રાજકોટ
News of Monday, 17th May 2021

હત્યાની કોશિષ-એટ્રોસીટીના ગુન્હામાં હડમતીયાના પિતા-પુત્રનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ૧૭: હડમતીયા ગામનાં પિતા-પુત્રનો એટ્રોસીટીના ગુનામાં મોત નિપજાવવાના ઇરાદે હથીયારોથી ગંભીર ઇજાઓ કરવાના અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનાઓમાંથી છોડી મુકવાનો સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

પડધરી તાલુકાના ગામ હડમતીયાના રહેવાશી હરિશચંદ્રસિંહ ઉર્ફે હરૂભા ચકુભા જાડેજા અને ઇન્દુભા હરીશચંદ્રસિંહ જાડેજા ને એજ ગામના ફરિયાદી કમલેશભાઇ કસનાભાઇએ પોતાને તેમજ પોતાના ભત્રીજા બાબુભાઇ પુનાભાઇ માવીને, સદરહું બન્ને વ્યકિતઓએ ઢીકાપાટુનો માર મારી મોત નિપજાવવાના ઇરાદે લોખંડના પાઇપ વડે માથામાં ગંભીર ઇજા કરી તેમજ પગમાં લાકડાના ધોકાથી માર મારી પગમાં ફ્રેકચર કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને પોતાની જાતી પ્રત્યે અપમાનીત કરી અને એ રીતે એક બીજાને મદદગારી કરીને આઇપીસીની કલમ-૩૦૭, ૩ર૩, ૩રપ, પ૦૪, પ૦૬ (ર) ૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧)(આર)(એસ), ૩ર(ર) (પ-એ) મુજબના ગુનાઓ કરેલ હોવાથી એ સંબંધેની ફરીયાદ પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ. ત્યારબાદ તપાસ કરનાર પોલીસ અધિકારીને પુરતો પુરાવો જણાતા સદરહું બન્ને આરોપીઓ સામે સ્પેશ્યલ (એટ્રોસીટી) કોર્ટમાં ચાર્જશીટ રજુ઼ કરેલ હતું.

આ કામે કોર્ટએબ ચાવપક્ષ તરફથી થયેલી તમામ દલીલો અને રજુઆતોને માન્ય કરીને તેમજ કોર્ટએ ફરીયાદ પક્ષે રજુ થયેલ રેકર્ડ ઉપરનાં સમગ્ર પુરાવાઓ ને વંચાણે લઇને એમ ઠરાવેલ કે ફરીયાદ પક્ષના પુરાવાથી બનાવ કયા સ્થળે બનેલ છે તે હકીકત પુરાવાથી સ્પષ્ટ થતી નથી. આ ઉપરાંત આરોપીઓએ ફરીયાદીને માર મારેલ હોય એવી હકીકતો ડોકટર સમક્ષ જાહેર કરતા નથી અને ત્યારબાદ ફરીયાદી, આરોપીઓનાં નામજોગ ફરીયાદ કરવામાં આવે છે.

આ રીતે ફરીયાદીનો પુરાવો સંદીગ્ધ અને અવિશ્વાસપાત્ર બને રહે છે. આ ઉપરાંત ફરીયાદીનું અપમાન કે કનડગત જાહેરમાં કોઇ સ્વતંત્ર સાહેદની હાજરીમાં કરવામાં આવેલ હોય અને તેવા ફરીયાદીને હડધુત કર્યા ના શબ્દો સંભળાયેલ હોય તેવી હકીકત એટ્રોસીટીના કાયદાની જોગવાઇઓ મુજબ ફરીયાદપક્ષ પુરવાર કરી શકેલ નથી. આથી ફરીયાદીના પુરાવાથી ફરીયાદપક્ષના કેસની હકીકતોને સમર્થન મળતું નથી. આથી પુરાવાના અભાવે આરોપીઓને શંકાનો લાભ આપીને સ્પેશીયલ કોર્ટ (એટ્રોસીટી) અને એડી. સેશન્સના જજ કુ. એચ. એમ. પવાર એ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં આરોપીઓ વતી લીગલ એઇડમાં એડવોકેટ તરીકે શ્રી અશ્વિન જે. પોપટ અને તેના સહાયક એડવોકેટ તરીકે કલ્પેશ એન. વાઘેલા રોકાયેલ હતા.

(3:27 pm IST)