રાજકોટ
News of Thursday, 18th November 2021

સ્વ.બાબા સાહેબ પુરંદરજી સર્જીત મહાનાયક 'જાણતા રાજા': રાજકોટમાં સફળ પાંચ પ્રયોગો

રાજકોટઃ છત્રપતિ શિવાજીને પોતાના લોહીના અણુએ અણુમાં આત્મસાત કરી અને તેમના મર્દાના વ્યકિતત્વને ''રાષ્ટ્રિય નાટક'' સ્વરૂપેનું ''જાણતા રાજા'' નાટક સર્જી, ભારતભરમાં ૨૫-૨૫ વર્ષ સુધી રજુ કરનાર બાબા સાહેબ પુરંદરજીનું તાજેતરમાં ૯૯ વર્ષની દીર્ઘ આયુએ અવસાન થયું.

હાડોહાડ દેશભકત, ઈતિહાસકાર અને નામધારી લેખક તો તેઓ હતાં જ, પરંતુ એટલા જ આલા દરજજાના નાટયકાર પણ હતાં. પોતાનામાં રહેલી આ નાટ્ય કલા તેઓએ ભારોભાર પ્રગટ કરી, પ્રકાશ અને ધ્વનિના ભવ્યાતિ હિન્દી તથા મરાઠી મહાનાટક ''જાણતા રાજા''ના સર્જનમાં  જેમાં તેઓએ પોતાની કલમ, દિગ્દર્શન અને નિર્માણ દ્વારા તેને પ્રિય એવા ઐતિહાસીક ભારતના હૃદય સમ્રાટ શિવાજી મહારાજને કેન્દ્ર સ્થાને રાખી તેના જીવનના અગત્યના પ્રસંગો, તેમજ તેની કૂટ નીતિજ્ઞતા, જાગરૂકતા, સાહસિકતા તથા ચપળતાના ગુણો ઉજાગર કરવામાં આવ્યા હતા.

૧૪ વર્ષ પૂર્વે ૨૦૦૭ના મે મહિનામાં રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં બનાવાયેલ વિશાળ તખ્તે સતત પાંચ- પાંચ રાત્રીઓએ તે દર્શાવાયું હતું. જેનું આયોજન ભૂલાતું ન હોય તો રાજકોટ કોર્પોરેશને કર્યું હતું.

આજથી ૪૦ વર્ષ પૂર્વે નાટકને ધ્વનિ મુદ્રિત કરી, તેને અનુરૂપ લીપ તથા બોડીલેન્ગવેજ સાથેનું કલાકારો પાસે અભિનય નિરૂપણ કરાવવી નાટક રજુ કરવું એ એક પ્રકારે ક્રાંતિકારી પગલું ગણાવવું જોઈએ. સ્થાનિક રાજય કે રાષ્ટ્રિય આશ્રિત એવા આ ધ્વનિ મુદ્રીત સ્વર અભિનય પર આંગિક અને આહૈયિક અભિનીત જાણતા  રાજા નાટકના શરૂથી અંત સુધી નાટકનો દોર કથાનક- સૂત્રધારના પાત્રએ સંભાળ્યો હતો.

કોઈ કોઈ બાદ કરતા નાટકમાં શિવાજીથી લઈ ઔરંગઝેબ, ઈશ્તાક ખાન, માતા જીજાબાઈ, અફઝલખાન તથા સૂત્રધાર અને જોહર વિ.કિરદારોના તમામ કલાકારોએ ધ્વનિ મુદ્રિત સ્વર અભિનયમાં આરપાર ઉતરી આંગિક અભિનયથી પાત્રોને સહ જ ઉપસાવ્યાનું અનુભવાયું હતું. દરેક દ્રષ્ય પરિવર્તનમાં રીવલ્વીંગ સેટ ટેકનીક સતત બદલાતા સનીવેષ દ્રષ્યો, રંગ-વેશભુષા અને પ્રકાશ આયોજન આ બધું ઠીકઠાક પાશ્વ સંગીતમાં ગાયકી મરાઠી સુગમ તથા શાસ્ત્રી સંગીતનો વિશેષ અને પ્રભાવક ઉપયોગ હોવા છતાં, સંકલનની સાંકળ સરસ સંધાઈ.

રાજકોટના પ્રયોગો વખતે નાટકના ક્રાઉડ ગ્રુપ સીન તથા કોઈ કોઈ લધુ ભૂમિકાઓ માટે થોડા- ઘણાં બાળ તથા વયસ્ક સ્થાનિક કલાકારોની સેવા લેવામાં આવી હતી. જેમાં શિવલાલ સૂચક તથા ભરત વ્યાસ જેવા પીઢ કલાકારોએ પણ ભાગ લીધાનું યાદ છે.

એક લેખક તરીકે બાબા સાહેબની લેખિનીનો પ્રિય વિષય જ શિવાજી હતા. તેના પર તેમણે પુસ્તકો પણ લખ્યા હોઈ તે શિવાજી વિશેષજ્ઞ કહેવાતા. એ વિશેષજ્ઞતા પણ એમણે સાબિત કરી બતાવી જાણતા રાજા જેવાં મહાકાય રાષ્ટ્રીયમ નાટકની લેખીનીથી. એટલું જ નહિ તેના નાટય સર્જનથી એમણે પોતાને રંગકર્મ વિશેષજ્ઞનો પણ પરિચય આપી દીધો. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિએ જીવન જીવનાર ભારત સરકારના પદ્મ વભૂષણથી અલંકૃત ''જાણતા રાજા''નાટકના આત્મા અને પ્રેરણા બળ બાબા સાહેબ પુરંદરજીની શિવાજી ભકિત માટે શત્ શત્ નમન... શત્ શત્ નમન... (૩૦.૭)

સંકલનઃ કૌશિક સિંધવ, મો.૭૩૫૯૩ ૨૬૦૫૧

(2:50 pm IST)