રાજકોટ
News of Saturday, 17th April 2021

રાજકોટમાં વધુ એક સરકારી ESIS કોવીડ શરૃઃ હાઉસફુલ થઈ ગઈઃ પૂરતો ઓકિસજન સ્ટોક છેઃ ૪ થી ૫ હજાર સિલીન્ડર છે..

સમરસમાં ૩ વેન્ટીલેટર ફાળવાયાઃ અલંગ-વડોદરા-રાજસ્થાનથી ઓકિસજન ટેન્કો મંગાવાઈ : આજે સમરસમાં વધુ ૫૫ બેડ શરૂ થશેઃ રોજના ૧૦ ડોકટરો અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની ભરતી થાય છે : નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા ફરી રાજકોટમાં

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટ એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યુ હતું કે ચુનારાવાડ ક્ષેત્રમાં આવેલ ૪૧ બેડની વધુ એક સરકારી ઈએસઆઈએસ હોસ્પીટલ શરૂ કરી દેવાય છે અને તે બપોરે ૧ સુધીમાં હાઉસફુલ બની ગઈ છે.

તેમણે જણાવેલ છે કે બેડની સ્થિતિ ચિંતાજનક છે. આમ છતાં વધુને વધુ બેડો સરકારી, સમરસ, ખાનગી હોસ્પીટલમાં વધારાઈ રહ્યા છે. સમરસમાં આજે વધુ ૫૫ બેડ શરૂ થશે, ત્યાં ૩ વેન્ટીલેટર પણ ફાળવી દેવાયા છે.

ઓકિસજન અંગે તેમણે જણાવેલ કે આપણી પાસે પૂરતો ઓકિસજન છે. સીવીલમાં ઓકિસજન ખલાસ છે તે વાત ખોટી છે ત્યાં દરરોજ ત્રણ વખત ઓકિસજન ભરવામાં આવે છે. ગઈકાલે રાત્રે ૧૨ વાગ્યે ટેન્ક ભરાઈ હતી. સિલીન્ડર પણ પુરતા છે. મેં પોતે ગઈકાલે ૫૦ સિલીન્ડર સિવીલમાં ફાળવ્યા છે. આપણી પાસે ૪ થી ૫ હજાર સિલીન્ડરો છે. દરેક જુદી જુદી હોસ્પીટલ, નર્સિંગ હોસ્પીટલ ઉભી થતી કોવીડ કેર સેન્ટરમાં ફાળવી રહ્યા છીએ. જુદી જુદી ઈન્ડસ્ટ્રીઝનો સપ્લાય રોકી આપણે ૧ હજાર લીટર - ૨૫૦ લીટરના બે ટાંકા મેળવ્યા છે. ગઈકાલે અલંગથી ત્રણ ટાંકા મારા અધિકારીને ૨૪ કલાક બેસાડી રાજકોટ માટે મેળવી લીધા છે. વડોદરાથી-૨ ટાંકા આજે આવી જશે. રાજસ્થાનથી ૨૫૦ લીટરના ટાંકા કાલે આવશે.

સ્ટાફ અંગે તેમણે જણાવ્યુ હતુ કે પૂરતો મેડીકલ સ્ટાફ છે. રોજના ૮ થી ૧૦ ડોકટરોની ભરતી થઈ રહી છે. તે ઉપરાંત નર્સિંગ કોલેજના બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓનું લીસ્ટ મેળવી તેમને પણ સીવીલ, સમરસ, કેન્સર હોસ્પીટલમાં ફરજ ઉપર મુકાઈ રહ્યા છે. આજે બપોર બાદ યુનિકેર-૨૦ બેડ ધરાવતી ખાનગી હોસ્પીટલ શરૂ થઈ રહી છે.

(3:54 pm IST)