રાજકોટ
News of Thursday, 17th September 2020

“ન રુકેંગે ન ઝુકેંગે” - “કોરોના હારશે, ગુજરાત જીતશે”

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષગાંઠના દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજરોજ “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના”નું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું.

        રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૧૦ લાખ મહિલાઓને શૂન્ય ટકા વ્યાજે લોન ધિરાણ આપવા માટે “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના"નું આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના  હસ્તે ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું. રાજ્ય સરકારશ્રીના આ ઈ-લોન્ચિંગ કાર્યક્રમનો રાજકોટ ખાતેનો લાઈવ પ્રોગ્રામ પેડક રોડ પર સ્થિત શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજાયો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તથા રાજકોટ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન કલ્પકભાઈ મણીઆર તેમજ કમલેશભાઈ મિરાણી – પ્રમુખશ્રી, રાજકોટ શહેર ભાજપ, નીતિનભાઈ ભારદ્વાજ – પ્રદેશ અગ્રણીશ્રી, ભાજપ, અરવિંદભાઈ રૈયાણી – ધારાસભ્ય, લાખાભાઈ સાગઠીયા – ધારાસભ્ય, અશ્વિનભાઈ મોલીયા – ડે.મેયર, ઉદિત અગ્રવાલ – મ્યુનિસિપલ કમિશનર, દલસુખભાઈ જાગાણી – નેતા, શાસક પક્ષ, અજયભાઈ પરમાર – દંડકશ્રી, શાસક પક્ષ, નરેન્દ્રસિંહ ઠાકુર – ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રૂપાબેન શીલુ – ચેરમેન, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામકદળ સમિતિ, કિશોરભાઈ રાઠોડ - રાજકોટ શહેર ભાજપ મહામંત્રી તથા જુદી જુદી કમીટીના ચેરમેનશ્રીઓ તથા કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહેલ.

       આ પ્રસંગે માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, સૌપ્રથમ તો ગુજરાતની સમગ્ર જનતા વતી માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમના જન્મદિન નિમિતે શુભકામના પાઠવતા જણાવેલ કે, ભારત મહાસત્તા બને, આત્મનિર્ભર બને અને તે નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ શકય બને આપણું રાષ્ટ્ર સોળેકળાએ અને દશે દિશાએ પ્રગતિ કરે શ્રી નરેન્દ્રભાઈનો મુખ્યમંત્રી તરીકેનો ૧૩ વર્ષનો શાસનકાળ એક દીર્ધદ્રષ્ટા અને નિષ્ઠાવાન મુખ્યમંત્રીનો કાર્યકાળ હતો તેમણે મહિલા અને યુવા વર્ગ માટે અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકી હતી. તેઓ વડાપ્રધાન બન્યા પાછી પણ મહિલાઓની ખુબ ચિંતા કરી, જનધન યોજના, ઉજાલા ગેસ વિતરણ યોજના, ઘર ઘર શૌચાલય યોજના ફક્ત અને ફક્ત મહિલાઓને ધ્યાનમાં રાખીને જ અમલમાં મુકેલ છે. મહિલાઓ કોઈપણ મિલકત ખરીદે તો તેમના માટે સ્ટેમ્પ ડ્યુટીમાંથી પણ મુક્તિ આપી છે. તેઓએ મહિલાને શક્તિ સ્વરૂપા તરીકે અદકેરું સ્થાન આપ્યું છે. આપણી પ્રાચીન પરંપરા તરીકે રાધાકૃષ્ણ, સીતારામ, ઉમાશંકર, વિગેરેમાં દેવીઓ એટલે કે સ્ત્રીઓનું પ્રથમ સ્થાન છે. અને તે પરંપરાને જાળવી મહિલાના સર્વાંગી વિકાસ માટે અને તેને પુરુષ સમોવડી બનાવવા માટે સરકાર અનેકવિધ યોજનાઓ લાવી છે. પોલીસમાં મહિલા માટે ૩૩% અનામત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સ્ત્રીઓનું ૫૦% પ્રતિનિધિત્વ સરકારી નોકરીમાં સ્ત્રી અનામત અને હવે તો જી.આઈ.ડી.સી.માં પણ બહેનો માટે રિઝર્વેશન રખાયું છે. કોઈપણ દેશે માથાદીઠ આવક વધારવી હશે તો મહિલાઓને મહત્વ આપવું જ પડશે. અને તેના કારણે જ ગુજરાત રાજ્યએ દેશમાં પ્રથમવાર ૦% વ્યાજથી મહિલાઓને લોન આપી સ્વનિર્ભર બનાવવાની ધિરાણ યોજના લાગુ પાડેલ છે. પ્રધાનમંત્રીએ ઝીરો બેલેન્સથી જનધન યોજનાથી દેશભરમાં કરોડો બેંક ખાતા ખોલાવ્યા છે.

