રાજકોટ
News of Saturday, 17th April 2021

પોલીસનો કમ્મર તોડ ઘા

૫૦ થી માંડી ૧૫૦ સુધીના ઇ-મેમો ચડત થઇ ગયા...હજારો વાહન ચાલકો ખળભળી ગયાઃ દંડ કેમ ભરવો એની ચિંતા

અમુકને તો મેમો મળ્યા જ નહોતાં: અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી વાહન ચાલકોને બોલાવી ચડત મેમોને કારણે વાહનો ડિટેઇન કરવાનું શરૂ : એક મેમોના હજાર રૂપિયા દંડ...૧૫૦ મેમોના ૧ાા લાખ કયાંથી કાઢવાઃ એક તરફ કોરોનાનો કહેર, બીજી તરફ દંડનો ડામ : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વચલો રસ્તો કાઢી સત્વરે ઉકેલ લાવે તેવી એકસાથે સેંકડો મેમો મેળવનારા લોકોની માંગણી અને લાગણી : કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાંથી એક જ વાહન ચાલકને પાંચ-દસ-પંદર મેમો મોકલાયા છતાં તેણે દંડ ભર્યો નહિ તેની તપાસ શા માટે ન થઇ?: મોટા ભાગના વાહન ચાલકો એવા છે જેને પોતે હાલ જ્યાં રહે છે તે સ્થળે મેમો મળ્યા જ નથી : જે મેમો ન ભરે તેના વાહનો ડિટેઇન કરવાના આદેશઃ પોલીસ મથકોના સ્ટાફે આદેશનો અમલ પણ શરૂ કરી દીધો

રાજકોટ તા. ૧૭: 'પોલીસ પ્રજાનો મિત્ર'...રાજકોટ પોલીસ આ સુત્રને અનેક વખત ચરિતાર્થ કરી ચુકી છે અને હજુ પણ સતત પ્રજા માટે પોલીસ કામ કરી રહી છે. પરંતુ હાલમાં પોલીસ તરફથી શહેરના હજારો વાહન ચાલકોને દંડ રૂપી કમ્મરતોડ ઘા મળ્યો છે. શહેરના અનેક વાહનચાલકોને એક સાથે ૫૮ થી માંડી ૧૫૦ સુધીના ઇ-મેમો ચડત થઇ ગયાની જાણ અલગ અલગ પોલીસ સ્ટેશનો મારફત કરીને તેના વાહનો ડિટેઇન કરવાની કાર્યવાહી શરૂ થઇ જતાં વાહન ચાલકોમાં ખળભળાટ મચી ગયો છે. એક તો કોરોનો કહેર છે અને બીજી તરફ ઓચીંતો આવી પડેલો દંડનો ડામ અને એ પણ હજાર-બે હજાર નહિ લાખોમાં ફટકારાયેલો દંડ કઇ રીતે ભરવો તેની મુંજવણમાં આવા વાહનચાલકો મુકાઇ ગયા છે. એક સાથે પચાસથી માંડી દોઢસો સુધીના મેમો જે વાહન ચાલકોના નામે બોલી રહ્યા છે તેમાના મોટા ભાગના એવા છે જેમને અત્યાર સુધી મેમો મળ્યા જ નથી. જ્યારે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો ત્યારે ખબર પડી હતી કે આપણા નામે આટઆટલા મેમો નીકળ્યા છે!

જાણવા મળ્યા મુજબ શહેરના એક વરિષ્ઠ નાગરિકને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો. ફોન કરનાર પીએસઆઇએ 'આપ ફલાણા ફલાણા બોલો છો? આપ આ નંબરનું એકટીવા-ટુવ્હીલર હંકારો છો? આપ અત્યારે જ પોલીસ સ્ટેશને આવી જાવ, તમારા નામે એક સાથે ૫૮ ઇ-મેમો નીકળ્યા છે, તમે કેમ એકેય ઇ-મેમોનો દંડ ભર્યો નથી?'...આ સાંભળી વરિષ્ઠ નાગરિક ચોંકી ગયા હતાં. કાયદાને હમેંશા માન આપતાં આ નાગરિકે ફોન કરનાર અધિકારીને કહ્યું હતું કે-સાહેબ એક સાથે ૫૮ ઇ-મેમો, કંઇક ભુલ થતી હશે...પણ સાહેબે નામ-વાહન નંબર બધુ બરાબર છે, તમારા નામે જ ઇ-મેમો છે એમ કહ્યા બાદ રૂબરૂ મળી જવાનું કહેતાં આ નાગરિક પોતાનું ટુવ્હીલર કે જેના નામે ઇ-મેમો નીકળ્યા હતાં એ લઇને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં.

એ પછી ફોન કરનાર સાહેબે તમારે કંઇ નથી કરવાનું, વાહન અહિ મુકી દો અને મોટા સાહેબને પોલીસ કમિશનર કચેરીએ મળી આવો, આ પાવતીમાં સહી કરાવી આવો એટલે તમારું વાહન છુટી જશે તેમ કહી વાહન ડિટેઇન કરી લીધું હતું. વાહન ડિટેઇન કરવાનું કારણ અપાયું હતું-૫૮ ચડત ઇ-મેમો.

