરાવ્‍યુ તો તેમને જાણવા મળ્‍યું કે જે ડાયેટરી ફાયબર નામનું તત્‍વ રસને ગાળવાથી જતું રહેતા હતું તે તત્‍વ જવારાના ચુર્ણમાં અકબંધ રહેતું હતુ. તેઓનું માનવું એવુ છે કે કોઈ વ્‍યક્‍તિ એક મહિનો જવેરાના ચૂર્ણનું સેવન કરે તો વર્ષના બાકીના ૧૧ મહિના તેને કોઈ મેજર રોગ પગું પડતો નથી. જવેરા કબજિયાતની તકલીફને પણ દૂર કરે છે. જવેરા જો જમ્‍યા પહેલા લેવામાં આવે તો તે શરીર ઉતારવામાં મદદરૂપ થાય છે અને જો એ જમ્‍યા પછી લેવામાં આવે તો એ શરીરમાં વજન વધારવામાં પણ મદદરૂપ થાય છે. કોઈ ઘા લાગ્‍યો હોય તો એ ઘાને રૂઝવવાનું કામ પણ જવેરા કરે છે. માથામાં થયેલો ખોડો પણ જવેરાથી દૂર થાય છે. ખીલ તથા ચામડીના ઘણા બધા રોગમાં જવેરા કામ કરે છે. કુલ ૩૫૦ રોગોમાં જવેરા અકસીર પુરવાર થયેલ છે. તેથી જવેરાને રામબાણ ઈલાજ કહી શકાય. મહત્‍વનું એ છે કે જવેરાની કોઈ સાઈડ ઈફેક્‍ટ નથી થતી. શિવલાલ ભંડેરીએ કેન્‍સરના દર્દીઓને અને થેલેસેમિયાના દર્દીઓને આ જવેરા નું ચૂર્ણ ફ્રી આપવાનું ૧૯૮૯થી શરૂ કર્યું. તેઓએ અત્‍યાર સુધી આશરે ૧૮૦૦૦-૨૦૦૦૦ દર્દીઓને આ ચૂર્ણ ફ્રીમાં આપ્‍યું છે. આશરે ૬૦૦૦ દર્દીઓ તેમની પાસેથી અત્‍યારે હાલમાં આ ચૂર્ણ મેળવી રહ્યા છે. કેન્‍સરના રોગમાં દર્દીઓને કિમોથેરાપી અને રેડિએશન આપવામાં આવે છે તો આ કિમોથેરાપી અને રેડિયેશનના કારણે દર્દીઓને વાળ ઉતરવા, ચામડી કાળી પડી જવી, ચાંદા પડવા વગેરે જેવી સમસ્‍યાઓ થતી હોય છે. તો જવેરા કેન્‍સરના જીવાણુ ને મારવાનું કામ કરે છે અને આમાં રહેલું વિટામિન ઈ અને વિટામિન કે એ દર્દીઓના ખરી ગયેલા વાળ અને કાળી પાડી ગયેલી ચામડીને સરખી કરવામાં મદદ કરે છે. થેલેસેમિયાના દર્દીઓને વારંવાર લોહી ચડાવવું પડતું હોય છે તેથી બહારથી જે લોહી ચડાવવામાં આવે તેની સાથે આયન હોય છે જે શરીરમાં ફેરમ જમા કરે છે અને આ ફેરમને જમા ન થવા દેવા દર્દીએ દવા લેવી પડે છે તો આ જવેરા એ દવાનું કામ કરે છે અને ફેરમ જમા નથી થવા દેતું અને સ્‍ટેમસેલને ડેવલપ કરવાનું કામ કરે છે જેના લીધે દર્દીઓના શરીરમાં નવું લોહી બનવાની શરૂઆત થાય છે અને બહારથી ચડાવવા પડતા લોહીના ગાળામાં ક્રમશઃ વધારો થાય છે. ઘણા દર્દીઓમાં એવુ પણ જોવા મળ્‍યું છે કે જો તેઓ સતત જવેરાનું સેવન કરે તો આ લોહી ચડાવવાનો ગાળો છે એ વધીને ૨ વર્ષ સુધીનો થઈ શકે. જવેરા વિશે કુલ ૧૧ લાખથી પણ વધુ પુસ્‍તકો લખાયા છે. દાહૂદી વ્‍હોરા સમાજે થોડા સમય પહેલા જ શિવલાલ ભંડેરીનું આ સેવાના કાર્ય માટે સન્‍માન પણ કર્યું હતું. શિવલાલ ભંડેરીનું કહેવું છે કે જે ખેડૂતને જવેરાની ખેતી કરવી હોય તેઓને ફ્રીમાં માર્ગદર્શન આપવામાં આવશે.
