રાજકોટ
News of Wednesday, 17th February 2021

મોરબી રોડ માર્કેટ યાર્ડ સામેથી ૯૬ હજારનો દારૂ એસઓજીએ પકડ્યોઃ ફોર્ચ્યુનર મુકી ચાલક ફરાર

ચુંટણી ટાણે બૂટલેગરો પર ધોંસ યથાવતઃ ત્રણ દરોડામાં ૧.૩૫ લાખનો દારૂ ઝડપાયો : ભકિતનગર પોલીસે ૮૦ના રોડ પરથી ઇકો કારમાં ૩૬ હજારનો દારૂ ભરી નીકળેલા જુનાગઢના બે શખ્સ પકડ્યાઃ ઘનશ્યામનગરમાંથી એક શખ્સને ૬ બોટલ સાથે પકડ્યો

રાજકોટ તા. ૧૭: ચૂંટણી અંતર્ગત પોલીસ બૂટલેગરો પર શહેર પોલીસ ધોંસ બોલાવી રહી છે. ગઇકાલે પોણા બે લાખનો દારૂ ભરેલી ગાડી ક્રાઇમ બ્રાંચે પકડ્યા બાદ આજે એસઓજીની ટીમે મોરબી રોડ માર્કેટ યાર્ડ સામેથી રૂ. ૯૬ હજારનો દારૂ ભરેલી ફોર્ચ્યુનર ગાડી પકડી લીધી છે. પોલીસને જોઇ ચાલક ગાડી મુકી ભાગી ગયો હતો.

જાણવા મળ્યા મુજબ એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. હિતેષભાઇ રબારી, નિખીલભાઇ પિરોજીયા તથા રણછોડભાઇ આલને બાતમી મળતાં મોરબી રોડ યાર્ડ સામે વોચ રાખતા બાતમી મુજબની જીજે૧૧એસ-૯૧૬૧ નંબરની ફોર્ચ્યુનર ગાડી દેખાઇ હતી. તેને અટકાવવા પ્રસાય કરતાં ચાલક ગાડી રેઢી મુકી અંધારામાં ભાગી ગયો હતો.

પોલીસે ગાડીમાં તપાસ કરતાં રૂ. ૯૬ હજારનો ૨૪૦ બોટલ દારૂ મળતાં તે તથા ૫ લાખની ગાડી મળી કુલ રૂ. ૫,૯૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીઆઇ આર. વાય. રાવલ તથા કોન્સ. હિતેષભાઇ, નિખીલભાઇ, રણછોડભાઇ અને અનિલસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.

જ્યારે ભકિતનગર પોલીસ મથકના કોન્સ. વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા તથા ભાવેશભાઇ મકવાણાને મળેલી બાતમી પરથી ૮૦ ફુટ રોડ બોલબાલમા માર્ગ પાસેથી જીજે૧૧એબી-૦૩૧૫ નંબરની ઇકો કાર પકડી લેવાઇ હતી. જેમાંથી રૂ. ૩૬ હજારનો ૭૨ બોટલ દારૂ મળતાં કારમાં બેઠેલા બે શખ્સોપ્રતીક જશવંતરાય ત્રીવેદી (ઉ.વ.૩૫ રહે.ખોડલધામ સોસાયટી દેવ એપાર્ટમેન્ટ ઓ વીંગ બ્લોક નં.૧૦ર જુનાગઢ) તથા યોગેશગીરી રસીકગીરી અપારનાથી (ઉ.વ.૪૨-રહે.જોષીપુરા જુલેલાલ બેકરી સામે બ્લોક નં. ૧૩ જુનાગઢ)ને પકડી લઇ દારૂ અને કાર મળી કુલ રૂ. ૧,૮૬,૦૦૦નો મુદામાલ કબ્જે કરાયો હતો.

પીઆઇ જે.ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ આર. જે. કામળીયા,  એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. સલીમભાઇ મકરાણી, મનરૂપગીરી ગૌસ્વામી, દિનેશભાઇ બગડા, રણજીતસિંહ જાડેજા તથા હિતેન્દ્રસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.

આ ઉપરાંત આ ટીમે જ અન્ય એક દરોડામાં કોઠારીયા રોડ ઘનશ્યામનગર-૧૬/૩ના ખુણે રહેતાં અજય ગોવિંદભાઇ પરમાર (ઉ.૩૫)ને એકસેસ જીજે૦૩એફબી-૧૬૫૦માં દારૂની રૂ. ૩ હજારની ૬ બોટલ સાથે પકડી લીધો હતો. તમામ દરોડા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમા મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી એચ. એલ. રાઠોડની સુચના અને રાહબરીમાં આ કામગીરીઓ થઇ હતી.

(12:54 pm IST)