રાજકોટ
News of Friday, 19th February 2021

એન્ટી લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ ગુનો નોંધતી ભકિતનગર પોલીસ

૮૧ વર્ષના અરવિંદભાઇ મહેતાનું મરણમુડી સમાન મકાન બે સગી ભાણેજે પચાવ્યું: માથે જતાં ધમકી

ગેલેકસી એપાર્ટમેન્ટમાં રહેતાં વૃધ્ધે આફિક્રાથી આવેલા વિધવા બહેનને માનવતાના ધોરણે વાણીયાવાડીનું મકાન રહેવા આપેલુઃ બહેનના અવસાન પછી તેની બે દિકરીઓ હીના અને અમિતાએ કબ્જો જમાવી લીધાનો આરોપ

રાજકોટ તા. ૧૯: એન્ટી લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ રાજકોટ શહેર પોલીસમાં વધુ એક ગુનો નોંધાયો છે. ગેલેકસી સિનેમા પાસે ગેલેકસી એપાર્ટમેન્ટમાં સાતમા માળે બ્લોક નં. ૭૧માં રહેતાં અને નિવૃત જીવન ગાળતાં ૮૧ વર્ષના અરવિંદભાઇ ન્યાલચંદભાઇ મહેતા (જૈન વણિક)નું વાણીયાવાડીમાં આવેલુ મરણમુડી સમાન રૂ. ૨૨ લાખના મકાનમાં તેની જ સગી બે ભાણેજે કબ્જો જમાવી તાળુ મારી દઇ તેમજ આ મકાનનો દસ્તાવેજ કરી આપવા દબાણ કરી અવાર-ન્વાર મારી નાંખવાની ધમકી આપતાં ભકિતનગર પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના નવા કાયદાની કલમ ૩, ૪ (૧), ૪ (૩), આઇપીસી ૫૦૬ (૨), ૧૧૪ મુજબ અરવિંદભાઇ મહેતાની ફરિયાદ પરથી હાલ નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગરમાં બહેનને ત્યાં રહેતી મુંબઇની હીનાબેન દિપકભાઇ છનીયારા તથા અમદાવાદ શ્યામલ ચાર રસ્તા સાગર એપાર્ટમેન્ટ ત્રીજો માળ એ-૧/૧૩ ખાતે રહેતી અમિતાબેન શૈલેષભાઇ પારેખ સામે ગુનો નોંધ્યો છે. આ બંને તેમની સગી ભાણેજ થાય છે.

ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે અમે સાત બહેનો અને ત્રણ ભાઇઓ છીએ. હું પહેલા ગરેડીયા કુવા રોડ પર પૂજારા બ્રધર્સ મકાનમાં બોલ બેરીંગ અને મશીનરીની દૂકાને બેસી વેપાર કરતો હતો. હાલ નિવૃત જીવન જીવુ છું. વાણીયાવાડી-૨માં મારું બીજુ એક મકાન છે, જેની હાલની કિંમત ૨૨ લાખ જેવી થાય છે. આ મકાન મેં લીલાધરભાઇ ગોરધનભાઇ પાસેથી ૧૯/૭/૬૭ના રોજ ખરીદ કર્યુ હતું. ત્યારે હું પિતાશ્રી સાથે અહિ રહેતો હતો. વાણીયાવાડીનું મકાન ખાલી હતું. હાલ આ મકાન ખાલી પડ્યું હતું. ૧૯૬૪માં મારા બનેવી અનિલભાઇ મહેતા જેઓ આફ્રિકામાં રહેતાં હતાં તેઓનું અવસાન થતાં મારા બહેન મંજુબેન અને તેમની ત્રણ દિકરીઓ તથા બે દિકરા રાજકોટ આવ્યા હતાં. તેમને આશરો મળી શકે તેમ ન હોઇ આઠ દસ વર્ષ સુધી મારા બહેન તેમના બાળકો સાથે મારા પિતાશ્રીના પ્રહલાદ પ્લોટના મકાનમાં રહેતાં હતાં.

એ પછી ૧૯૭૩-૭૪માં મારા પિતાશ્રીએ કહેલુ કે પ્રહલાદ પ્લોટના મકાનમાં બધાનો સમાવેશ થતો નથી, તારું વાણીયાવાડીનું મકાન માનવતાના ધોરણે બહેનને વાપરવા આપ. જેથી મેં તેમને તેઓ રઝળી ન પડે તે માટે આ મકાન વાપરવા આપ્યું હતું. તેના ચાર-પાંચ વર્ષ બાદ તેમનું અવસાન થયું હતું. એ પછી મારા ભાણેજો ચેતન, મિલન, કલ્પના, અમિતા, હીના એમ પાંચેય આ મકાનમાં રહેતાં હતાં. મિલન સિવાય બીજા ભાણેજોના લગ્ન થઇ ગયા હતાં. મિલનના લગ્ન ન થયા હોઇ તે વાણીયાવાડીના મારા મકાનમાં એકલો રહેતો હતો. ગત તા. ૪-૦૨-૨૦૨૦ના રોજ ભાણેજ મિલનનું અવસાન થતાં તેમની અંતિમક્રિયા આ મકાને જ થઇ હતી. વિધી પુર્ણ થયા બાદ મારી ભાણેજ હીના અને અમિતા બંનેએ મળી મારા મકાનને તાળા મારી દીધા હતાં અને ચાવીઓ આપી નહોતી. અમિતા અમદાવાદ જતી રહી હતી અને હીના શાસ્ત્રીનગરમાં બહેન  કલ્પનાને ત્યાં જતી રહી હતી.

એ પછી મેં ચાવી માંગતા બંને ભાણેજોએ 'તમને ચાવી આપવાની નથી, મકાન તમે ભુલી જાવ અને અમને દસ્તાવેજ કરી દો, નહિ કરી દો તો સારાવટ નહિ રહે' તેમ કહી ધમકી દીધી હતી. વારંવાર ફોન કરીને ટાટીયા ભાંગી નાંખવાની ધમકીઓ પણ મને આપી છે. જુન-૨૦૨૦માં ચોકીદારની હાજરીમાં મને હીનાએ ધમકી આપી હતી કે  વાણીયાવાડીના મકાનમાં પગ મુકી જોવો તો ખબર પાડી દઇશ. અમે પતિ-પત્નિ એકલા રહેતાં હોઇ પોલીસ કમિશનરને અરજી કરી હતી. ભાણેજોએ મારું મરણમુડી સમાન મકાન પચાવી પાડી તેના પર બીજા બોર્ડ લગાવી દીધા હોઇ અંતે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં અરવિંદભાઇ મહેતાએ જણાવતાં પીઆઇ જે. ડી. ઝાલા, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)