રાજકોટ
News of Friday, 18th June 2021

રાજકોટના જવેલર્સના બે કરોડની કિંમતના 4 કિલો સોનાના દાગીનાની વડોદરાના છાણી સર્કલ પાસે ચોરી : સનસનાટી

કર્મચારીઓ ચા નાસ્તો કરવા ઉભા રહ્યાંને બે અજાણ્યા શખ્સો કારનો કાચ તોડીને કાળા કલરની બેગ ચોરીને ફરાર : સવારે 11 વાગ્યે ચોરી થયા બાદ સાંજે પોલીસને જાણ કરતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા

વડોદરા : શહેરના છાણી વિસ્તારમાં 2 કરોડની કિંમતના 4 કિલો સોનાના દાગીના ભરેલી બેગની ચોરી કરીને બે બાઇક સવાર ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પોલીસે CCTVની મદદથી તપાસ શરૂ કરી હતી. રાજકોટની વી રસિકલાલ જ્વેલર્સ કંપનીના કર્મચારીઓ હોવાનું જાણવા મળ્યું છે

 રાજકોટની વી રસિકલાલ જ્વેલર્સ કંપનીના 3 કર્મચારીઓ દાગીના લઇને માર્કેટિંગ માટે વડોદરા આવ્યા હતા. અને વડોદરા શહેરના જ્વેલર્સના સંપર્કમાં હતા. આ સમયે તેઓ છાણી સર્કલ પાસે ચા-નાસ્તો કરવા માટે ઉભા હતા. ત્યારે બે અજાણ્યા બાઇક સવાર ત્યાં આવી ચડ્યા હતા અને એક શખસે કારનો કાચ તોડીને કાળા કલરની બેગની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. બેગમાં 4 કિલો સોનાના દાગીના હતા. જેની કિંમત 2 કરોડથી વધુ થાય છે. આટલી મોટી માત્રામાં સોનાના દાગીનાની ચોરી થતાં વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારિયો ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ સમગ્ર ઘટના આજે સવારે 11 વાગ્યાની આસપાસ બની બતી. જોકે, પાંચ કલાક બાદ પોલીસને જાણ કરવામાં આવતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. વેપારીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

(8:42 pm IST)