રાજકોટ
News of Thursday, 18th November 2021

કોરોના સંક્રમણ વધ્યુ : પોઝિટિવીટી રેટ ૨.૯૩% તંત્ર આકરા નિર્ણયો લેવા તૈયાર

ગઇકાલે સાંજે વિમલનગર વિસ્તારમાં એક જ પરિવારનાં ત્રણ સભ્યો અને લોધાવાડ ચોક વિસ્તારનાં એક વ્યકિત સહિત ૪ પોઝિટિવ : આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય કેસ નોંધાયો નથી : હાલ ૧૭ દર્દી સારવારમાં

રાજકોટ,તા.૧૭:શહેરમાં છેલ્લા ત્રણ દિવસનાં વિરામ બાદ ગઇકાલે કોરોનાના ૪ કેસ નોંધાતા હાલ ૧૭ દર્દીઓ સારવારમાં છે. શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાના શુન્ય કેસ નોંધાયા છે. દરમિયાન છેલ્લા બે અઠવાડિયામાં શહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધ્યું હોવાનું નોંધાયું છે કેમકે પોઝિટિવિટી રેટ ૨ આસપાસ રહેતો હતો જે હવે ૨.૯૩% સુધી પહોંચતા મ.ન.પા. તંત્ર કોવિડ ગાઇડલાઇન બાબતે આકરા નિર્ણયો લેવા વિચારી રહ્યું છે.

બપોર સુધીમાં કોરોનાનો '૦' કેસ

 આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૬૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૮૬  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૧૮૬૬ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૨૧ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૪,૬૪,૦૨૧ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૬૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૯૩ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૮૯ ટકા એ પહોંચ્યો છે. હાલ ૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે.

ગઇકાલે કોરોનાના ૪ કેસ નોંધાયા

આ અંગે મનપાના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઇકાલ સાંજે ૪ કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ દિવસનાં વિરામબાદ આજે સાંજે વિમલનગર વિસ્તારમાં એક જ પરિવારનાં એક પુરૂષ અને બે મહિલાઓ તથા ગોંડલ રોડ પરનાં લોધાવાડ ચોક વિસ્તારનાં એક પુરૂષ કોરોના સંક્રમિત થતા મ.ન.પા.નાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. ચારેય દર્દીઓએ વેકસીનનાં બન્ને ડોઝ લીધા છે તેમજ તેઓ ઘરે સારવાર લઇ રહ્યા છે.

(3:56 pm IST)