રાજકોટ
News of Monday, 17th May 2021

રાજકોટ શહેર - જીલ્લામાં કુલ ૨ હજાર લોકોનું સ્થળાંતર, ગામે ગામ ખેતરો - કાચા મકાનો અંગે સર્વે

રાજકોટની ૧૫ સંસ્થાઓ દ્વારા ૫ લાખ ફૂડ પેકેટ બનાવવા અંગે તૈયારીઓ : જીલ્લામાંથી ૮૨૮ સગર્ભા મહિલાઓને તાકીદે ખસેડી લેવાઈ : નેશનલ - સ્ટેટ હાઇવે પરથી ૧૫૦થી વધુ બોર્ડ ઉતારી લેવાયા : પાણી પુરવઠાની પમ્પીંગ સ્ટેશનની યાદી જીઈબીને ફાળવી દેવાઈ : કલેકટરે પોલીસ - રેવન્યુ અને પંચાયતની ટીમો દરેક ગામોમાં મોકલી આપી : એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોના દરેક તાલુકામાં ધામા : કોઈપણ વ્યકિત કાચા મકાનમાં કે ખેતરમાં ન રહે તે જોવા આદેશો

રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્ટેટ હાઈ-વે ભાવનગર રોડ, કાલાવાડ રોડ, દેરડી - સુલતાનપુર અને જામનગર રોડ પર થી ર્હોડિંગ્સ દુર કરવા ની કામગીરી ચાલુ હોવાનુ  કાર્યપાલક ઈજનેર શ્રી કે. એન ઝાલાએ જણાવ્યું છે.

રાજકોટ, તા. ૧૭ : અરબી સમુદ્રમાં ઉભા થયેલા વિનાશકારી વાવાઝોડા સંદર્ભે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા શહેર અને જીલ્લામાં સ્થળાંતરની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલુ કરાઈ છે. રાજકોટ શહેરમાંથી ૫૦૦ અને જીલ્લામાંથી ધોરાજી, ઉપલેટા, જેતપુર, ગોંડલ, જસદણ, જામકંડોરણા પંથકમાંથી ૧૫૦૦ મળી કુલ ૨૦૦૦ લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યુ છે.

કલેકટર દ્વારા ૫૯૫ ગામોમાં તલાટી અને નાયબ મામલતદારોની ટીમો મોકલી સર્વે કરાઈ રહ્યો છે. તા. ૧૯ તારીખ સુધી ખેતરમાં કોઈ વ્યકિત ન રહે તે જોવા આદેશો કરાયા છે. એસડીઆરએફ ની ૩ ટીમ, જેતપુર - જસદણ અને રાજકોટમાં મૂકામ કરી રહી છે. એનડીઆરએફની બે ટીમ ધોરાજી અને ગોંડલ ખાતે મોકલી દેવાઈ છે.

પોલીસ, પંચાયત અને રેવન્યુ આ ત્રણેય સંયુકત ઓપરેશન દ્વારા કોઈપણ કાચા મકાનમાં વ્યકિત ન રહે તે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે. આરએનબી અને પંચાયતની કુલ ૨૨ ટીમો ગ્રામ્ય - સીટીમાં ફરી રહી છે. જનધનખાતાની ૧૪ ટીમો પણ પીજીવીસીએલ સાથે રહી કામગીરી બજાવી રહી છે. દરમિયાન નેશનલ હાઈવે ઉપરથી ૧૫૦થી વધુ હોર્ડીંગ અને બોર્ડ બધુ ઉતારી દેવાયુ છે. રાજકોટ સીટીમાં આ લખાય છે ત્યારે ૭ જેટલા વીજ થાંભલા પડી ગયા છે. વીજ ટીમો દોડી ગઈ છે અને ૫૧ ગામોમાં અંધારપટ છવાઈ ગયાનું જીઈબીના સૂત્રોએ જણાવ્યુ હતું.

દરમિયાન ગઈકાલે સંસ્થાઓ સાથે જીલ્લા કલેકટર કાર્યાલય મીટીંગમાં વિવિધ સંસ્થાઓએ ૫ લાખ ફૂડ પેકેટ બનાવવાની તૈયારી દાખવી દીધી છે. તેમાં ગોપાલ નમકીન ૧ લાખ, બાલાજી અને વડાલીયા બંને ૧-૧ લાખ તે ઉપરાંત સ્વામી ગુરુકુલ સંસ્થા, બોલબાલા, અન્નપૂર્ણા સહિતની સંસ્થા સાથે મીટીંગ થઈ હતી અને રાજકોટ તથા કોઈપણ જીલ્લામાં ફૂડ પેકેટો આપવા અંગે તૈયારી દર્શાવી છે. દરમિયાન રાજકોટ શહેર અને જીલ્લામાંથી કુલ ૮૨૮ જેટલી સગર્ભા મહિલાઓને સલામત સ્થળે ખસેડી લેવાય છે.

રાજકોટ કલેકટરમાં આવેલા મુખ્ય કન્ટ્રોલ રૂમમાં વર્ગ ૧ના ૩ તથા ૧ નાયબ મામલતદાર અને ૨ કારકૂન સહિત કુલ પોણો ડઝન કર્મચારી - અધિકારીઓને રાઉન્ડ ધ કલોક જવાબદારી સોંપી દેવાઈ છે.

(3:11 pm IST)