રાજકોટ
News of Monday, 17th January 2022

ઓમનગર સર્કલે ઓફિસમાં ઘુસી નવઘણ સોરિયા પર નિતીન વાઘેલાએ છરી ઉગામી, ધોકાથી હુમલો

એટ્રોસીટીને લગતી અરજીના સમાધાન પેટે ૫૦ હજાર માંગી ડખ્ખો કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૧૭: ઓમનગર સર્કલ પાસે નાના ભાઇ સાથે ચાની હોટેલ ચલાવવા ઉપરાંત હોટેલની ઉપરના ભાગે દૈનિક ન્યુઝ નામે ઓફિસ ચલાવતાં ભરવાડ યુવાન પાસે અગાઉની એટ્રોસીટીના કેસના સમાધાનના ૫૦ હજાર માંગી તેની ઓફિસમાં જઇ છરી બતાવી ઝપાઝપી કરતાં અને નીચે ઉતરી ધોકાથી માર મારતાં યુવાને ફરિયાદ નોંધાવી છે.
આ બનાવમાં તાલુકા પોલીસે મવડીની શ્રીનાથજી સોસાયટી-૧૧માં રહેતાં અને ઓમનગર સર્કલ પાસે દ્વારકાધીશ નામે ચાની હોટલ ચલાવતાં નવઘણ બટુકભાઇ સોરીયા (ભરવાડ) (ઉ.૩૫)ની ફરિયાદ પરથી થોરાળાના નિતીન વાઘેલા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
નવઘણ સોરીયાએ પોલીસને જણાવ્યું છે કે હું ૧૫મીએ રાતે પોણા દસેક વાગ્યે ઓમનગર સર્કલ પાસેની મારી ચાની હોટલ ઉપરના ભાગે આવેલી મારી સોપાન ક્રાઇમ એલર્ટ નામની દૈનિક ન્યુઝ ઓફિસે હતો ત્યારે થોરાળાના નિતીને ઓફિસમાં આવી મને છરી બતાવી 'એટ્રોસીટીનો કેસ નહિ કરવાના સમાધાન પેટેના બાકીના ૫૦ હજાર આપી દે નહિતર તને છરી મારી દઇશ'...તેમ કહી ગાળો દેવા માંડતાં ગાળો બોલવાની ના પાડતાં નિતીનના હાથમાં છરી હોઇ ઝપાઝપી કરતાં મને ડાબી આંખની બાજુમાં છરકો લાગી ગયો હતો.  તેમજ જમણા હાથની આંગળીમાં સામાન્ય ઇજા થઇ હતી. એ પછી નિતીનના હાથમાંથી મેં છરી પડાવી લીધી હતી અને ઓફિસમાંથી તે નીચે ઉતરી ગયેલ અને હું પણ નીચે આવી ગયો હતો. ત્યાં નિતીને નીચે ધોકો પડ્યો હોઇ તે ઉપાડીને મારી ડોક પાછળના ભાગે મારી દીધો હતો. તેમજ જમણા ઢીંચણના ભાગે પણ એક ઘા ફટકારતાં મેં રાડારાડી કરતાં નિતીન ભાગી ગયો હતો. એ પછી મેં ૧૦૮ બોલાવી હતી અને સારવાર માટે દાખલ થયો હતો.
અગાઉ નિતીને મારા વિરૂધ્ધ એટ્રોસીટી દાખલ કરવા અરજી કરી હતી. જેનું સમાધાન થઇ જતાં મારે તેને બાકીના ૫૦ હજાર દેવાના હતાં. તેની ઉઘરાણી કરવા ઓફિસે આવી હુમલો કર્યો હતો.
ફરિયાદમાં ઉપરોકત પ્રકારનો ઉલ્લેખ છે. પરંતુ ટેલિફોનીક વાતચીતમાં નવઘણ સોરિયાએ કહ્યું હતું કે અગાઉ અમારી ઓફિસની નીચે હોટલ પાસે નિતીનને એક પટેલ યુવાન સાથે માથાકુટ થતાં તેના વિરૂધ્ધ એટ્રોસીટી કરાવવા અરજી કરી હતી. જેમાં પૈસાની લેતીદેતી વખતે પોતે હાજર હોઇ જેથી બાકીની રકમ નિતીન પોતાની પાસે માંગવા આવ્યો હતો. પીએસઆઇ એન. કે. રાજપુરોહિતે વધુ તપાસ હાથ ધરી છે.


 

(2:55 pm IST)