રાજકોટ
News of Monday, 17th May 2021

રાજકોટ મહાનગર પાલિકાના 'મારો વોર્ડ-કોરોના મુકત વોર્ડ'અભિયાનને વેગ આપવા સમીક્ષા બેઠક

મંત્રી આર.સી.ફળદુ અને જયેશભાઇ રાદડિયાના અધ્યક્ષ સ્થાને

રાજકોટ તા. ૧૭ : કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાની 'મારો વોર્ડ- કોરોના મુકત વોર્ડ' અભિયાન અંગેની સમીક્ષા બેઠક રાજકોટ મનપાના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી.

મંત્રી શ્રી આર.સી.ફળદુએ કોરોનાના મહાયુધ્ધની સામે લડનારા સૌ કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી જણાવ્યુ હતું કે, કોરોનાનું સંક્રમણ હવે ઘટયુ છે ત્યારે તે સંપૂર્ણ રીતે ઘટે તે માટે હજુ આપણે લડાઇ લડવાની છે. નિષ્ણાંતો હજુ કોરોનાના ત્રીજો ઘાતકી ફેસ આવવાની સંભાવના વ્યકત કરી છે, ત્યારે આપણે હાલની કોરોનાની ચેઇનને તોડવી ખૂબ આવશ્યક છે. કોરોનાની બીજી લહેરને અટકાવીએ ને કોરોનાનો ત્રીજા ફેસને અટકાવવાના પ્રયાસો કરીએ. દરેક વોર્ડ અને દરેક ગામ કોરોનાથી મુકત કરવા માટે રાજય સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે આપણે સૌ સાથે મળીને કોરોનાના સંક્રમણને કાબુમાં લાવીએ, નેસ્ત નાબુદ કરીએ.

મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાએ નગર પાલિકાઓ વિસ્તારની કોરોનાની પરિસ્થિતી પણ દરેક નગરપાલિકાના ચીફ ઓફિસરો પાસે તથા પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રી સ્તુતિ ચારણ પાસે જાણી હતી. તેમજ ચોમાસુ નજીક હોઇ પ્રિમોનસુનની કામગીરી ઝડપથી કરવા સુચના આપી હતી.

મ્યુ.કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી હાલમાં રાજકોટ શહેરમાં કોરોનાના કેસો, તેને કાબુમાં લેવામાં આવનાર વિવિદ્ય પગલા, હોમ આઇસોલેશન, કોવિડ કેર સેન્ટર, હોમિયોપેથિક દવાઓનું વિતરણ, સર્વેલન્સ, આરોગ્ય કેન્દ્રોનો થતો મહત્તમ ઉપયોગ, સ્વચ્છતા અને ચેપ ફેલાતો અટકાવવાની થતી કામગીરી વિશે માહિતી રજૂ કરી હતી.

આ બેઠકમાં મેયરશ્રી પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, અગ્રણી કમલેશ મિરાણી, પુષ્કર પટેલ, નાયબ મ્યુ.કમિશર પ્રજાપતિ, રૂડાના સીઇઓ ચેતન ગણાત્રા, સમીર ઘડુક, શ્રી અદાણી, શ્રી વ્યાસ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. અધિકારીઓએ પોતાના હસ્તકની કામગીરીની જાણકારી પણ મંત્રીશ્રીઓને આપી હતી.

(3:30 pm IST)