રાજકોટ
News of Friday, 18th June 2021

હોટેલના રૂમમાંથી દારૂની બાટલી મળતાં મેનેજર સામે વધુ એક ગુનોઃ દાસભાઇ, જયશ્રી અને મેનેજર કાલે કોર્ટ હવાલે

કૂટણખાનુ પકડાયું એ સદર બજારની હોટેલ ચર્ચાના ચકડોળે ચડીઃ શોધવા ગયા સગીરા ને મળ્યું કૂટણખાનુ

રાજકોટ તા. ૧૮: શહેરના સદર બજારમાં આવેલી હોટેલ પાર્ક ઇનના રૂમમાં કૂટણખાનુ ચાલતું હોવાનો પર્દાફાશ થયો હતો. એ સાથે અન્ય એક રૂમમાંથી એક હિન્દીભાષી સગીરા પણ મળી હતી. હોટેલના રૂમમાં કેશોદનો પ્રોૈઢ અને વડોદરાની મહિલા એક બંગાળી યુવતિને રાખીને તેની પાસે દેહવેપલો કરાવતાં હોવાનો ગુનો નોંધાતા પોલીસે આ પ્રોૈઢ, મહિલા અને હોટેલના મેનેજરની ધરપકડ કરી હતી. રૂમોની તલાશી વખતે એક રૂમમાંથી દારૂની બાટલી પણ મળી આવતાં તે અંગે મેનેજરે સ્પષ્ટતા ન કરતાં તેની સામે અલગથી દારૂ અંગેનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ તમામને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે. હોટેલમાં ત્રણેક દિવસથી કૂટણખાનુ ચાલતું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ એવી પણ હકિકત સામે આવી છે કે કૂટણખાનાના સંચાલક પ્રોૈઢને પોલીસે બે મહિના પહેલા આ હોટેલ નજીકથી જ કર્ફયુ ભંગના ગુનામાં પકડી લીધો હતો. ત્યારે પોતે જયંત કે. જી. રોડ પરથી આ બાજુ શું કરવા આવ્યો? તેની તેણે કોઇ સ્પષ્ટતા કરી નહોતી. મહિલા પોલીસની ટીમ મુંબઇની એનજીઓની ટીમ અને જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ સાથે પાર્ક ઇન હોટેલમાં એક સગીરાને રાખવામાં આવ્યાની માહિતીને આધારે સગીરાને શોધવા આવી ત્યારે હોટેલના રૂમમાં કૂટણખાનુ ચાલતું હોવાનો પર્દાફાશ પણ થયો હતો. જેની જાણ થતાં પ્ર.નગર ડી. સ્ટાફના કોન્સ. મહાવીરસિંહ રાણા પણ ત્યાં મદદ માટે પહોંચ્યા હતાં.  રૂમોની તપાસમાં એક રૂમમાંથી દારૂ મળતાં આ અંગે હોટેલ મેનેજર સ્પષ્ટતા ન કરી શકતાં તેની સામે  પ્રોહીબીશન એકટ ૬૫ (એએ) મુજબ અલગથી ગુનો દાખલ કરાવાયો છે.

કુલદિપસિંહે રાણાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે પ્રભુદાસ ઉર્ફ દાસભાઇ અને જયશ્રી ચાવડા વિરૂધ્ધ ઇમોરલ પ્રિવેન્શન એકટનો ગુનો દાખલ થયો હોઇ આ ગુનામાં મહિલા પીઆઇ સહિતના સ્ટાફે ૧૬/ના સાંજે પાર્ક ઇન હોટેલમાં દરોડો પાડી અલગ અલગ રૂમ ચેક કર્યા હતાં. એ વખતે પંચનામા દરમિયાન હું પણ મદદમાં સાથે જોડાયો હતો. દરમિયાન હોટેલના મેનેજર મેહુલ ચોટલીયાએ બીજા માળે રૂમ નં. ૨૦૧ થી ૨૦૬ ખોલી આપ્યા હતાં. અમે રૂમોની તપાસ કરતાં હતાં તે વખતે રૂમ નં. ૨૦૪માંથી એક દારૂની બોટેલ મેકડોવેલ્સ નંબર ૧ ફોર સેલ ઇન હરિયાણાના લેબલવાળી મળી હતી.

બોટલનું શીલ તુટેલુ હતું. અંદર ૫૦૦ મીલી જેટલુ કેફી પ્રવાહી હતું. આ બોટલ બાબતે મેનેજર મેહુલ ચોટલીયાને પીઆઇ પટેલે પુછતાં તેણે કોઇ સંતોષકારક જવાબ કે ખુલાસો આપ્યો નહોતો. જેથી રૂ. ૩૦૦નો દારૂ ગણી બોટલ કબ્જે કરી શીલ કરવામાં આવી હતી. એ પછી મેનેજર સામે આ મામલે પ્રોહીબીશન ભંગનો ગુનો દાખલ કરાવ્યો છે.