આ નાગરિકે ખુબ વિનંતી કરી હતી કે મને ૫૮ તો શું ૮ ઇ-મેમો પણ મળ્યા નથી, મને મેમો મળે તો હું દંડ ભરપાઇ કરું ને...એકેય મેમો જ મને મળ્યો નથી. હવે એક સાથે મારા વાહનના નામે ૫૮ ઇ-મેમો ચડત છે તેવું કહીને મારું વાહન ડિટેઇન કરી લો તો હાલના કપરા દિવસોમાં વાહન વગર મારે કરવું શું? આ નાગરિકની કાકલૂદી ચાલી નહોતી. સાહેબે પોતે ઉપલા લેવલના આદેશ મુજબ કાર્યવાહી કરવા મજબૂર હોવાનું કહી ફરજ બજાવી હતી.

વાહન ડિટેઇન થઇ જતાં આ નાગરિક ખુબ હતાશ થઇ ગયા હતાં. ડિટેઇન વાહનની પાવતી લઇને છેલ્લા ત્રણ દિવસથી તેઓ પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ તેમને ત્યાં સુધી પહોંચવામાં સફળતા મળી નથી. ત્યાંથી કોઇએ ટ્રાફિક બ્રાંચમાં જવાનું કહેતાં તેઓ ત્યાં પણ ગયા હતાં. પરંતુ બે દિવસથી અહિ પણ ઉચ્ચ અધિકારી સતત રાઉન્ડમાં અને બીજી ફરજમાં હોવાને કારણે મળી શકયા નથી.

આ નાગરિકે સવાલ ઉઠાવ્યો છે કે મને મેમો મળ્યા જ નથી અને હવે ઓચિંતા પોલીસ સ્ટેશને બોલાવી કહેવાય છે કે તમારા નામે ૫૮ ઇ-મેમો ચડત છે તો એક સાથે આટલો દંડ મારે કયાંથી ભરવો?  કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમે પાંચ સાત કે પંદર-વીસ ઇ-મેમો મારા નામે મોકલ્યા પછી પણ દંડ ન ભરાયો તો શા માટે ન ભરાયો? શું વાહનના માલિકને મેમો મળ્યા નથી કે પછી તેણે મેમો મળ્યા છતાં અવગણના કરી છે? આ અંગે તપાસ કરાવી હોત તો હું આટલા મેમો ભેગા જ ન થવા દેત.

આ નાગરિકે તપાસ કરતાં એવું જાણવા મળ્યું હતું કે માત્ર તેમને એકલાને જ નહિ શહેરના બીજા અઢીથી ત્રણ હજાર વાહન ચાલકોને આ રીતે ઇ-મેમો એકહારે  ચડત થઇ ગયાનું કહીને દંડ ભરવા અથવા વાહન ડિટેઇનની કાર્યવાહી માટે આવવા પોલીસ સ્ટેશને બોલાવાઇ રહ્યા છે. પોતાની સાથે અન્ય એક મહિલાને પણ બોલાવાયા હતાં. તેમના નામે તો ૧૫૦ મેમો હતાં. એક હજાર લેખે એક ગણીએ તો એમને ૧ાા લાખ દંડ ભરવાનો થાય. અમુકને તો ૧૫૮થી પણ વધુ ઇ-મેમો ચડત થઇ ગયા છે.

જેના જેના આટલા મેમો ચડત થઇ ગયા છે તેમના વાહનો ડિટેઇન કરવાના આદેશો આ વાહનો ચાલકો જ્યાં રહેતાં હોઇ તે વિસ્તારના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને થતાં ધડાધડ વાહનો ડિટેઇન કરવાનું શરૂ થઇ ગયું છે. આ કારણે વાહનચાલકોમાં દેકારો બોલી ગયો છે. મોટા ભાગના વાહના ચાલકો એવા છે જેમને અત્યાર સુધી ઇ-મેમો પોતે જ્યાં રહે છે ત્યાં મળ્યો જ નથી. તો અમુકને થોડા ઘણા ઇ-મેમો મળ્યા હતાં. બાકીના ઇ-મેમો મળ્યા ન હોવાનું તેઓ કહે છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ હમેંશા રાજકોટની જનતાનું ભલુ ઇચ્છતા આવ્યા છે. તેઓ આ વિકટ સમસ્યામાંથી વાહન ચાલકોને ઉગારે અને વચલો રસ્તો કાઢી વાહનો ડિટેઇન ન થાય અને દંડની રકમ પચાસ હજાર કે લાખ, દોઢ લાખ સુધી થાય છે તેના બદલે નાની રકમના મેમો કરી માંડવાળ કરી આપે તેવી લાગણી એકસામટા ઇ-મેમો મેળવનારા વાહનચાલકોની છે.

(4:08 pm IST)