રાજકોટ
News of Wednesday, 19th August 2020

પ્રભુ મહાવીરના માત્ર ત્યાગને નહીં, એમની પ્રજ્ઞાને જગત સામે મૂકીએ : પૂ.નમ્રમૂનિ મ.સા.

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવના સાંનિધ્યે ભાવિકો ભગવાન મહાવીર જન્મોત્સવના ભકિતભીના વધારણા કરી ધન્ય બન્યા : ૧૪ મહાસ્વપ્નની દિવ્યવણઝારના દર્શન સાથે 'વીર ઝૂલે ત્રિશુલા ઝૂલાવે'નું ગુંજન

રાજકોટ,તા. ૧૮: ભગવાન મહાવીરને માત્ર ત્યાગી, સહનશીલ કે વૈરાગી પુરૂષ તરીકે જ ન ઓળખીને એમને પરમજ્ઞાની અને પરમ પ્રજ્ઞા પુરૂષ સ્વરૂપે જગત સામે મૂકીએ. વિશ્વભરના પ્રભુપ્રેમીઓને આ સંદેશ આપીને રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે ભગવાન મહાવીર જન્મોત્સવના અત્યંત ભકિતભીના વધામણા કરાવી સહુને પ્રભુપ્રેમમાં ઝબોળી દીધાં હતાં.

ભગવાન મહાવીર જન્મોત્સવના ઓનલાઇન કાર્યક્રમમાં સમગ્ર ભારતના ૧૦૮ થી વધુ શ્રી સ્થાનકવાસી જૈન સંઘો તેમજ દેશ-વિદેશના હજારો ભાવિકોએ જોડાઈને અંતરથી 'ત્રિશલા નંદન વીર કી, જય બોલો મહાવીર કી' નો નાદ ગૂંજવી દીધો હતો.

આ અવસરે પરમ ગુરૂદેવે જણાવ્યું હતું કે, આજે આપણે સહુએ પ્રભુ પરિવારમાં મળી જવા, પ્રભુ પરિવારમાં ભળી જવા એ દિવ્યાત્માનો જન્મોત્સવ ઉજવવાનો છે. એક પરિવારમાં જયારે કોઈ શિશુનો જન્મ થાય છે ત્યારે ગણત્રીના પરિવારમાં આનંદ છવાઈ જતો હોય છે પરંતુ જેણે આખા જગતનેપરમ જ્ઞાનઙ્ગ અને પરમ જયોતિ આપવા માટે જન્મ ધારણ કર્યો એવા પ્રભુનો જન્મોત્સવ માત્ર થોડાંક પરિવારો માટે નહીં પરંતુ જગત આખાને આનંદની અનુભૂતિ કરાવી જાય છે.

સાડાબાર વર્ષોની કઠિનતમ સાધના કરીને જેમણે જગતનું પરમ સત્ય પ્રગટ કર્યું એવા પ્રભુ મહાવીરને આજ સુધી આપણે માત્ર ત્યાગી મહાવીર, વૈરાગી મહાવીર, સહનશીલ મહાવીર તરીકે જ ઓળખ્યાં છે અને જગતને પણ પ્રભુની આવી જ ઓળખ આપી છે પરંતુ આપણે કદી પ્રભુના અગાધ જ્ઞાનને, પ્રભુની પરમ પ્રજ્ઞાને લક્ષમાં લીધી જ નથી. પ્રભુને આપણે કદી પરમ પ્રજ્ઞા પુરૂષ તરીકે ઓળખ્યાં જ નથી. આજના વૈજ્ઞાનિકો જે રહસ્યોને પ્રગટ કરવા લાખો - કરોડના ખર્ચે લેબોરેટરી માં પ્રયોગો કરે છે એવા જગતના અનેક સત્ય પ્રભુ મહાવીરે વિના કોઈ લેબોરેટરી એ પોતાની પ્રજ્ઞા દ્વારાઙ્ગ સેંકડો વર્ષ પહેલાં પ્રગટ કરી દીધાં છે.આંખ જતી રહે તેમ છતાં દાંતથી પણ જોઈ શકાય એવી સંભિન્ન સ્ત્રોત લબ્ધિનું સત્ય, માટી પણ જીવ છે, માટે જ તો પર્વતો પણ વૃદ્ઘિ પામતાં હોય છે, મુખમાંથી નીકળતાં શબ્દો સેકન્ડના લાખમાં ભાગમાં આખા યુનિવર્સમાં ફેલાઈને હજારો વર્ષો સુધી સચવાઈ જતાં હોય છે, આખું બ્રહ્માંડ એક બિંદુમાં સમાઈ શકે, ઉપવાસની આરાધના કેન્સર જેવા રોગોને પણ નાબુદ કરવામાં સહાયક બને છે, પરમાણુ અવિભાજય હોય છે, એને બે ભાગમાં વહેંચી નથી શકાતું, કોઈપણ પરમાણુ એક જ સ્થિતિમાં કાયમ નથી રહી શકતું માટે જ આજનું ગટરનું પાણી શુદ્ઘિકરણ કરીને પીવાલાયક પાણી પણ બની શકે છે. અને આપણી માનસિકતા જ આપણી શારીરિક બીમારીનું કારણ હોય છે એવા અનેક અનેક જગતના પરમ સત્ય અને તથ્યને જયારે આજનું વિજ્ઞાન લાખો-કરોડોના ખર્ચે સાબિત કરી રહ્યું છે જેને પ્રભુએ ૨૬૦૦ વર્ષ પહેલાં જ પોતાની પ્રજ્ઞાથી પ્રગટ કરી દીધું હતું. પરંતુ આપણી ખોટ છે કે, પ્રભુએ બતાવેલાં સત્યને આપણે સહજતાથી સ્વીકારી નથી શકતાં જયારે કે, પ્રભુનું સત્ય આજે સાબિત થઈ રહ્યું છે જયારે આખું જગત મુખ પર માસ્ક પહેરીને સોશ્યલ ડિસ્ટન્સ રાખી રહ્યું છે. માટે જ, સમજાય કે ન સમજાય પરંતુ આપણે પ્રભુના દરેક વચનો પર 'પ્રભુ તમે જે કહ્યું છે તે જ સત્ય છે' ના ભાવ સાથે નિઃશંક શ્રદ્ઘા રાખવાની છે. આ અવસરે પ્રભુ મહાવીરને એક સુપર સાયન્ટીસ્ટ તરીકે ઓળખાવતી અને કચ્છી પરિવારના નીનાબેન ગાલા દ્વારા નિર્દેશિત નાટિકા 'અબ જાનેગી દુનિયા સુપર સાયન્ટીસ્ટ કો' ની પ્રસ્તુતિ કરાયેલ.

વિશ્વમાં, આ અવસરે માતા ત્રિશલા દેવીને આવેલાં ચૌદ મહાસ્વપ્નની રજવાડી વણઝારાના દિવ્ય દર્શન કરાવવામાં આવેલ. ૧૪ મહાસ્વપ્ન પ્રત્યે અત્યંત અહોભાવ ધરાવતાં ઉદારાદિલ ભાવિકોએ આ અવસરે મહત્ત્।મ અનુદાન અર્પણ કરીને મહાસ્વપ્નની ઉછામણીનો અમૂલ્ય લાભ લઈ ધન્ય બન્યાં હતાં. પૂજય શ્રી પરમ મહાસતીજીઓના શ્રીમુખેથી આ અવસરે પ્રભુ મહાવીરના જીવન પ્રસંગો આધારિત પ્રેરક કથાનકનું વર્ણન કરતાં સહુ અહોભાવિત બન્યાં હતાં.

(3:19 pm IST)