        અગાઉ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી કહેતા કે હું એક રૂપિયો દિલ્હીથી મોકલું છું અને પંદર પૈસાના કામ થાય છે. પરંતુ નરેન્દ્રભાઈ કહે છે હું એક રૂપિયો મોકલું છું સવા રૂપિયાનું કામ કરજો. બેંકના ખાતાને આધાર કાર્ડ સાથે જોડી લોકો માટે ખાતા ખોલાવવામાં સરળતા અને સલામતી ઉભી કરી છે. આજરોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચિંગ કરેલ છે તેના પાયામાં રાજકોટની ભૂતકાળની એક ઘટના યાદ આવે છે. રાજકોટ નાગરિક સહકારી બેંકની પરાબજાર શાખાની બહાર છુટક શાકભાજી અને ફળફળાદિનો વેપાર કરતી બહેનો બેસે છે. આ બહેનોનું દૈનિક ટર્નઓવર ૩-૪ હજારનું હોય છે પરંતુ તેની પાસે પૂરતા રોકડ રૂપિયા ન હોવાથી દૈનિક ૫% જેટલા ઉંચા વ્યાજે વ્યાજખોરો પાસેથી તેઓ પૈસા લેતા આ વ્યાજખોરીનું દુષણ નાથવા સરકાર દ્વારા  આ યોજના અમલી બનાવી છે. સખી મંડળો પુન: સક્રિય બન્યા છે તેને આ યોજનાથી ખુબ સારો નાણાકીય સહયોગ મળશે. એક લાખ ગૃપ દસ બહેનો અને પચાસ લોકોને આ યોજના થકી તાત્કાલિક લાભ મળશે. અગાઉ એવું હતું કે પહેલા મંડળ બનાવો પછી બેંક પાસે અરજી કરો અને જો બેંકને યોગ્ય લાગે તો લોન મળતી હવે બેંક પહેલા પૈસા આપશે પછી મંડળ બનાવવાના રહેશે. ગુજરાત સરકાર સ્ત્રી શક્તિને સુદ્રઢ બનાવવા કટીબદ્ધ છે. લોકો પર ભરોસો મૂકી આ યોજના અમલી બનાવી છે.

        આ યોજનાના કારણે ગુજરાત વધુ આત્મનિર્ભર બનશે. અને તે ભારતનું રોલ મોડલ બને તેવી આ નવતર યોજના છે. આવતા છ માસમાં તેનું સંપૂર્ણ લક્ષ્યાંક પૂર્ણ થાય તે પ્રમાણે આજથી જ કામગીરી શરૂ કરી રાજ્યમાં ૭૦ સ્થળોએ એકસાથે ઈ-લોન્ચિંગ કરવામાં આવેલ છે અને લગભગ ૧૧૯ જેટલી સહકારી સંસ્થાઓ તથા બેન્કો સાથે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. વર્તમાન કોરોના સંક્રમણના સમયમાં “ન રુકેંગે, ન ઝુકેંગે”, “કોરોના હારશે ગુજરાત જીતશે” આજે આપણે સૌ સાથે મળી નરેન્દ્રભાઈ મોદીનું કલ્પનાનું ગુજરાત બનાવવા પંચામૃત યોજના અમલી બનાવી છે. અને વિકાસની રાજનીતિ ચલાવી છે. અગાઉ સ્વરાજ્યથી સુરાજ્ય તરફ લઇ જવામાં જે ભૂમિકા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની હતી તેવી ભૂમિકા વર્તમાન સમયમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ નિભાવી રહ્યા છે. અંતમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવેલ કે, બહેનો માટેની આ યોજનાનો વધુમાં વધુ બહેનો લાભ લે અને સ્વાવલંબી બંને તેવી શુભકામના.

