રાજકોટ
News of Monday, 17th January 2022

વકીલો ''ઓફીસર ઓફ ધી કોર્ટ'' છેઃ વકીલોની કોર્ટમાં પ્રવેશબંધી હટાવવા લેબર બારના પ્રમુખની કાયદામંત્રીને રજુઆત

બેંકો-લારી-ગલ્લા, હોટલો-રેસ્ટોરન્ટ-દુકાનો સરકારી કચેરીઓ ચાલું જ છેઃ ગીરીષભાઇ ભટ્ટ

રાજકોટ તા. ૧૭: અત્રે સૌરાષ્ટ્ર-કચ્છ લેબર લોઝ પ્રેકટીશનર્સ ફેડરેશન, સૌરાષ્ટ્રના તમામ જીલ્લાઓ રાજકોટ, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, દેવભુમી દ્વારકા તથા સોમનાથ જીલ્લાના ફેડરેશન તરીકે કાર્યરત છીએ અને મજુર અદાલતો તથા ઔદ્યોગીક ન્યાયપંચોમાં સક્રીય છીએ તેમ જણાવી પ્રમુખ શ્રી ગીરીશભાઇ ભટ્ટે કાયદા મંત્રીશ્રીને પત્ર પાઠવી વકીલોને કોર્ટમાં પ્રવેશવા દેવા તેમજ કોર્ટ કાર્યવાહીમાં ભાગ લઇ શકે તે અંગે યોગ્ય કરવા જણાવ્યું છે.

એડવોકેટ ''ઓફીસર ઓફ ધી કોર્ટ'' છીએ તેમાં કોઇ નિર્વીવાદ ન હોઇ શકે. કોર્ટની કાર્યવાહી ફકત જજો જ નહીં આવે, જેથી બીજા પક્ષે એડવોકેટો પણ જરૂરી છે. કોર્ટમાં જજશ્રીઓ, ઓફીસ સ્ટાફ, ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ હાજર રહે છે. રહી શકે છે પરંતુ અમો એડવોકેટસને કોર્ટના પ્રીમાઇસીસમાં દાખલ થવાની પણ મનાઇ છે. તાત્કાલીક એડવોકેટ માટે પ્રિમાઇસીઝ ખોલી આપવા જરૂરી આદેશ કરવામાં જણાવાયું છે.

સરકારીશ્રીઓ, બેંકો, સ્ટેટ ટ્રાન્સપોર્ટ સર્વીસ, લારી, ગલ્લા, હોટેલ, રેસ્ટોન્ટ, દુકાનો, ઔદ્યોગીક ગૃહો, સરકારી, અર્ધ સરકારી કચેરીઓ ચાલુ રાખેલ છે, અને સરકારશ્રીની ગાઇડ લાઇન પ્રમાણે કાર્યરત છે. ત્યારે કોર્ટમાં એડવોકેટસને પ્રવેશ અને સામાન્ય કામગીરી જેમાં પક્ષકારોની હાજરી વગર, પ્રોસીડીંગ્સમાં ભાગ લેવો દલીલો કરવી, ખરી નકલો કે કાચી નકલોની માંગણી કરવી, વાંધા જવાબ ફાઇલ કરવા વિ. કામગીરી કરવા માટે સવારે ૧૧-૦૦ થી ૧-૦૦ કલાક સુધી કોર્ટમાં અમો એડવોકેટસને પ્રવેશ આપવા એસ.ઓ.પી. માં સુધારો કરવા યોગ્ય કરશો.

મજૂર અદાલતો, કામદાર વળતર ધારા નીચે કમિશ્નર તરીકે કામ કરે છે આવા કમિશ્નર સમગ્ર સૌરાષ્ટ્રના દરેક જીલ્લા આવેલ કોર્ટમાં નિમેલા છે, અને કામદાર વળતર ધારા નીચે અકસ્માતના કેઇસમાં કરોડો રૂપિયા જમા હોય છ, આ રકમ અકસ્માત થવા પામેલ કામદારો કે તેમના વારસદારોને મળવાપાત્ર હોય છે આ રકમ કામદારોને મળી રહે તે માટે પણ મજૂર અદાલતોના કમિશ્નર અને નામ. જજશ્રી દિવસમાં બે કલાક આવા કેઇસોમાં કામ કરે તો ગરીબ કામદારોની જમા રહેલ રકમો તેમની સમયરસ મળી શકે.

કોરોના એ રાષ્ટ્રીય મહામારી હોવા છતાં નામ. કોર્ટ સિવાયની બધીજ પ્રવૃતિઓ સરકારશ્રીએ ચાલુ રાખેલ છે. નિયંત્રણો સાથે કોર્ટ કાર્યવાહી ચાલુ કરવા અમારી નમ્ર રજુઆત છે જે ધ્યાને લઇ જરૂરી સુચનાઓ આપના તાબાની અદાલતોને આપશો તેવી માંગણી દર્શાવી સૌરાષ્ટ્ર-કચ્છ લેબર લોઝ પ્રેકટીશનર્સના પ્રમુખ શ્રી ગીરીષભાઇ ભટ્ટ દ્વારા આ અંગે યોગ્ય કરવા કાયદામંત્રીને પત્ર પાઠવીને રજુઆત કરી છે.

(3:22 pm IST)