રાજકોટ
News of Sunday, 19th September 2021

રાજકોટની શાન રાજાશાહી વખતની રાજકુમાર કોલેજની ૯ વર્ષ બાદ યોજાશે ચૂંટણી

આજથી ૧પ૪ વર્ષ પહેલા રાજકુમાર કોલેજ બની હતી : રાજકુંવરોના શિક્ષણ માટે રાજવીઓએ ઇ.સ. ૧૮૬૮ માં રાજકોટમાં રાજકુમાર કોલેજની સ્‍થાપના કરી હતી

રાજકોટ : સૌરાષ્ટ્રમાં જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજકુંવરોના શિક્ષણ માટે ૧૫૪ વર્ષ પહેલા રાજવીઓએ ઈ.સ.૧૮૬૮માં રાજકોટના શાસ્ત્રીમેદાન પાસે સ્થાપેલી રાજકુમાર કોલેજનું સંચાલન કરતા ટ્રસ્ટની આવતીકાલે ચૂંટણી યોજાશે.

ભાવનગર, રાજકોટ, ધ્રાંગધ્રા, ધ્રોલ, લિંબડી, વઢવાણ અને જાફરાબાદ એ ૭ સેલ્યુટ રાજ્યો અને જેતપુર, વડિયા સહિત ૧૦ નોન સેલ્યુટ રાજ્યોના માજી રાજવીઓ સહિત ૧૭ રાજા-મહારાજાઓ ચૂંટણી જંગમાં ઉભા છે. ચેરીટી કમિશનર કચેરીના સૂત્રો અનુસાર આ ચૂંટણી માટે ૨૭ મતદારો છે જે પૈકી નિયત સમય આજે સાંજે ૪ વાગ્યા સુધીમાં ૧૯એ પોસ્ટલ બેલેટથી આજ સુધી મતદાન કર્યું છે અને આવતીકાલે સવારથી રાજકુમાર કોલેજ ખાતે સવારે ૯થી સાંજે ૫ સુધી અથવા મતદાન ૧૦૦ ટકા થાય ત્યાં સુધી અંતિમ મતદાન યોજાશે.

કૂલ ૭ બેઠકો છે જેમાં એ ગ્રૂપની ૪ બેઠકો માટે ૧૧ રાજવીઓ દરેક ચાર-ચાર મત આપી શકે છે જ્યારે બી ગ્રૂપની ૩ બેઠકો છે જેમાં ૧૬ રાજવીઓ દરેક ત્રણ-ત્રણ મતો આપી શકે છે. આવતીકાલે સાંજ સુધીમાં મતદાન પૂર્ણ થયા બાદ મતપત્રકો ચેરીટી કમિ.કચેરીમાં સીલબંધ રાખવામાં આવશે અને હાઈકોર્ટના નિર્દેશોનુસાર રિઝલ્ટ જાહેર કરાશે. છેલ્લે રાજકુમાર કોલેજની ૯ વર્ષ પહેલા ચૂંટણી યોજાઈ હતી તેમ કોલેજના સૂત્રોએ જણાવ્યું છે. આંતરિક વિવાદ થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને સંયુક્ત ચેરીટી કમિશનર કચેરીના અમરૂ એચ.ચાવડાની ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ થઈ હતી જે અન્વયે ચૂંટણી જાહેર કરાઈ હતી.

(4:14 pm IST)