રાજકોટ
News of Monday, 18th October 2021

ભકિતધામ સોસાયટીમાં જેનીશા ભંડેરીને પતિ તરૂણે હાથ બાંધીને બેફામ ફટકારી

છ મહિના પહેલા જ મુળ ધ્રોલ હરિપરના તરૂણ સાથે બીજા લગ્ન કર્યા છેઃ તરૂણનું આ ત્રીજુ ઘરઃ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ મહિલા પોલીસ સ્ટેશનમાં જાણ કરી દિકરી પર ભયંકર ત્રાસ ગુજારાયાનો પિતા હરેશભાઇ દુધાગરાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૮: મવડી ઓમનગર સર્કલ પાસે ભકિતધામ સોસાયટીમાં રહેતી જેનીશા તરૂણ ભંડેરી (ઉ.વ.૨૩) નામની પરિણીતાને તેના પતિ તરૂણ નાથાભાઇ ભંડેરીએ તા. ૧૬/૧૦ના સવારે બેફામ માર મારતાં ગઇકાલે તેણીને પિતા મવડી લાભદિપ સોસાયટી-૬માં રહેતાં હરેશભાઇ નાગજીભાઇ દૂધાગરા અને માતા કિરણબેને સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

જેનીશાના પિતા હરેશભાઇ દુધાગરાએ કહ્યું હતું કે મારી દિકરીના પ્રથમ લગ્ન તૂટી ગયા બાદ છ મહિના પહેલા પરિચીત મારફત મુળ ધ્રોલ હરિપરના તરૂણ ભંડેરી સાથે તેણીના બીજા લગ્ન કરાવ્યા છે. તરૂણનું પોતાનું આ ત્રીજુ ઘર છે. તે સબ મર્શીબલનું કામ કરે છે. તેને આગલા ઘરનો એક પુત્ર છે. ગઇકાલે હું અને મારા પત્નિ જામનગરથી આવતાં હોઇ રસ્તામાં દિકરીનું સાસરુ હોઇ બે દિવસથી તેનો ફોન ન આવ્યો હોઇ ખબર પુછવા જતાં અમે ચોંકી ગયા હતાં. દિકરીએ પોતાના ગાલ તથા શરીરના અનેક ભાગોમાં ચાંભા દેખાડ્યા હતાં. પોતાને પતિએ ૧૬મીએ સવારે બંને હાથ પાછળની સાઇડ બાંધી દઇ બેફામ માર માર્યો હોવાનું તેણીએ કહ્યું હતું. પતિએ મોબાઇલ ફોન ફટકારી, તેમજ લાફા મારી ઇજા કર્યાનું કહ્યું હતું.

જેનીશાબેને આક્ષેપો સાથે કહ્યું હતું કે ૧૫મીએ રાતે શેરીમાં ગરબી જોવા પતિને પુછીને ગઇ હતી. રાતે ગરબી જોઇને આવ્યા બાદ પતિએ ભેગા સુઇ જવાનું કહેતાં પોતે થાકી ગઇ હોઇ ના કહેતાં માથાકુટ થઇ હતી અને બાદમાં બીજા દિવસે સવારે બાંધીને બેફામ માર માર્યો હતો. ગત સાંજે અમે સારવાર લીધા બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા પણ ગયા હતાં. પરંતુ ત્યાં પાકી ફરિયાદ નોંધવામાં આવી નહોતી. તેવો આક્ષેપ જેનીશાબેને કર્યો હતો. 

(3:57 pm IST)