       આ પ્રસંગે મંત્રીશ્રી વિભાવરીબેન દવે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, માન.નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે ગુજરાત સરકાર દ્વારા “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” અમલમાં મૂકી સૌથી શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. આ યોજનાના સ્વપ્નદ્રષ્ટા અને વિચાર પુરુષ આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે. તેમણે ખુબ સંવેદનશીલતાથી આ નિર્ણય લઇ યોજના મૂર્તિમંત કરી છે. જયારે પુરુષના હાથમાં પૈસા આવે ત્યારે તેનો ઉપયોગ અંગત વપરાશ માટે કરતા હોય છે. જયારે મહિલા પ્રથમ પરિવાર માટે વિચારે છે. અને પોતાના ઘરની જરૂરિયાત માટે પૈસા વાપરે છે. પરિવારને આત્મનિર્ભર બનાવવા મુખ્યમંત્રીશ્રીનું આ આયોજન છે. જેમાં તેમણે ૦% વ્યાજે લોન આપી મહિલા ઉપર ૧૦૦% વિશ્વાસ મુક્યો છે. અને આ વિશ્વાસ બરકરાર રાખવા મહિલાઓને હું અપીલ કરું છું.

       આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવેલ કે, મુખ્યમંત્રીશ્રીએ આ યોજના જે રીતે તૈયાર કરાવી અમલમાં મૂકી છે તે ખરેખર સરાહનીય છે. ભૂતકાળમાં સ્ત્રી સશક્તિકરણ અને નારી સંવેદનાના અનેક કાર્યક્રમો આવેલ પરંતુ, સ્ત્રીને પગભર કરી વિકાસની કેડી પર આગળ વધવા માટે મદદરૂપ થનાર આ એક અલગ જ યોજના છે. આમાં બેંક પાસેથી સરળતાથી લોન મળશે અને રી-પેમેન્ટ પણ સરળતાથી કરી શકે તેવી જોગવાઈ કરી છે. ગુજરાત સંત, શુરા અને વીરોની ભૂમિ છે. આજરોજ પંચામૃત કાર્યક્રમ અંતર્ગત ઓછા પરિશ્રમથી ખેડૂતો વધુ અનાજ ઉગાડી શકે તેવી યોજના અમલી બનાવી છે. સાથોસાથ ગાંધીનગર ખાતે 24x7 પીવાના પાણીની રૂ.૨૨૯ કરોડની યોજના, નર્મદા અને ડેડીયાપાડાના આદિવાસી વિસ્તારના ૨૧૬ ગામોને પીવાનું પાણી મળી રહે તે યોજના, “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” તથા પર્યાવરણની સુરક્ષા માટે ઈ-ટુ વ્હીકલ યોજના અમલમાં મૂકી છે. અંતમાં તેઓએ જણાવેલ કે, પોતાની રાજકીય કારકિર્દીની પ્રથમ ચૂંટણી રાજકોટમાંથી લડી રાજકીય ક્ષેત્રે આગેકુચ કરનાર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોનાના કપરા કાળમાં દેશભરમાં એક ઉમદા નેતૃત્વ પૂરું પાડ્યું છે. ત્યારે નવા ગુજરાતના નિર્માણનું તેમનું સ્વપ્ન સાકાર કરવામાં આપણે પણ હાથ મિલાવીએ.

