રાજકોટ
News of Wednesday, 19th August 2020

ભકિતનગર સોસાયટીમાં ઉષાબા જાડેજાના મકાનમાં ૫૦ હજારની ચોરી

ઉષાબા ગાંધીધામ ગયા'તાઃ સાથે રહેતાં પોસ્ટમેન ભત્રીજા અર્જુનદેવ ઝાલાએ ફરિયાદ નોંધાવીઃ ૧૧મીથી તેઓ પણ મકાનને તાળા મારી વતન ગયા'તા

રાજકોટ તા. ૧૯: ભકિતનગર સોસાયટીમાં સાત દિવસ બંધ રહેલા પરિવારના મકાનના તાળા તોડી તસ્કરો અડધા લાખની મત્તા ચોરી ગયા છે. બનાવ અંગે પોલીસે ભકિતનગર સોસાયટી સોમનાથ સદન ખાતે રહેતાં અને  મુખ્ય પોસ્ટ ઓફિસમાં દસ વર્ષથી પોસ્ટમેન તરીકે ફરજ બજાવતાં અર્જુનદેવ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.

અર્જુનદેવ ઝાલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે પત્નિ ભાવીશાબા તથા ફઇ ઉષાબા રાજેન્દ્રસિંહ જાડેજા સાથે રહે છે. ફઇના દિકરા અપુર્વસિંહ ગાંધીધામ કચ્છ રહે છે. તેમજ બીજા સત્યેનસિંહ જાડેજા મુંબઇ રહે છે. પોતે દસ વર્ષથી ફઇબા સાથે રહે છે. હાલમાં બે માસથી ફઇબા ગાંધીધામ મોટા દિકરા અપુર્વસિંહના ઘરે ગાંધીધામ ગયા છે. પોતે અને પત્નિ ભાવીશાબા સાતમ-આઠમના તહેવાર પર ૧૧/૮ના રોજ ઘરેથી નીકળી વતન ધ્રાંગધ્રા ગયા હતાં. ૧૭મીએ ઘરે આવ્યા ત્યારે તાળા ખોલી ઘરમાં જતાં મુખ્ય હોલની બાજુમાં ઓસરીનો કબાટ ખુલ્લો દેખાયો હતો અને બધુ વેરવિખેર જોવા મળ્યું હતું.

ફઇબાના રૂમમાં જોતાં તેમાં પણ કબાટના દરવાજા તોડેલા દેખાયા હતાં. બીજા ત્રણ કબાટ પણ ખુલ્લા હતાં. ચોરી થયાની ખબર પડતાં અર્જુનદેવએ ફઇબાના દિકરાને ફોન કરી જાણ કરી હતી. તપાસ કરતાં ઘરમાંથી ચાંદીના પાનદાની, ટી સેટ, ધાર્મિક ફોટાવાળા ચાંદીના સિક્કાઓ, રોકડા રૂ. ૫ હજાર, બીજી ચાંદીની વસ્તુઓ અને સિક્કાઓ મળી દોઢ કિલોનું ચાંદી રૂ. ૪૫ હજારનું ચોરાઇ ગયાનું માલુમ પડ્યું હતું.

તસ્કરો સાત દિવસ બંધ રહેલા મકાનના તાળા તોડી કુલ રૂ. ૫૦ હજારની મત્તા ચોરી ગયા હતાં. પીએસઆઇ આર. જે. કામળીયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:09 pm IST)