રાજકોટ
News of Monday, 17th January 2022

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગ્રાન્ટ ફાળવણી મુદે 'અંદર-બહાર' આક્રોશ

એકને ગોળ, એકને ખોળનો અર્જુન ખાટરિયાનો આક્ષેપઃ સહદેવસિંહ સાથે તડાફડીઃ ભાજપના પી. જી. કયાડાને પણ તીવ્ર અસંતોષ

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ ભૂપત બોદર, ઉપપ્રમુખ સવિતાબેન સાંગાણી, ડે. ડી. ઓ. દેવ ચૌધરી, ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા, ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા, મહામંત્રી મનસુખ રામાણી, વિપક્ષી નેતા અર્જુન ખાટરિયા, વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : સંદીપ બગથરીયા) (પ-ર૧)

રાજકોટ તા. ૧૭ :.. જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સવારે હેમુ ગઢવી હોલ ખાતે પંચાયત પ્રમુખ ભૂપત બોદરની અધ્યક્ષતામાં મળેલ. જેમાં ૧પમાં નાણાપંચની ગ્રાન્ટની ફાળવણીના મુદ્ે સભ્યોમાં અસંતોષ જોવા મળેલ. વિપક્ષ કોંગીના નેતા શ્રી અસંતોષ જોવા મળેલ. વિપક્ષ કોંગીના નેતા શ્રી અર્જુન ખાટરિયાએ સભામાં સરાજાહેર આક્રોશ ઠાલવી વિપક્ષી સભ્યોને અન્યાય થયાનો આક્ષેપ કરેલ. ખુદ શાસક ભાજપના સિનીયર સભ્ય અને બાંધકામ સમિતિના અધ્યક્ષ પી. જી. કયાડાએ સભાગૃહમાં આ બાબત સૂચન સ્વરૂપે કરેલ પણ સભા પૂરી થયા બાદ જવાબદાર અધિકારીને મળી ભેદભાવ સામે સરજાહેર આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે પોતે મત વિસ્તાર માટે સૂચવેલા ૧૯ લાખના કામો પૈકી માંડ ૯ લાખ જેટલા કામો મંજૂર થયાનો રોષ વ્યકત કરેલ. તેમણે પાર્ટીની શિસ્તના કારણે પધ્ધતિસર અવાજ ઉઠાવ્યો હતો.

સભ્યો પાસે સૂચનો માંગ્યા પછી એકને ગોળ અને બીજાને (કોંગીને) ખોળ તેવો આક્ષેપ અર્જુન ખાટરિયાએ કરેલ. તે મુદ્ે કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા અને અર્જુન ખાટરિયા વચ્ચે શાબ્દીક ટપાટપી થઇ હતી. પ્રમુખ ભૂપત બોદર અને ડી. ડી. ઓ. દેવ ચૌધરીએ વિકાસ કમિશનર કચેરીની ગાઇડ લાઇન મુજબ તમામ તાલુકાઓને ગ્રાન્ટની સમાન વહેચણી થયાનો બચાવ કરેલ. તેમણે હવે પછીની ગ્રાન્ટમાં બાકીના ગામો માટે આયોજન કરવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડયો હતો.

કોંગી સભ્યોના નિવેદનને રાજકીય ગણી શકાય પણ ખુદ ભાજપના પી. જી. કયાડા જેવા સભ્યોમાં અસંતોષ છે તે બાબત જિલ્લા પંચાયતની શાસક પક્ષની આંતરીક સ્થિતિ વિષે ઘણુ કહી જાય છે. સામાન્ય  સભામાં ઉકળાટ બહાર ન આવે તે માટે સભા પૂર્વ જિલ્લા ભાજપ  પ્રમુખ મનસુખ ખાચરિયા, મહામંત્રી મનસુખ રામાણી, ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા વગેરેની હાજરીમાં ભાજપની સંકલન બેઠક મળી હતી.

સામાન્ય સભામાં અર્જુન ખાટરિયા, મીરાબેન ભાલોડિયા અને ગીતાબેન ચૌહાણે ગ્રાન્ટ, એસ. ટી. બસ રૂટની મરામત, કોરોનાની ત્રીજી લહેર સામે તૈયારી, તલાટી મંત્રીની પરીક્ષા ફી વગેરે મુદ્ે સવાલો ઉઠાવી ચર્ચા કરી હતી.સભાના પ્રારંભે નવા ડે. ડી. ડી. ઓ. ગોંડલીયા તથા પેટાચૂંટણીમાં જસદણ તાલુકામાંથી ચૂંટાઇને પ્રથમ વખત સભાગૃહમાં આવેલા શારદાબેન વિનુભાઇ ધડુક તથા વિનુભાઇ મેણિયાનું ભૂપત બોદર, સવિતાબેન સાંગાણી, અર્જુન ખાટરિયા વગેરેએ સન્માન કર્યુ હતું. (પ-રર)

તંદુરસ્ત રાજનીતિઃ વિપક્ષીનેતા દ્વારા પ્રમુખને ગુલદસ્તો

રાજકોટ : જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર પેટને લગતી બિમારીના ઓપરેશન બાદ આજે પ્રથમ સામાન્ય સભામાં આવતા વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાએ તેમને આવકારી ગુલદસ્તો અર્પણ કરી ખૂબ સારા સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી.(૬.૧૮)

પંચાયતની નવી ઇમારત માટે ડીઝાઇન ખર્ચ રૂ. ૩૦ લાખ

રાજકોટ તા.૧૭ : જિલ્લા પંચાયત કચેરીમાં ખૂલ્લી જગ્યા ઉપરાંત હાલની જુની કચેરીનો કેટલોક ભાગ તોડી નવી સુરત મોડેલ આધારિત કચેરી બનાવવા આર્કિટેકટ પાસે ડીઝાઇન અને અહેવાલ તૈયાર કરાવવા રૂ.૩૦ લાખ ખર્ચવાનું આજની સામાન્ય સભામાં ઠરાવાયું હતું. પંચાયત કચેરીએ અગાઉ મોકલેલ ડીઝાઇન સરકાર ના મંજુર કરી નવી ડીઝાઇન મંગાવી છે. (૬.૧૮)

કોરોનાની ઐસીતૈસીઃ કુંવરજીભાઇ સભામાં હાજરઃ ચર્ચામાં ભાગ લીધો

રાજકોટ : જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયાને અઠવાડિયા પહેલા કોરોના લાગુ થયેલ. આજે તેમને ભાજપની સંકલન બેઠક અને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભાગ લેતા ઘણાએ આશ્ચર્ય અનુભવેલ તેઓ સ્વસ્થ જણાતા હતા. તેમણે પ્રશ્નોતરી વખતે જીવંત રસ લઇ પેટાપ્રશ્નો દ્વારા અધિકારીઓને ભીડવવા પ્રયાસ કર્યા હતો.

(3:20 pm IST)