રાજકોટ
News of Wednesday, 18th January 2023

શિત લહેરનો પ્રભાવઃ શાળાઓ સવારે ૮ પહેલા શરૂ ન કરવા આદેશ

પહેરો સ્‍વેટર, બાંધો રૂમાલ, આ તો શિયાળાની કમાલ : બાળકોને ગણવેશ સાથે અન્‍ય જરૂરી ગરમ વષાો પહેરવાની છુટ : રાજકોટ શહેર-જિલ્લાની તમામ શાળાઓ જોગ ડી.ઇ.ઓ.નો પરિપત્ર

રાજકોટ તા. ૧૮ : જિલ્લા શિક્ષણધિકારી શ્રી બી.એસ.કૈલાએ શિયાળાની કાતિલ ઠંડીને અનુલક્ષીને રાજકોટ શહેર, જિલ્લાની તમામ શાળાઓના સમયમાં ફરેફાર બાબતે આજે પરિપત્ર પ્રસિધ્‍ધ કર્યો છે.

પરિપત્રમાં જણાવ્‍યું છે કે રાજકોટ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્‍યમિક/ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાઓના આચાર્યોને હાલની કોલ્‍ડવેવની પરિસ્‍થિતી ધ્‍યાને રાખીને સવારની શાળાઓનો સમય સવારે એક કલાક મોડો અથવા સવારે ૮ વાગ્‍યા પછી આપની સ્‍થાનિક પરિસ્‍થિતિને ધ્‍યાને રાખી વિવેકપૂર્ણ રીતે બાળકોને ઠંડી સામે રક્ષણ મળે તે રીતે મોડો રાખી બાળકોનું આરોગ્‍ય સચવાય તેમજ શિક્ષણકાર્યને પણ અસર ન થાય તે રીતે આપને સૂચના આપવામાં આવે છે. આ મુદત તા.ર૧/૧ સુધી ચાલુ રહેશે, ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે શાળાના યુનિફોર્મ સાથે અન્‍ય જરૂરી ગરમ વષાો પહેરવાની પણ બાળકોને છુટ આપવાની રહેશે. નવી સુચના ન મળે ત્‍યા સુધી શાળા ૮ પહેલા શરૂ કરવી નહી.

(3:51 pm IST)