રાજકોટ
News of Friday, 18th June 2021

રાજકોટ શહેર - જીલ્લાના ધો.૧૦ના ૪૨ હજારથી વધુ વિદ્યાર્થીઓના ગુણ બોર્ડમાં ઓનલાઈન મોકલ્યા

ધો.૧૦માં માસ પ્રમોશન મળતા નવી ગુણ સિસ્ટમ મુજબ માર્કસ મૂકાયા

રાજકોટ, તા. ૧૮ : કોરોના મહામારીમાં આ વર્ષે ધો.૧ થી ૧૨ માસ પ્રમોશન તેમજ કોલેજમાં મેરીટ બેઝડ પ્રોગ્રેશન આપવામાં આવ્યુ છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ની માર્કશીટ તૈયાર કરવા શાળાઓ પાસેથી અગાઉના વર્ષોના ગુણ મંગાવવામાં આવ્યા છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ગુણ મોકલવા માટે શાળાઓને સુચના આપવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેર - જીલ્લામાં ધો.૧૦માં ૪૨ હજારથી વધુ છાત્રોના ઓનલાઈન ગુણ મોકલી દેવામાં આવ્યા છે.

ગુજરાત રાજયમાં કોરોનાની તીવ્ર બીજી કહેરને કારણે ધો.૧૦ની પરીક્ષા રદ્દ કરી માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતું. માસ પ્રમોશનના નિર્ણય બાદ શિક્ષણ બોર્ડ દ્વારા નિયત કરેલી માર્કીંગ સિસ્ટમ્સ મુજબ વિદ્યાર્થીઓને ગુણ આપી શાળાઓને આ ગુણ શિક્ષણ બોર્ડ સમક્ષ ઓનલાઈન મોકલી આપવા સુચના આપવામાં આવી હતી.

રાજકોટના જીલ્લા શિક્ષણાધિકારી શ્રી કૈલાએ જણાવ્યુ છે કે શિક્ષણ બોર્ડને ધો.૧૦ના અંદાજે ૪૨ હજારથી વધુ છાત્રોના ગુણ ઓનલાઈન મોકલી આપવામાં આવ્યા છે.

(4:28 pm IST)