       આ પ્રસંગે રાજ્યના ગ્રામીણ વિકાસ વિભાગના સચિવશ્રી વિજય નેહરાએ જણાવેલ કે, “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના”ની પરિકલ્પનાથી પ્રારૂપ સુધીની સફરમાં મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન અને પ્રેરણા ખુબ મળ્યા છે. આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આ યોજના ખુબ મદદરૂપ થશે.

       આ પ્રસંગે ઉદબોધન કરતા ડે.મેયર અશ્વિનભાઈ મોલીયાએ જણાવેલ કે, આજે તા.૧૭ના રોજ દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે ગુજરાત રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના”નું ઈ-લોન્ચિંગ કરવાના આજના શુભ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત ઉપસ્થિત તમામ મહાનુભાવો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ સહિત સૌનું હું હાર્દિક સ્વાગત કરૂ છું. કોરોના વાયરસની મહામારીમાં દેશભરમાં અને રાજ્યમાં અનેક લોકોને આર્થિક રીતે વિકટ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૧૦ લાખ મહિલાઓને શૂન્ય ટકા વ્યાજે લોન ધિરાણ આપવા માટે “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના" શરૂ કરવામાં આવી રહી છે. આ માટે રાજ્ય સરકારશ્રી ખરેખર અભિનદનને પાત્ર છે. કોરોનાથી ઉભી થયેલી વિકટ આર્થિક પરિસ્થિતિમાં રાજ્યનાં અર્થતંત્રને પુન:વેગવંતુ કરવા માટે ગુજરાત સરકારશ્રી દ્વારા જે આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવેલ છે તેમાં આ યોજનાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. રાજય સરકારશ્રી દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર સક્ષમ બનાવવા માટે વિવિધ યોજનાઓ વખતોવખત અમલમાં મુકવવામાં આવતી રહે છે. જેમાં આજે વધુ એક ઉમદા યોજનાનો ઉમેરો થવા જઈ રહયો છે. આજના અવસરે “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના”નું ઇ-લોન્ચીંગ કરી રાજ્યની મહીલાઑને માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ઉમદા ભેટ આપવા જઇ રહ્યા છે જે ખુબ જ આનંદની બાબત છે. ગુજરાતમાં લગભગ તમામ ક્ષેત્રો માટે કોઈ ને કોઈ યોજનાની ભેંટ આપી ચૂકેલા માન મુખ્યમંત્રીશ્રીએ સૌની કાળજી લઇ પોતાની સંવેદનશીલતા દર્શાવી છે અને એ માટે આપણે સૌ તેમના પ્રત્યે ખુબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૭૫ કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે. “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” અંતર્ગત રાજ્યના ગ્રામીણ ક્ષેત્રમાં ૫૦ હજાર અને શહેરી વિસ્તારમાં ૫૦ હજાર એમ કુલ ૧ લાખ જોઇન્ટ લાયાબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ-મહિલા જૂથની રચના કરાશે. આવા પ્રત્યેક જૂથમાં ૧૦ મહિલાઓને સહભાગી બનાવીને કુલ ૧૦ લાખ બહેનોને કુલ રૂ.૧ હજાર કરોડ સુધીનું ધિરાણ આ યોજના હેઠળ તબક્કાવાર આપવાનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરાયેલું છે. સરકારશ્રીની આ યોજનાના સફળ અમલીકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા અત્યંત ગંભીરતાથી અને માનવીય સંવેદના સાથે પોતાના પુરેપુરા પ્રયાસો કરશે અને મહત્તમ બહેનોને તેનો લાભ મળે તેવી શુભેચ્છા પાઠવું છું.

