રાજકોટ
News of Sunday, 18th October 2020

રાજકોટ સહિત ચારેય મહાનગરોમાં પૂરતો ફાયર સ્ટાફ નથીઃ રાજકોટમાં ૩૧ % જગ્યાઓ ખાલી પડી છે

રાજકોટઃ ગુજરાતના ચારેય મહાનગરો પાસે પૂરતો ફાયર સેફ્ટી સ્ટાફ ન હોવાની રજૂઆત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. રાજયભરમાં ફાયર સેફ્ટીના યોગ્ય અમલીકરણ માટે થયેલી જાહેર હિતની રિટમાં કોર્ટ સમક્ષ આ વિગતો મૂકવામાં આવી છે. હાલ રાજકોટના ફાયર બ્રિગેડમાં ૩૧, વડોદરામાં ૨૯, અમદાવાદમાં ૨૭ અને સુરતમાં છ ટકા જગ્યાઓ ખાલી છે.

રાજકોટના ફાયર વિભાગમાં ૩૧, વડોદરામાં ૨૯, અમદાવાદમાં ૨૭ અને સુરતમાં ૬ ટકા જગ્યા ખાલી

અગાઉની સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી દાવો કરાયો હતો કે અત્યારે અમદાવાદનું ફાયર બ્રિગેડ દેશના શ્રેષ્ઠ ફાયર બ્રિગેડ પૈકીનું એક છે. જેમાં અરજદાર દ્વારા કોર્ટ સમક્ષ વિગતો રાખવામાં આવી હતી કે અમદાવાદના ફાયર વિભાગમાં મંજૂર થયેલી ૬૭૦ જગ્યાઓ પૈકી ૧૮૨ જગ્યાઓ હજુ ખાલી છે. બીજી તરફ રાજકોટમાં મંજૂર થયેલી ૨૨૮ જગ્યામાંથી ૭૧ જગ્યાઓ ખાલી છે.

વડોદરામાં મંજૂર થયેલી ૩૩૨ જગ્યાઓ પૈકી ૯૮ જગ્યાઓ ખાલી છે અને સુરતમાં મંજૂર થયેલી ૯૯૧ જગ્યાઓ પૈકી ૬૮ જગ્યાઓ હજુ પણ ખાલી છે.

અરજદાર દ્વારા રજૂઆત કરાઇ છે કે ફાયર વિભાગમાં પૂરતી નિમણૂકો કરવા માટે સરકાર રસ દાખવી રહી નથી. કેસની વધુ સુનાવણી ૨૧મી ઓકટોબરના રોજ નિયત કરવામાં આવી છે.

(11:42 am IST)