રાજકોટ
News of Monday, 17th January 2022

શીખ યુવાનના હત્યારા યુપીમાં દારૂ વેચતા ઝડપાયા

બે માસ પહેલા જંકશનના દુકાનદાર સત્યસીંઘની લોહીયાળ હત્યા કરનાર કાકા-ભત્રીજા રાજકોટ પોલીસના હાથમાં આવે તે પહેલા અનાયાસે યુપી પોલીસે ઝડપ્યા

રાજકોટ, તા., ૧૭: શહેરના જંકશન વિસ્તારમાં પોલીસ ચોકીની બાજુમાં આવેલા કોમ્પલેક્ષમાં તાળા ચાવીની દુકાન ધરાવતા વેપારી સત્યસિંઘ રઘુનાથસિંઘ રાજુ (ઉ.વ.૩પ)ની બે મહિના પહેલા થયેલી હત્યા કરનારા કાકા-ભત્રીજાને યુપી પોલીસે દારૂના ગુનામાં પકડાયા બાદ બંનેએ હત્યા કર્યાનું ખુલતા પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

મળતી વિગત મુજબ ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટરમાં રહેતા અને જંકશન પોલીસ ચોકીની બાજુમાં આવેલા ગુરૂનાનક શોપીંગ સેન્ટરમાં વાહે ગુરૂ નામે તાળા ચાવીની દુકાન ધરાવતા સત્યસિંઘ રઘુનાથસિંઘ રાજુ (ઉ.વ.૩પ) ની ગત તા.૧૬ નવેમ્બરના રોજ પોતાની દુકાને હતા ત્યારે તેનો કૌટુંબીક ભાઇ ફરજસિંઘ અને તેનો ભત્રીજો તરજીતસિંઘ એકટીવા પર દુકાને ધસી આવ્યા હતા અને બોલાચાલી કરી સત્યસિંઘને છરીના આડેધડ ૧૦ જેટલા ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. વેપારીની હત્યા કરી બંને આરોપીઓ પરીવાર સાથે નાસી છુટયા હતા. સત્યસિંઘની ભત્રીજા વહુની અગાઉ ફરજસિંઘે છેડતી કરી હતી. ત્યારથી સત્યસિંઘ અને ફરજસિંઘ વચ્ચે માથાકુટ ચાલતી હતી. આ મામલે સત્યસિંઘની હત્યા થઇ હતી. દરમ્યાન બંને શખ્સોને મથુરા પોલીસે પકડી લીધા હતા. બંને શખ્સો નાસી ગયા બાદ મથુરામાં દારૂની હેરાફેરી કરવા લાગ્યા હતા. ત્યાં મથુરા પોલીસે બંનેને દારૂના જથ્થા સાથે ઝડપી લીધા બાદ બંનેનો ગુનાહીત ઇતિહાસ ચેક કરતા રાજકોટમાં હત્યા કરી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું અને જાણ કરતા પ્ર.નગર પોલીસ સ્ટાફ સાથે બંનેનો કબ્જો લેવા રવાના થઇ ગઇ હતી.

(4:00 pm IST)