રાજકોટ
News of Saturday, 19th June 2021

પૂરવઠા તકેદારી બેઠકમાં જોડાતા ભૂપત બોદર : દિવ્યાંગો, વૃધ્ધો, શ્રમિકો વગેરેના લાભ માટે સમીક્ષા

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા વિડીયો કોન્ફરન્સમાં સૂચનો

રાજકોટ તા.૧૯ : જિલ્લા પંચાયત પ્રમુખ અને તકેદારી સમિતિના સભ્ય ભૂપતભાઇ બોદરની યાદીમાં જણાવે છે કે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની અધ્યક્ષતામાં યોજાયેલ તકેદારી સમિતિની બેઠકમાં ભુપતભાઇ બોદરે કાર્યોને ઝડપથી ઉકેલવા સંબંધીત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત રાજયકક્ષાની તકેદારી સમિતીની બેઠક મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલ હતી. જેમાં રાજકોટથી તકેદારી સમિતિના સભ્ય ભૂપતભાઇ બોદર (રાજકોટ જિ.પં.પ્રમુખ) તેમજ પુરવઠા અધિકારી પુજાબેન બાવળા, કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જોડાયેલા હતા.

બેઠકનો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કરાયેલ વિતરણની કામગીરીની જાણકારી આપેલ હતી. એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓનુ વિતરણ અંતર્ગૃત મળેલ ફરીયાદોનુ નિવારણ, બાકી ફરીયાદોની જિલ્લાવાર પરિસ્થિતિ   તેમજ વ્યાજબી ભાવની દુકાનોની તથા કુલ તપાસોના પત્રકોની સમીક્ષા કરેલ હતી.

આ ઉપરાંત વ્યાજબી ભાવની દુકાનના નવા પરવાના મંજુર તથા રીન્યુ કરવા, ચાર્જમાં ચાલતી દુકાનો માટે નવા જાહેરનામા બહાર પાડવા તેમજ જિલ્લાવાર બંધ પડેલ દુકાનોને પુનઃ ચાલુ કરવા બાબતોની પણ સમીક્ષા કરવામાં આવી. વર્ષ ૨૦૨૦-૨૦૨૧ દરમિયાન રાજયના એનએફએસએ કાર્ડ ધારકોની ૧ કિલો તુવેરદાળ યોજના તેમજ રાજય સરકાર દ્વારા તમામ એનએફએસએ કાર્ડ ધારકોને વર્ષમાં ર વખત જન્માષ્ટમી તથા દિપાવલીના તહેવારો દરમિયાન ૧ લીટર તેલના વિતરણની જાણકારી અપાઇ અને સમીક્ષા કરાઇ. આ ઉપરાંત એનએફએસએ કાર્ડ ધારકોના પરિવારના ભાગલા પડે ત્યારે નવુ એનએફએસએ કાર્ડ જ મળે અને આ કાર્ડનો લાભ ૧) દિવ્યાંગો (ર) ગંગાસ્વરૃપ બહેનો (૩) વૃધ્ધા પેન્શનરો તથા (૪) બાંધકામ શ્રમિકોને પણ મળી શકે તે માટે યોગ્ય કરવા સમીક્ષા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇની ક્રાંતીકારી યોજના વન નેશન વન રેશનકાર્ડ યોજના અંતર્ગત કોઇપણ રેશનકાર્ડ ધારક સમગ્ર રાજયમાં પોતાના અંગુઠાની છાપની ઓળખનો ઉપયોગ કરી રાશન મેળવી શકશે જેનો મુખ્ય ફાયદો શ્રમિક કામદારો (માઇગ્રન્ટ લેબર) અને જયા લઘુઉદ્યોગો છે. વ્યાજબી ભાવની દુકાનો અંગે તેમજ અન્ય તમામ બાબતો જેવી કે રીન્યુઅલ વગેરે ઓનલાઇન જ કરવા અંગેની સમીક્ષા કરાઇ જેથી પારદર્શકતા સાથે અરજદારને પણ પોતાની અરજીના સ્ટેટસનો ખ્યાલ આવે. કોરોના કાળમાં અવસાન પામેલ વ્યાજબી ભાવના દુકાનદારના વારસાઇ નોંધણી કામગીરી તેમજ સરકાર દ્વારા કોરોના વોરીયર અંગેની જાહેર કરેલ રપ લાખની સહાય તાકિદથી પુર્ણ કરવા જયેશભાઇ રાદડીયાએ સુચના આપેલ હતી અને પ્રમુખ ભુપતભાઇ બોદરે પણ કાર્યોની ઝડપથી આગળ વધારવા માટે સબંધીત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

(12:11 pm IST)