રાજકોટ
News of Wednesday, 17th February 2021

રાજકોટની વિકાસયાત્રા અવિરત જારી રહેશેઃ કશ્યપ શુકલ

વોર્ડ નં.૭ના ઉમેદવારો નેહલ શુકલ, દેવાંગ માંકડ, જયશ્રીબેન ચાવડા અને વર્ષાબેન પાંધીને લોકસંપર્ક દરમ્યાન મળી રહેલ પ્રચંડ સમર્થન- આવકાર

રાજકોટ, તા. ૧૭:  શહેરના ઝડપી અને સર્વાંગી વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીએ ગઇકાલે સંકલ્પપત્ર જાહેર કર્યું છે. જો કોઇ નાગરિક ઝીણવટથી એ જોવે તો એને ખબર પડે કે ભાજપના શાસકો શહેરના તમામ વર્ગની કેટલી ચિંતા કરે છે, આ શહેરનો સર્વાંગી સર્વગ્રાહી વિકાસ થાય એ માટે શાસકો કટિબધ્ધ છે એવું સ્પષ્ટ થાય છે એવું શ્રી કશ્યપ શુકલે યાદીમાં જણાવ્યું હતું.

શહેરના વોર્ડ નં. ૭ના ભાજપના ઉમેદવાર ડો. નેહલ ચીમનભાઇ શુકલ, દેવાંગ માંકડ, શ્રીમતી જયશ્રીબહેન ચાવડા અને વર્ષાબહેન પાંધીના લોકસંપર્કમાં એમને અત્યંત બહોળો પ્રતિસાદ મળ્યા પછી સાંજે અને રાત્રે થતી અલગ અલગ વિસ્તારની સભાઓમાં પણ લોકો ઉમટી રહ્યા છે. હજી બે દિવસ પહેલાં જ સરદાર નગર વિસ્તારમાં મળેલી એક સભાને સંબોધતાં પુર્વ કોર્પોરેટર કશ્યપ શુકલે કહ્યું કે રાજકોટિયન તરીકે ગૌરવ લેવા જેવી બાબત છે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં પ્રયાસો અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં પ્રેમથી આ શહેરને આંતરરાષ્ટ્રીય કક્ષાનાં એરપોર્ટ મળ્યા છે. જામનગર રોડ પર પરાપીપળીયા અને ખંઢેરીની ૨૦૦ એકર જમીનમાં અંદાજીત ૧૨૦૦ કરોડ રૂપિયાનાં ખર્ચે એઇમ્સ હોસ્પિટલ બની રહી છે. ૨૦૨૨ સુધીમાં તો એ બની પણ જશે. તાજેતરમાં જ એનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું.  રાજકોટ-અમદાવાદ હાઈવે પર હિરાસર ગામ પાસે બનશે ૨૫૦૦ એકરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ પણ બની રહ્યું છે. 

રાજકોટ સ્વચ્છતા સર્વેક્ષણ તેમજ સ્માર્ટ સિટી રેન્કિંગ અગ્રતા ક્રમ મેળવતું આવ્યું છે. મહાનગરપાલિકામાં ભાજપ સરકારની ઉત્કૃષ્ટ કામગીરીથી રાજકોટને આઈવે પ્રોજેકટ, હાઉસિંગ પ્રોજેકટ, સાયકલ શેરિંગ પ્રોજેકટ, સ્વચ્છતા અભિયાન, સ્વચ્છ ભારત મિશન, વગેરે માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનાં એવોર્ડ મળી ચૂક્યા છે.

આવા કાયમી, લાંબાગાળાના પ્રોજેકટ હોય કે પછી યુવાનોને પ્રેરણા આપતી મેરેથોન અને શહેરીજનો માટે યોજાતા દીવાળી કાર્નિવલ અને આતશબાજી હોય, ભાજપે શહેરની રહેવા લાયક અને માણવા લાયક બનાવ્યાં  હોવાનું યાદીમાં જણાવાયું છે.

 રાજકોટનાં મેયરથી લઈ ગુજરાતનાં મુખ્યમંત્રી બનેલા વિજયભાઈ રૂપાણી અને તેમની ભાજપ સરકાર લોકકલ્યાણકારી, પ્રજાહિતનાં કાર્યોથી રાજકોટને સતત ધબકતું, વિકસતું રાખી રહી છે, વોર્ડ નં. ૭ની ભાજપની પેનલ પણ ભાજપની વિચારધારાને સંપૂર્ણ વરેલી છે. જે વિકાસ દેશમાં અને ગુજરાતમાં થઇ રહ્યો છે તે જ રાજકોટમાં પણ ચાલુ રહે તે માટે ભાજપને મત આપવા લોકો નિશ્ચય કરીને બેઠા છે. આજે દરેક રાજકોટવાસીઓ પોતે એક સુંદર શહેરમાં રહેતા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. નેહલ શુકલ, દેવાંગ માંકડ, જયશ્રીબહેન ચાવડા અને વર્ષાબહેન પાંધીને આપણા વોર્ડમાંથી વિજેતા બનાવવા યાદીના અંતમાં જણાવાયું છે.

(2:50 pm IST)