પોલીસે મેનેજરની પુછતાછ કરતાં આ હોટેલના માલિક હિમાંશુ મહેતા હોવાનું તેણે કહ્યું હતું. જો કે હાલમાં મેનેજર તરીકે પોતે પોણા બે વર્ષથી સંચાલન સંભાળતો હોવાનું તેણે કહ્યું હતું. હોટેલના માલિક કે ભાગીદારો ખરેખર કોણ? કેટલા? એ વિશે અલગ અલગ વાતો વહેતી થઇ હતી. ત્યારે મેનેજરે હિમાંશુ મહેતાનું નામ આપ્યું છે. જો કે હોટેલ માલિક આ બધાથી અજાણ હોવાનું પણ તેણે કહ્યું હતું.

બીજી એક વાત એવી પણ સામે આવી છે કે હોટેલના રૂમમાં કૂટણખાનુ ચલાવતાં પકડાયેલા પ્રભુદાસ ઉર્ફ દાસભાઇ અને જયશ્રીએ ત્રણેક દિવસથી જ અહિ રૂમ રાખ્યાનું કહ્યું હતું. આ વાત સાચી હશે. પરંતુ પ્રભુદાસભાઇ ઉર્ફ દાસભાઇ ચંદુભાઇ કક્કડ (ઉ.વ.૫૬)ને તા. ૧૭/૪/૨૧ના રાતે ૮:૨૫ કલાકે પ્ર.નગર પોલીસ સ્ટેશનનના જ પીએસઆઇ કે. સી. રાણાએ કર્ફયુ ભંગનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

૧૭ના રોજ કોરોના સંદર્ભે કર્ફયુનો સમય સાંજના ૮ થી સવારના ૬ સુધીનો હતો. એ દિવસે પ્રભુદાસ કક્કડ રાતે ૮:૨૫ કલાકે સદર બજાર મેઇન રોડ પર વેરાયટી સ્ટોર સામે રોડ પર ચાલીને નીકળ્યા હતાં.  ત્યારે પીએસઆઇ કે. સી. રાણા સહિતનો સ્ટાફ વાહન ચેકીંગમાં હોઇ પ્રભુદાસભાઇને કર્ફયુ હોવા છતાં અને કોઇ ઇમર્જન્સી કામ ન હોવા છતાં ઘરની બહાર કેમ નીકળ્યા? એ અંગે પોલીસે પુછતાં કોઇ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. આથી બીનજરૂરી રીતે કર્ફયુમાં બહાર નીકળવાનો આઇપીસી ૧૮૮ મુજબ ગુનો નોંધી તેની સામે આ કાર્યવાહી થયાની તેને સમજ આપી કલમ ૪૧ (એ) મુજબની નોટીસ આપીને કોર્ટ જ્યારે બોલાવે ત્યારે હાજર થવા જણાવાયું હતું. તે વખતે તેની પાસેથી કંઇ કબ્જે કરવામાં આવ્યું નહોતું. ત્યારે તેમણે પોતાનું રહેણાંકનું એડ્રેસ જયંત કે. જી. રોડ ડી માર્ટ પાછળ સીટીરાઇડ એપાર્ટમેન્ટ રાજકોટ જણાવ્યું હતું.

ત્યારે પોતે જયંત કે.જી.માંથી અહિ શું કરવા આવ્યો તેનો સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે કાર્યવાહી કરી હતીઃ દાસભાઇ હોટેલમાં ત્રણ ચાર દિવસથી જ કૂટણખાનુ ચલાવતાં હોવાનું ખુલ્યું છે. તો એ દિવસે તેઓ આ હોટેલવાળા રોડ પર શું કરવા આવ્યા હશે એ તો દાસભાઇ જ જાણે

રાજકોટઃ હોટેલ પાર્ક ઇનના રૂમોની તલાશી વખતે એક રૂમમાંથી દારૂની બોટલ મળી હતી. જેનું ઢાંકણું ખુલેલું હતું. અંદર ૫૦૦ મીલી જેટલો દારૂ હતો. આ દારૂ કોનો છે? કયાંથી આવ્યો? એ વિશે મેનેજરે કોઇ ખાસ વિગતો જણાવી નહોતી તેથી તેની સામે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો હતો. તેમજ બોટલ જ્યાંથી મળી એ રૂમમાંથી એક આઇકાર્ડ મળ્યું હોઇ તેના આધારે તપાસ કરી પીઆઇ એલ. એલ. ચાવડાએ વધારાનો એક ગુનો નોંધવા સુચના આપ્યાનું જાણવા મળે છે.

(4:26 pm IST)