રાજકોટ
News of Monday, 17th May 2021

શહેરમાં વિજળી ગુલની ૬૦૦ થી વધુ ફરિયાદો : પીજીવીસીએલનો કન્ટ્રોલ રૂમ શોભાનો ગાંઠિયો : કોંગ્રેસ

વિજ કંપનીના સુપ્રિટેન્ટન્ડટ ઇજનેરને પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણી, ગજેન્દ્રસિંહ ઝાલાની રજુઆતો

રાજકોટ,તા.૧૭:  મહાનગર પાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અતુલ રાજાણી, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા, (સિનિયર કોંગ્રેસ અગ્રણી), લોક સંસદ વિચાર મંચના ધીરુભાઈ ભરવાડની સંયુકત યાદીમાં આક્ષેપો કર્યા છે કે, રાજકોટ શહેરમાં ગઈકાલે મીની વાવાઝોડું (૮૦ કિલોમીટર) એ ગુજરાત પશ્ચિમ વિભાગ વીજ કંપનીની પોલ ખોલી નાખી હતી અને રાજકોટ શહેરમાં જ ધડાધડ ૬૦૦થી વધુ ફરિયાદો થવા પામી હતી અને પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટરના ફોન સતત વ્યસ્ત રહેતા હતા અને અડધી કલાક સુધી ફોલ્ટ સેન્ટરના ફોન લાગતા નહોતા. કસ્ટમર કેરના ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૩ અને ૧૯૨૨ના ફોન વર્ષોની પરંપરા મુજબ નજીવા વરસાદે જ બંધ થાય છે. (કા તો બંધ કરી દેવાયા હતા) ફોન લાગતા ન હોવાથી ફરિયાદોને બ્રેક લાગી હતી જો ફોન ચાલુ રહ્યા હોત તો હજારથી વધુ ફરિયાદો થઈ શકી હોત.

અન્ય રાજયોની તુલનાએ સમગ્ર ગુજરાત રાજયમાં છુપા ચાર્જીસ સાથે વીજ કંપનીઓ તગડા બીલો આપી રહી છે અને સેવાના નામે મીંડુ છે. સામાન્ય વરસાદે અને ફકત વાવાઝોડાનું ટ્રેલર આવતા જ પીજીવીસીએલની બતી ગુલ થઇ ગઇ હતી પીજીવીસીએલનો બેફામ ભ્રષ્ટાચાર સપાટી પર આવી ગયો હતો અને ધડાધડ ત્રણ ડઝન જેટલા ટ્રાન્સફોર્મર ઉડી ગયા હતા અને અડધા રાજકોટમાં કલાકો સુધી અંધારપટ છવાયેલો રહ્યો હતો. પીજીવીસીએલના કોન્ટ્રાકટરો અને અધિકારીઓને બેદરકારી અને લાપરવાહી અને ભ્રષ્ટાચાર ને પગલે લોકોને પારાવાર હાડમારી બેઠવી પડી હતી અને બેફામ ભ્રષ્ટાચાર પોલ ખૂલી ગઈ હતી. રાજકોટ મહાનગરપાલિકાના કંટ્રોલરૂમમાં ફકત ૬ વૃક્ષો ધરાશાયી થયા છે. તેમ છતાં અડધા રાજકોટમાં અંધારપટ છવાયો હતો. દશેરાના દિવસે જ તંત્રનું ઘોડુ દોડતું બંધ થઈ જાય છે.

પીજીવીસીએલના કસ્ટમર કેરના ફોન બંધ રહેતા હોવાથી કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલાએ પીજીવીસીએલના સુપરિન્ટેન્ડન્ટ ઇજનેર કારીયા સાહેબને ચોમાસુ આવતું હોય ત્યારે કસ્ટમર કેર ના ફોન અને ઢંગધડા વગરના પીજીવીસીએલના તંત્રને દોડતું કરવા ટેલિફોનિક ઉગ્ર રજૂઆતો કરી હતી. રાજયના ઊર્જા મંત્રી સૌરભ પટેલ ની વાવાઝોડાના ખતરાને પહોંચી વળવાની ગુલબાંગો વચ્ચે વાવાઝોડાએ ફકત ટ્રેલર બતાવતા તંત્ર સંપૂર્ણપણે નાપાસ થયું છે.રાજકોટ શહેરમાં પીજીવીસીએલની પ્રિમોન્સુન કામગીરી ફકત કાગળ પર રહી છે જે અડધા રાજકોટમા અંધારપટ થી સાબિત થાય છે. હાલ કુદરતે ફકત ટ્રેલર બતાવતા જયારે કલાકો સુધી વીજ બતીગુલ થાય ત્યારે શું થશે ? તેમ લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટના કસ્ટમર કેરમાં ૧૧૨, અને પીજીવીસીએલના જુદા જુદા સબડિવિઝનમાં રાત્રિના સમયે આવેલી ફરિયાદોમાં મીલપરા-૨૫, પ્રહલાદ પ્લોટ-૮, કોઠારીયા રોડ- ૫૦, આજી-૧-૭, આજી-૨-૩૭ બેડીનાકા-૨૫, લક્ષ્મી નગર-૧૮, મહિલા કોલેજ-૧૧, પ્રદ્યુમનનગર- ૨૪, ઉદ્યોગનગર-૨૭, કાલાવાડ રોડ-૧૮, માધાપર-૩૦, વાવડી-૩૦, નાનામોવા-૧૫, રૈયારોડ-૪૪ આ સિવાય સવારમાં જુદા જુદા પીજીવીસીએલના સબ ડિવીઝનોમા થોકબંધ ફરિયાદો નોંધાયેલ હોવાનું અતુલ રાજાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, ધીરુભાઈ ભરવાડે અંતમાં જણાવ્યું હતું.

(4:27 pm IST)