 શિવલાલ ભંડેરીએ ૨૦૦૭ થી વનસ્‍પતિના રસ આધારિત ખેતીની શરૂઆત કરી.વનસ્‍પતિના રસ આધારિત ખેતી એટલે એટલે એવી ખેતી કે જેમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓના ઉપયોગ વગર ખેતીમાંથી જે વેસ્‍ટ વધે એનો ઉપયોગ કરી અને રસ કાઢી તેના આધારે ખેતી કરવી. તેઓ કુદરતી ખેતી કરવાના શોખીન છે. તેમના ફાર્મહાઉસ પર ૧૩ પ્રકારની જામફળી, ૩૨ પ્રકારના આંબા, ૯ પ્રકારના રાવણા જાંબુ, રાણ, ચીકુ, આમળા, હરફા રેવળી, અંજીર, સફેદ અને લાલ જાંબુ, ફણસ, સંતરા, મોસંબી, સફરજન, ૭ થી ૮ પ્રકારની લીંબોળી, પપનસ, રામફળ, સીતાફળ અન્‍ય અલગ અલગ પાકોનું વાવેતર તેઓ કરે છે. થોડા સમય પહેલા ગ્રામભારતી અને સૃષ્ટિ સંસ્‍થાના સહયોગથી થયેલા એક કાર્યક્રમમાં પણ તેઓ એ આ કુદરતી ખેતી વિશે ત્રણ લેક્‍ચરો લીધા હતા. તેઓનું માનવું છે કે દરેક જંગલમાં કુદરતી ખેતી થાય છે ત્‍યાં કોઈ રસાયણિક ખાતરો કે જંતુનાશક દવા છાંટવા કોઈ નથી જતુ છતાં પણ જંગલમાં થયેલા ફળોનો સ્‍વાદ સારો હોય છે. એ કુદરતી રીતે જ વિકાસ પામતા હોય છે. તેઓએ તેમના ખેતરમાં આ જ રીતે કુદરતી તત્‍વો છોડને મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરી છે. કોઈએ જો આ રીતે વનસ્‍પતિના રસ આધારિત ખેતી કરવી હોય તો તેના માટે તેઓ જણાવે છે કે સૌપ્રથમ એક નાનું અને એક મોટું ટીપણું લેવું, એ નાના ટીપણામાં ઘણા બધા કાણા પાડી દેવા અને તેને મોટા ટીપણામાં નાખી દેવું ત્‍યારબાદ ખેતરમાં વધેલો તમામ પ્રકારનો સૂકો અને લીલો કચરો નાના ટીપણામાં નાખી દેવો. ત્‍યારબાદ બંને ટીપણાઓને ચુસ્‍તપણે બંધ કરી દેવા. સમયાંતરે દિવસો જતા અંદર નાખેલું વેસ્‍ટેજ કોહવાઈ અને તેમાંથી રસ છૂટો પડશે જે રસ મોટા ટીપણામાં આવશે અને નળ વાટે એને બહાર કાઢી છોડને પાવાથી એ દ્રવ્‍યો છોડને મળી રહેશે જેની એને જરૂર હોય. આ રીતે કરવાથી સામાન્‍ય ખેતીમાં જે રોગ આવે છે તેવો એક પણ રોગ આ ખેતીમાં આવતો નથી.

- આલેખન -
ભાવિન જસાણી
મો. ૮૫૧૧૪ ૨૭૬૧૦


 

(2:29 pm IST)