રાજકોટ
News of Monday, 17th January 2022

નવાગામમાં 'હિટ એન્ડ રન': ટ્રકે સાઇકલને ઉલાળતાં તેર વર્ષના દેવા ગમારાનું મોત

નાસ્તો લેવા નીકળ્યો ને કાળ ભેટ્યોઃ અકસ્માત સર્જી ચાલક ટ્રક લઇ છનનન

રાજકોટ તા. ૧૭: કુવાડવા રોડ પર આઇઓસી ડેપોની દિવાલ સામે સાઇકલ હંકારી નાસ્તો લેવા જઇ રહેલો નવાગામનો ભરવાડ પરિવારનો ૧૩ વર્ષનો દિકરો સાઇકલ સહિત ટ્રકની ઠોકર ચડી જતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક ટ્રક લઇ ભાગી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ નવાગામ (આણંદપર)માં રહેતાં અને રૂડાનગરમાં કુરીયર કંપનીમાં ચોકીદાર તરીકે નોકરી કરતાં ભરવાડ કાબાભાઇ રઘુભાઇ ગમારાનો પુત્ર દેવો (ઉ.વ.૧૩) રવિવારે બપોરે બારેક વાગ્યે સોખડા રોડ પર આઇઓસી ડેપોની દિવાલ સામે આવેલી દૂકાને સાઇકલ હંકારીને નાસ્તો લેવા જઇ રહ્યો હતો ત્યારે ટ્રક નં. યુપી૩૮ટી-૪૦૮૧ના ચાલકે ઠોકરે લેતાં સાઇકલ સહિત ફેંકાઇ જતાં નાક-કાનમાંથી લોહી નીકળતાં બેભાન થઇ ગયો હતો.  અકસ્માત સર્જી ચાલક ટ્રક લઇ ભાગી ગયો હતો. પણ એકઠા થયેલો લોકોએ તેના નંબર નોંધી લીધા હતાં. કોઇએ ૧૦૮ને જાણ કરતાં એમ્બ્યુલન્સ આવી ગઇ હતી. પરંતુ તેના ઇએમટી તબિબે દેવાને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ પી. જી. રોહડીયાએ મૃતકના પિતા કાબાભાઇની ફરિયાદ પરથી ભાગી ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃતક દેવો પાંચ ભાઇમાં સોૈથી નાનો હતો. આ બનાવથી ગમારા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

 

(2:52 pm IST)