રાજકોટ
News of Wednesday, 17th February 2021

ખોરાણા પાસે વીડીમાં ઘોડીપાસાના પાટલા પર દરોડોઃ પાંચ પકડાયાઃ બે સંચાલક સહિતના શખ્સો ભાગી ગયા

એસઓજી અને પેરોલ ફરલો સ્કવોડની ટીમનો કોન્સ. અઝહરૂદ્દિન બુખારી અને ધીરેનભાઇ ગઢવીની બાતમી પરથી દરોડોઃ રોકડ, રિક્ષા, પાંચ બાઇક સહિત ૧.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જેઃ મહેશ સોલંકી અને નિઝામના નામ ખુલ્યા

રાજકોટ તા. ૧૭: કુવાડવાના ખોરાણા ગામ નજીક હડમતીયા અને રાજગઢ ગામની વચ્ચે આવેલી વીડીમાં ઘોડીપાસાનો પાટલો મંડાયો હોવાની અને જૂગાર રમાતો હોવાની બાતમી મળતાં એસઓજી અને પેરોલ ફરલો સ્કવોડની ટીમે દરોડો પાડતાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે રાજકોટના પાંચ શખ્સોને પકડી લીધા હતાં. જ્યારે બે સંચાલક સહિતના કેટલાક ભાગી ગયા હતાં. વાહનો, રોકડ મળી રૂ. ૧૫,૮૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

એસઓજી અને પરોલ ફરલો સ્કવોડની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. મહમદઅઝહરૂદ્દીન બુખારી અને કોન્સ. ધીરેનભાઇ મકવાણાને બાતમી મળતાં હડમતીયા-રાજગઢની વચ્ચે આવેલી વીડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહિથી પાંચ શખ્સો અમિત આમદભાઇ જુણાચ (ઉ.૩૫-રહે. જામનગર રોડ હુડકો કવાર્ટર નં. ૧૩૫), મહેમુદ સલિમભાઇ મોટાણી (ઉ.૪૨-રહે. ગાયકવાડી-૧), રફિક દાઉદભાઇ ભાણુ (ઉ.૪૭-રહે. ભગવતીપરા-૧), ઇમરાન હાસમમીયા સૈયદ (ઉ.૩૭-રહે. સંજયનગર-૧) તથા લક્ષમણ દાદુભાઇ બાવડા (ઉ.૪૨-રહે. વાણીયાવાડી-૪/૧૪)ને ઘોડીપાસા રમતાં પકડી લઇ રૂ. ૮ હજાર રોકડા, બે ઘોડીપાસા, રિક્ષા તથા પાંચ બાઇક મળી કુલ રૂ. ૧,૫૦,૦૦૦ના ૬ વાહનો કબ્જે લીધા હતાં.

પકડાયેલા શખ્સોની પુછતાછમાં ખુલ્યા મુજબ આ ઘોડીપાસાનો પાટલો મહેશ સોલંકી અને નિઝામ જુણાચે ચાલુ કર્યો હતો. દરોડો પડતાં આ બંને તથા બીજા કેટલાક શખ્સો ભાગી ગયા હતાં. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં  પીએસઆઇ એમ. એસ. અંસારી, હેડકોન્સ. ઝહીરખાન ખફીફ, એસઓજીના વિજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. અઝહરૂદ્દિન બુખારી, અનિલસિંહ ગોહિલ, જયુભા પરમાર, ધીરેનભાઇ ગઢવી, સોનાબેન મુળીયા સહિતે આ કામગીરી કરી હતી.

(12:54 pm IST)