રાજકોટ
News of Thursday, 17th September 2020

વાવડી ગામે પત્થરના ઘા મારી હત્યા કરવાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

આરોપી સાક્ષી-પુરાવા સાથે ચેડા કરતાં હોય જામીન આપી શકાય નહિં

રાજકોટ તા. ૧૭: અહીંના પુનીતનગર ૧પ૦ ફુટ રીંગ રોડ વાવડી ગામ પાસે વિજય નરશી પાનસુરીયાના મોઢામાં પથ્થરના ઘા તેમજ ઢીકાપાટુનો માર મારીને હત્યા કરવા અંગે પકડાયેલ પુનિતનગરમાં રહેતા સુનિલ ઉર્ફે ગેડીયો વિનોદ સાડમીયાએ જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસ. જજ શ્રી પી. એન. દવેએ રદ કરી હતી.

આ બનાવ અંગે ખુદ મરનારે જ ફરીયાદ નોંધાવી હતી બનાવના ચારેક દિવસ બાદ તેનું મૃત્યુ નિપજતાં બનાવ ખુનમાં પલટાયો હતો.

બનાવની વિગત મુજબ મરનાર અને આરોપી તા. ૯-૧-૧૯નાં રોજ વાવડી ગામ પાસે ભેગા થયેલ ત્યારે આરોપી મરનારની પત્નિ વિશે જેમફાવે તેમ બોલતા ઝઘડો થતાં વિજય નરશી પાનસુરીયાના મોઢામાં આરોપીએ પત્થરના ઘા મારતાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયું હતું.

આ ગુનામાં આરોપીએ પોતાની ગુજરનારની પત્નિ સાથે સમાધાન થઇ ગયાનું જણાવીને રેગ્યુલર જામીન પર છુટવા અરજી કરતાં સરકારી વકીલ સમીર ખીરાએ રજુઆત કરેલ આરોપી જેલમાં હોવા છતાં સાક્ષીને ટેમ્પર કરીને ફોડે છ઼ે આવા સંજોગોમાં આરોપીને જામીન પર છોડી શકાય નહિં.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી. સેસ. જજ શ્રી પી. એન. દવેએ આરોપીની જામીન અરજીને રદ કરી હતી. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. સમીર એમ. ખીરા રોકાયા હતાં.

(2:41 pm IST)