રાજકોટ
News of Friday, 17th September 2021

પરમ દિવસે રિક્ષા સામે આવી ગઇ હોઇ ધ્યાન રાખવાનું કહેતાં ડખ્ખો થયો'તો

જુના યાર્ડ પાસે સાગરનગરમાં સાગર પર ત્રણ શખ્સોનો છરી-પાઇપથી હુમલો

કિશન, વિપુલ, સોયલો તૂટી પડ્યાઃ સામે વિપુલને પણ ઇજા

રાજકોટ તા. ૧૭: જુના માર્કેટ યાર્ડ પાસે સાગરનગરમાં સાંજે ધોકા-પાઇપથી મારામારી થતાં બે યુવાનને ઇજા થઇ હતી. પરમ દિવસે એક યુવાન ચાલીને જતો હતો ત્યારે બે જણાએ રિક્ષા સામે આવવા દીધી હોઇ તે બાબતે થયેલી માથાકુટને કારણે આ ડખ્ખો થયો હતો.

સાગરનગર-૪માં રહેતો અને યાર્ડમાં મજૂરી કરતો સાગર રમેશભાઇ ડંડૈયા (કોળી) (ઉ.વ.૨૯) સાંજે સાગરનગર મેઇન રોડ પંચરની દૂકાન પાસે હતો ત્યારે કિશન, વિપુલ, સોયલો સહિતે ઝઘડો કરી છરી-પાઇપથી હુમલો કરી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

સાગરના કહેવા મુજબ પોતે પરમ દિવસે સાંજે ચાલીને જતો હતો ત્યારે કિશન અને સોયલો રિક્ષા લઇ સામે આવી જતાં તેને ધ્યાન રાખીને ચલાવવાનું કહેતાં બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી ગત સાંજે પોતાના પર આ બંને તેમજ વિપુલે હુમલો કર્યો હતો.

સામા પક્ષે જંગલેશ્વર-૧ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતો વિપુલ વિઠ્ઠલભાઇ ઝાપડીયા (કોળી) (ઉ.૨૦) પણ પોતાના પર સાગર, રમેશભાઇ અને રાહુલે ધોકા પાઇપથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થયો હતો.

(11:49 am IST)