રાજકોટ
News of Friday, 17th September 2021

છાપરા કામધેનુ ગૌશાળામાં જય મહાકાલ ગ્રુપ દ્વારા સહસ્ત્ર મોદક શ્રી ગણેશ મહાયાગ

રાજકોટ : ચિત્રા નક્ષત્રમાં બ્રહ્મ યોગ, રવિ યોગ અને સ્થિર યોગનો ત્રિવેણી સંગમ એવા ભાદરવા સુદ ચોથના ભગવાન શ્રી દતાત્રેયના પ્રથમ અવતાર શ્રીપાદ શ્રી વલ્લભનો આવિર્ભાવ દિન પણ હતો. આવા સુભગ સંગમ દિવસે છાપરાની કામધેનું ગૌશાળા ગુરૂકૃપા આશ્રમ ખાતે જય મહાકાલ ગ્રુપ દ્વારા સહસ્ત્ર મોદક શ્રી ગણેશ મહાયાગ કરવામાં આવ્યો હતો. આચાર્યપદે પીપર નિકાવાના શાસ્ત્રી શ્રી સુનિલભાઇ ભટ્ટે બિરાજમાન થઇ દેવપૂજન અને યજ્ઞવિધી કરાવી હતી. ૧૧ થી વધુ યાજ્ઞિકો દ્વારા એક હજાર લાડુની આહુતિ વૈદિક ઋચાઓ અને ઉપનિષદના મંત્રો દ્વારા આપવામાં આવી. ઉપરાંત શ્રી ગણેશજીની પ્રિય દુર્વાના હોમ સાથે ૧૦૮ આહુતિઓ અપાઇ હતી. યજ્ઞ હોતા સમુહમાં ઇન્દુભાઇ ખંભોલિયા, ચંદ્રકાન્તભાઇ રાજા,  રમાકાંતભાઇ ખમભોલીયા, અશોકભાઇ પાનસુરીયા, નિલેશભાઇ જોશી, રોનકભાઇ, રૂપારેલીયાભાઇ, જયેશ વ્યાસ, અન્નપૂર્ણાબેન, મુકેશભાઇ જોશી, યોગેશભાઇ એન. ઠાકર સમેલ થયા હતા. યજ્ઞપૂર્વે ગણપતિ અથર્વશીર્ષના ૧૧૦૦ પાઠનું અનુષ્ઠાન કરાયુ હતુ. યજ્ઞમાં અમર યોગી સદ્દગુરૂ સિધ્ધનાથ ગિરનારી મહારાજના કૃપા સ્પંદનોદ સૌ ભાવિકોએ અનુભવ્યા હતા. આશ્રમના વર્તમાન અધ્યક્ષ શ્રી અખંડઆનંદ ભારતી બાપુની અનુજ્ઞાથી થયેલ આ ધર્માનુષ્ઠાનમાં શ્રી મનોકામના સિધ્ધ હનુમાનજી, સિધ્ધ કાલ ભૈરવ બાબા, ગૌશાળાની કામધેનું ગૌમાતાઓ અને શ્રી વિશ્વનાથ નર્મદેશ્વરની કૃપા સૌ ભાવિકો પર વરસી હતી. બ્રહ્મલીન શ્રી કરૂણાનંદભારતી બાપુની પ્રસન્નાનો પણ અહેસાસ સૌએ અનુભવ્યો હતો. બપોરે ૧ વાગ્યે બીડુ હોમાયા બાદ મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. તેમ યોગેશ એન. ઠાકરની યાદીમાં જણાવાયુ છે.

(3:06 pm IST)