રાજકોટ
News of Monday, 17th January 2022

વેકસીન કામગીરીમાં રાજકોટ મોખરે

રાજકોટમાં ૯૦ ટકા કિશોરોનું રસીકરણ સંપન્ન

શહેરમાં ૧૮ વર્ષથી ઉપરનાઓને પ્રથમ ડોઝ ૧૨.૬૬ લાખ, બીજો ડોઝ ૯.૮૫ લાખ તથા પ્રિકોશન ડોઝ ૧૭ હજાર વ્યકિતઓએ લઇ લીધો : વેકસીન કામગીરીના એક વર્ષનું સરવૈયુ રજૂ કરતા મેયર પ્રદિપ ડવ

રાજકોટ તા. ૧૭ : કોરોના સામેની વેકિસન આપવાની કામગીરીને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મહાનગરપાલિકા વેકિસનની કામગીરીમાં મોખરે હોવાનું આંકડા પરથી ફલીત થઇ રહ્યું છે. શહેરમાં પ્રથમ ડોઝ ૧૨,૬૬,૬૫૨ (૧૧૦%), બીજા ડોઝમાં ૯,૮૫,૫૧૦ (૮૯%) તથા ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને ૭૪,૨૬૯ (૯૦%) તેમજ ૬૦થી વધુ ઉંમરના ૧૭,૬૦૫ (૮૮%) લોકોએ પ્રિકોશન ડોઝ લઇ લીધો છે.

આ અંગે મેયર ડો. પ્રદિપ ડવ એક યાદીમાં જણાવે છે કે, છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ ની મહામારી ચાલી રહી છે. દેશમાં કોરોના મહામારી સામે લોકોની ઇમ્યુનિટી વધે અને કોરોના સામે રક્ષણ મળે એ માટે વેકિસન આપવાની ઝુંબેશ ચાલી રહી છે.

તાજેતરમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને વેકિસન આપવાનું તેમજ ૬૦ વર્ષથી ઉપરની વયના લોકોને પ્રિકોશન કોવિડ વેકિસન (બુસ્ટર ડોઝ) આપવાનું નિર્ણય કરેલ છે. જે આવકાર્ય છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ કોરોના અંતર્ગત ખૂબ જ સારી કામગીરી કરી રહી છે. આ ઉપરાંત વેકિસનની કામગીરીને એક વર્ષ પૂર્ણ થયેલ છે. એક વર્ષ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા વેકિસનની કામગીરીમાં મોખરે રહેલ છે. વેકિસન માટે સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક વગેરે સંસ્થાઓને જોડી કેમ્પો યોજવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ૧૮+ ના પ્રથમ ડોઝમાં ૧૨,૬૬,૬૫૨ એટલે કે ૧૧૦ ટકા જયારે બીજા ડોઝમાં ૯,૮૫,૫૧૦ એટલે કે ૮૯ ટકા લોકોને વેકિસન આપવામાં આવી તેમજ ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને ૭૪,૨૬૯ એટલે કે ૯૦ ટકા વેકિસન આપવામાં આવેલ તેમજ ૬૦ થી વધુ ઉંમરના ૧૭,૬૦૫ એટલે કે ૮૮ ટકા નાગરિકોને પ્રિકોશન કોવિડ વેકિસન (બુસ્ટર ડોઝ) આપવામાં આવેલ.

હાલમાં, ૨૨ આરોગ્ય કેન્દ્ર, અમીન માર્ગ પર આવેલ સિવિક સેન્ટર, રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરી, બે સ્કૂલ, પદ્મકુંવરબા હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલ વગેરે જગ્યાએ વેકિસન આપવાની કામગીરી ચાલી રહી છે.

હાલની કોરોનાની ત્રીજી લહેરમાં પણ ૧૦૦ જેટલા ધન્વંતરી રથ, ૫૦ સંજીવની રથ તે માટે જરૂરી સ્ટાફ આ ઉપરાંત જુદાજુદા પાંચ સ્થળોએ કોરોના ટેસ્ટિંગ બુથ શરૂ કરેલ છે.

(3:22 pm IST)