રાજકોટ
News of Tuesday, 18th May 2021

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરભરમાં પેટ્રોલીંગ કર્યુઃ માલિયાસણ, બેડી માલિયાસણની મુલાકાત લીધીઃ ખડેપગે રહેલા અધિકારીઓ અનેસ્ટાફની પ્રસંશા

વહેલી સવારે કન્ટ્રોલ રૂમમાં મોનીટરીંગ કર્યુઃ કેકેવી ચોક, રૈયા ચોકડી, માધાપર, બેડી થઇ આગળના ગામડાઓમાં નિરીક્ષણ કર્યુ : લોકોને હજુ ત્રણ દિવસ કર્ફયુ અને આંશિક લોકડાઉનની મુદ્દત લંબાવવામાં આવી હોઇ તેનું પાલન કરવા અનુરોધ

રાજકોટઃ વાવાઝોડામાં તમામ પરિસ્થિતિ સામે પહોંચી વળવા બીજા વહિવટી તંત્રોની સાથે શહેર પોલીસતંત્ર પણ તૈનાત થઇ ગયું હતું. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે ગઇકાલે જ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સતત અડતાલીસ કલાક ફરજ પર રહેવા આદેશ કરી દીધો હતો. જ્યાં ભયજનક મકાનો હતાં ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને તેમની ટીમો દ્વારા કરાવી હતી. મોડી રાત સુધી પોલીસ કમિશનરશ્રી અગ્રવાલ જાતે કન્ટ્રોલ રૂમમાં મોનીટરીંગ કરતાં રહ્યા હતાં અને આજે વહેલી સવારે ફરીથી તેઓ કન્ટ્રોલ રૂમમાં પહોંચ્યા હતાં અને બંદોબસ્તમાં રહેલા તમામ અધિકારીઓ પાસેથી ખેરીયત રિપોર્ટ લીધો હતો. એ પછી તેઓ શહેરભરમાં પેટ્રોલીંગ કરવા નીકળ્યા હતાં અને નિરીક્ષણ કર્યુ હતું.

કેકેવી ચોક, રૈયા ચોકડી, માધાપર ચોકડીથી બેડી ગામ થઇ ત્યાંથી માલિયાસણ અને બામણબોર સુધી જાત નિરીક્ષણ કર્યુ હતું. વાવાઝોડાની અસર બામણબોર, માલિયાસણ તરફ વધુ વરતાઇ શકે તેવી શકયતા હોઇ આ ગામોમાં વધુ બંદોબસ્ત ગોઠવાયો હતો. શ્રી અગ્રવાલે રાતભર બંદોબસ્તમાં ખડેપગે રહેલા અધિકારીઓ અને કર્મચારીઓની પ્રસંશા કરી હતી. આજે બપોર બાદ જો જરૂર નહિ હોય તો ફરજ પર રહેલા સ્ટાફને જરૂરીયાત મુજબ રિલીવ કરાશે. શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે પોલીસની અપિલને ધ્યાને રાખીને શહેરીજનો પણ આજે બહાર નીકળ્યા નથી. કર્ફયુની અને આંશિક લોકડાઉનની મુદ્દત ત્રણ દિવસ વધારવામાં આવી હોઇ તેનો અમલ પણ લોકો કરે તેવો અનુરોધ છે.

પોલીસ કમિશનરશ્રી અગ્રવાલ સાથે એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે. ગઢવી, એસઓજી પીઆઇ આર. વાય. રાવલ, કયુઆરટી ટીમ, એસઓજી ટીમ, ક્રાઇમ બ્રાંચની ટીમો પણ જોડાઇ હતી. તસ્વીરમાં કેકેવી ચોકમાં પસાર થઇ રહેલી કારને અટકાવી શા માટે કયા કારણે બહાર નીકળ્યા છે? તેની પુછતાછ કરતાં પીઆઇ વી. કે. ગઢવી જોઇ શકાય છે. અન્ય તસ્વીરમાં શ્રી અગ્રવાલ અને બીજા અધિકારીઓ અને સ્ટાફ નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:29 pm IST)