રાજકોટ
News of Monday, 17th May 2021

વાવાઝોડુ લેન્ડફોલ કરશે ત્યારે રાજકોટમાં ૯૦ થી ૧૦૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ ૨ થી ૪ ઈંચ વરસાદની સંભાવના

ગઈસાંજે શહેરમાં વાવાઝોડાનું મીની ટ્રેલર જોવા મળેલું, ૮૦ કિ.મી.ની પુરપાટ ઝડપે પવનો ફૂંકાયા'તા : રાજકોટ શહેરમાં આજે સવારે વાદળછાયા વાતવરણ બાદ બપોરે છવાયેલા આંશિક વાદળો તડકો

રાજકોટઃ વાવાઝોડુ ''તૌકતે'' આજે રાત્રે ૮ થી ૧૧ વચ્ચે પોરબંદર અને મહુવાના દરિયામાંથી પસાર થશે. આજ સાંજથી જ સૌરાષ્ટ્ર- કચ્છના અનેક ભાગોમાં બેફામ પવન સાથે સાંબેલાધાર વરસાદ પડશે. તો રાજકોટ શહેરમાં પણ તોફાની પવન સાથે વરસાદની પૂરેપૂરી શકયતા હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે.

દરમિયાન ગઈકાલે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ગરમી સાથે ઉકળાટ બફારાનો અનુભવ થયો હતો. સાંજના અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. એકાએક તોફાની પવન ફૂંકાવા લાગ્યા હતા. ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. લોકોના ઘરોમાં ધૂળની ડમરીઓ જોવા મળતી હતી. તોફાની પવન ફૂંકાતા લોકોમાં થોડીવાર તો ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

હવામાન તંત્રના જણાવ્યા અનુસાર ગઈસાંજે ૮૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયા હતા. વાવાઝોડાનું મીની ટ્રેલર થોડીવાર પુરતું જ જોવા મળ્યું હતું. થોડી મિનિટોમાં તો શહેરના અનેક સ્થળોએ વૃક્ષોનો સોથ બોલી ગયો હતો. તો શહેરમાં અનેક સ્થળોએ લાઈટો ગુલ થઈ ગઈ હતી. હવામાન ખાતાના સૂત્રોએ જણાવેલ કે આજે રાતે વાવાઝોડું જયારે સૌરાષ્ટ્રના દરિયાકિનારે લેન્ડફોલ કરશે. ત્યારે રાજકોટ શહેરમાં અંદાજે ૯૦ થી ૧૦૦ કિ.મી.ની ઝડપે તોફાની પવન ફૂંકાશે તો ૨ થી ૪ ઈંચ સુધી વરસાદ પડવાની પણ શકયતા છે.

(4:23 pm IST)