સોમવારે મનપાનું જનરલ બોર્ડઃ ૧૮૦ દિ' માટે ડે.મેયર ની થશે નિમણુંક
વડોદરામાં મેયરની પસંદગી થતા રાજકોટમાં પણ નવા પદાધિકારીની નિમણુંકની શકયતાઃ ભાજપના ૧૧ અને કોંગ્રેસના ૧ સહિત કુલ ૧ર કોર્પોરેટરોએ સામાન્ય સભામાં રપ પ્રશ્નો મુકયાઃ નામકરણ સહિતની પાંચ દરખાસ્તો અંગે થશે નિર્ણય

રાજકોટ તા. ૧૮ : મ્યુનિ. કોર્પોરેશનની આગામી સામાન્ય સભા તા.૨૦ માર્ચના સોમવારે બોલાવવા માટે મેયર ડો.પ્રદીપ ડવે તા. ૧૦ માર્ચના એજન્ડા બહાર પાડયો હતો. એજન્ડા પર માત્ર પાંચ દરખાસ્ત છે પરંતુ ડે. મેયરની ખાલી પડેલી જગ્યા પર આ સભામાં નવા પદાધિકારીની નિમણુંક થઈ જાય તેવી પૂરી શકયતા છે. બોર્ડનો એજન્ડા બહાર પડતા ૧૨ કોર્પોરેટરોએ ૨૫ પ્રશ્નો રજૂ કરતા પ્રથમ ક્રમે ભાજપના સભ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઇ પટેલનો પ્રશ્ન છે.
મનપાનું આગામી ૨૦મીના સોમવારે જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્યે સ્વ. રમેશભાઇ છાંયા સભાગૃહમાં મેયર પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને યોજાશે. આ બોર્ડમાં વોર્ડનં.૧૪ના કોર્પોરેટર કેતન પટેલના શહેરમાં હાલ કેટલી ટી.પી. સ્કીમો મંજુર થયેલ છે? કેટલી ટી.પી. સ્કીમો બનાવવાની કામગીરી ચાલુ છે? ફુડ શાખા દ્વારા છેલ્લા એક વર્ષમાં કેટલી વખત પેકડ પાણીની બોટલના સેમ્પલ લેવામાં આવેલ છે તે પ્રશ્નથી ચર્ચાનો પ્રારંભ થશે.
જ્યારે બીજા ક્રમાંકે વોર્ડનં.૫ ના કોર્પોરેટર ડો. હાર્દિક ગોહિલે હાલ વ્યવસાયવેરા વ્યાજમાફી યોજનાનો કેટલા વ્યવસાયીઓએ લાભ લીધેલ છે ? મનપાને આ યોજના અંતર્ગત કેટલી આવક થયેલ છે? ફુડ શાખા દ્વારા છેલ્લા ૬ માસમાં મીઠાઇ અને ફરસાણાના લેવાયેલ કેટલા સેમ્પલો અમાન્ય થયેલ છે? શું કાર્યવાહી કરવામાં આવી સહિતની વિગતવાર માહિતી આપવી.
જ્યારે ત્રીજો પ્રશ્ન વોર્ડનં.૬ના કોર્પોરેટર ભાવેશ દેથરીયાએ મનપા દ્વારા કઇ-કઇ સ્કીમ હેઠળ કુલ કેટલા આવાસો બનાવેલ છે અને ક્યા-ક્યા વોર્ડમાં કઇ-કઇ જગ્યાએ હોર્કસ ઝોન આવેલ છે.
દરમિયાન વિપક્ષી નેતા અને વોર્ડનં.૧૫ના કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ મિલ્કત વેરાનો ચાલુ વર્ષનો ટાર્ગેટ કેટલો? કેટલે પહોંચ્યા? ત્રવર્ષથી વધુ હોય તેવું બાકી કુલ લેણું કેટલુ? કેટલા લોકો પાસે? સરકારી ખાતાઓ, કંપનીઓ, મોબાઇલ ટાવર કંપની સહિતના મોટા બાકીદારો કેટલા? મિલ્કતના પ્રકાર વાઇઝ અને વોર્ડ તેમજ બ્લોક વાઇઝ વિગતો આપવી. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ શરૂ થયાની અતયાર સુધીમાં જે પણ પ્રોજેક્ટ મુકાયા હોય તેમાંથી મંજૂર કેટલા થયા અને કેટલા પ્રોજેક્ટ પડતા મૂકાયા તેની વિસ્તૃત વિગતો આપવી.હાલ સ્માર્ટસીટી હેઠળ કેટલું ફંડ છે? તથા પીવાના પાણીના વિવિધ પ્રશ્નો રજુ કર્યા છે.
પાંચ દરખાસ્ત
આગામી સોવારે મળનાર જનરલ બોર્ડમાં વાવડીમાં કબ્રસ્તાનની અગાઉથી પેન્ડીંગ રહેલી દરખાસ્ત તથ શહેરના વોર્ડ નં. ૭ પંચનાથ પ્લોટ, સદરમાં આવોેલા જંન ઉપાશ્રયવાળા માર્ગને ‘પૂ. ગુલાબબાઇ મહાસતીજી' તથા વોર્ડ નં. ૧૮માં રેલોક્ષ રોડ પર મુરલીધર પાર્ક પાસે આવેલા ચોકને ‘સરદાર ચોક' નામકરણ કરવા સહિતની પાંચ દરખાસ્તો અંગે વિશે નિર્ણય થશે.