       આ પ્રસંગે રાજકોટ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન કલ્પકભાઈ મણીઆર એ જણાવેલ કે, સંવેદનશીલ મુખ્યમંત્રીએ માતા અને બહેનો પ્રત્યેની પોતાની ભાવના આજે વ્યક્ત કરી વડાપ્રધાન

નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં જન્મદિન નિમિતે રાજ્યમાં ૭૦ સ્થળોએથી એકસાથે આ યોજના લોન્ચ કરી, તે અભિનંદનને પાત્ર છે. આ યોજનાના વિચારબીજ પાછળ રાજકોટ છે. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ૧૦ વર્ષથી ખુબ ઓછા વ્યાજના દરથી આ યોજના અમલમાં છે. પરંતુ ગુજરાત સરકારે વ્યાજ વગર આ યોજના શરૂ કરી જે સરાહનીય છે. આ યોજના મહિલાઓના ઉત્કર્ષમાં ખુબ જ ઉપયોગી થાશે તેવી આશા છે.

       આ યોજનાના લોન્ચિંગ દરમ્યાન મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર તથા ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક, આઈ.સી. આઈ.સી.આઈ. બેંક, એચ.ડી.એફ.સી. બેંક, એક્સીસ બેંક તથા કોટક બેંક સહિતની વિવિધ બેન્કો સાથે એમ.ઓ.યુ. કરવામાં આવેલ. બાદમાં આ યોજનાની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવેલ. જયારે રાજકોટ ખાતે આ કાર્યક્રમ દરમ્યાન સહર સખી મંડળ, ફેમિલી સખી મંડળ, શિવશક્તિ સખી મંડળ, અમરનાથ સ્વ-સહાય જૂથ, મેઘા સખી મંડળ, કૈલાશધામ સખી મંડળ, ઉત્કર્ષ સખી મંડળ, વતન સખી મંડળ, જીયા સખી મંડળ તથા સુહાના સખી મંડળને અનુક્રમે કેનેરા બેંક, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, દેના બેંક, બેંક ઓફ ઇન્ડિયા, આઈ.સી.આઈ.સી.આઈ. બેંક અને યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા લોન મંજુરીના પત્રો અર્પણ કરવામાં આવેલ. આ કાર્યવાહીમાં રાજકોટ મહાનગરપાલિકાને લીડ બેંક એસ.બી.આઈ.ના મેનેજર  આર.જે.ઠાકર તરફથી ઉત્સાહવર્ધક સંકલન અને સહકાર પ્રાપ્ત થયા હતા.

       કાર્યક્રમના પ્રારંભમાં કાર્યક્રમની રૂપરેખા આપતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવેલ કે, કોરોનાની વૈશ્વિક મહામારી વખતે અર્થતંત્રને પુન:વેગવંતુ બનાવવા અને વિકાસ પ્રક્રિયાને પુન: વેગ આપવા સરકારશ્રી દ્વારા જુદી જુદી યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે તે અંતર્ગત આજરોજ મુખ્યમંત્રીશ્રી દ્વારા “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના”નું ઈ-લોન્ચિંગ થઇ રહ્યું છે. અગાઉ સરકારશ્રી દ્વારા વહાલી દીકરી, અભયમ, ૧૮૧ તથા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના જેવી અનેકવિધ યોજના અમલી બનાવાઈ છે. ત્યારે આજે લોન્ચિંગ થઇ રહેલ યોજના શિરમોર છે. તેના કારણે ૧૦ લાખ જેટલી માતાઓ બહેનો આર્થિક ઉપાર્જનની સાથોસાથ સ્વાવલંબી પણ બનશે.

       આ કાર્યક્રમ દરમ્યાન શહેરની બાઈસાહેબબા ગર્લ્સ સ્કુલની વિદ્યાર્થીની કુ.કલ્પના અગ્રાવતે પોતાની આગવી ભાષામાં  નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી કાળથી શરૂ કરી અત્યારસુધી સ્ત્રી સશક્તિકરણ અને નારી સુરક્ષા માટે તેઓએ જે જે કાર્યો કર્યા છે તે વર્ણવી  નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

(7:37 pm IST)